Gujarati News

Gujarati News

News of Saturday, 20th April 2024

મુરાદાબાદમાં ભાજપના ઉમેદવાર કુંવર સર્વેશ સિંહનું અવસાન: ગઈકાલે મતદાન થયું હતું

કુંવર સર્વેશ સિંહ 1991 થી 2007 સુધી 5 ટર્મ સુધી ઠાકુરવાડાથી ધારાસભ્ય રહી ચુક્યા છે

ઉત્તર પ્રદેશના મુરાદાબાદમાં શનિવારે ભાજપના ઉમેદવાર કુંવર સર્વેશ સિંહનું અવસાન થયું. તેમને ભારતીય જનતા પાર્ટી તરફથી લોકસભા 2024ની ચૂંટણી માટે ટિકિટ આપવામાં આવી હતી. ભાજપના જિલ્લા મીડિયા પ્રભારી સંજય ઢાકાએ આ સમાચારની પુષ્ટિ કરી છે. સંજયે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને સર્વેશ સિંહના મૃત્યુની માહિતી આપી છે. તમને જણાવી દઈએ કે શુક્રવારે જ મુરાદાબાદમાં લોકસભા ચૂંટણી માટે મતદાન થયું હતું

   કુંવર સર્વેશનો જન્મ 23 ડિસેમ્બર 1952ના રોજ થયો હતો, તેમનું મૂળ ગામ ઠાકુરદ્વારાનું રતુપુરા છે. સર્વેશ સિંહને રાજનીતિ વારસામાં મળી હતી. તેમના પિતા રાજા રામપાલ સિંહ કોંગ્રેસી હતા અને તેઓ 4 વખત ઠાકુરદ્વારાથી ધારાસભ્ય રહી ચૂક્યા છે અને એક વખત અમરોહાથી સાંસદ પણ રહી ચૂક્યા છે. કુંવર સર્વે સિંહે આ વારસાને આગળ ધપાવ્યો. કુંવર સર્વેશ સિંહના પુત્ર કુંવર સુશાંત સિંહ બિજનૌર જિલ્લાની બદાપુર વિધાનસભાથી ધારાસભ્ય છે. કુંવર સર્વેશ સિંહ 1991 થી 2007 સુધી 5 ટર્મ સુધી ઠાકુરવાડાથી ધારાસભ્ય રહી ચુક્યા છે. 

   રાજ્યમાં પોતાની મજબૂત છબી માટે જાણીતા કુંવર સર્વેશ સિંહે 2014માં ભાજપ તરફથી મુરાદાબાદ બેઠક પરથી ચૂંટણી લડી હતી. આ દરમિયાન તેમણે શાનદાર જીત નોંધાવી હતી અને સંસદનો માર્ગ મોકળો કર્યો હતો. આ પછી 2019માં પણ પાર્ટીએ તેમના પર વિશ્વાસ વ્યક્ત કર્યો હતો, જોકે આ દરમિયાન તેમને હારનો સામનો કરવો પડ્યો હતો. તમને જણાવી દઈએ કે આ વખતે ફરી પાર્ટીએ તેમના પર વિશ્વાસ વ્યક્ત કર્યો અને તેમને ઉમેદવાર બનાવ્યા.

મુરાદાબાદ લોકસભા સીટ પરથી ભાજપે પોતાના મજબૂત નેતા કુંવર સર્વેશ સિંહ પર વિશ્વાસ દર્શાવ્યો હતો.INDIA  ગઠબંધન તરફથી સમાજવાદી પાર્ટીના મહિલા નેતા રુચિ વીરા વચ્ચે સીધો મુકાબલો હતો. આ દરમિયાન બસપાના ઉમેદવારો પણ મેદાનમાં હાથ અજમાવી રહ્યા હતા. મુરાદાબાદમાં કુલ 20.56 લાખ મતદારો છે, જેમાંથી શુક્રવારે પ્રથમ તબક્કાના મતદાન દરમિયાન માત્ર 62.6 ટકા લોકોએ જ મતદાન કર્યું હતું. આ દુખદ સમાચાર ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થાય અને પરિણામ આવે તે પહેલા જ આવી ગયા છે.

(9:51 pm IST)