Gujarati News

Gujarati News

News of Monday, 20th June 2022

ખાદ્યતેલ ૧૦થી ૧૫ રૂપિયા સસ્‍તું: ભાવમાં હજુ પણ ઘટાડો થશે !

અદાણી વિલ્‍મરે ફોર્ચ્‍યુન રિફાઇન્‍ડ સનફ્‌લાવર ઓઇલના એક લિટરની કિંમત રૂ.૨૨૦ થી ઘટાડીને રૂ.૨૧૦ પ્રતિ લિટર કરી છેઃ હૈદરાબાદ સ્‍થિત કંપનીએ પણ એક લિટર તેલના પેકેટની કિંમતમાં ૧૫ રૂપિયાનો ઘટાડો કર્યો છે

નવી દિલ્‍હી, તા.૨૦: છેલ્લા કેટલાક મહિનાઓથી ખાદ્યતેલના ભાવોએ સામાન્‍ય માણસનું બજેટ ખોરવી નાખ્‍યું હતું. પરંતુ હવે ફરી એકવાર કિંમતો ઘટી રહી છે. તાજેતરમાં, અદાણી-વિલ્‍મરે ખાદ્ય તેલના ભાવમાં પ્રતિ લિટર રૂ.૧૦ સુધીનો ઘટાડો કર્યો છે. ચાલો જાણીઍ કે ભવિષ્‍યમાં આવો ઘટાડો જોવા મળશે કે નહીં?

અદાણી વિલ્‍મરે ફોર્ચ્‍યુન રિફાઇન્‍ડ સનફ્‌લાવર ઓઇલના એક લિટરની કિંમત રૂ.૨૨૦ થી ઘટાડીને રૂ.૨૧૦ પ્રતિ લિટર કરી છે. તે જ સમયે, કંપની દ્વારા શનિવારે જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્‍યું છે કે સરસવના તેલના ઍક લિટરની કિંમત પણ ૨૦૫ રૂપિયાની જગ્‍યાએ ૧૯૫ રૂપિયા રહેશે. આ સિવાય હૈદરાબાદ સ્‍થિત કંપની જેમિની ઍડિબલ એન્‍ડ ફેટ્‍સે એક લિટર સનફ્‌લાવર ઓઈલ પેકેટની કિંમતમાં ૧૫ રૂપિયાનો ઘટાડો કર્યો છે. કંપની ભાવમાં વધુ ઘટાડો કરી શકે છે.

કેન્‍દ્ર સરકારે પામ ઓઈલ પરની આયાત ડ્‍યૂટીમાં ઘટાડો કર્યા બાદ ખાદ્ય તેલ કંપનીઓઍ તેમના પેકેટના ભાવમાં ઘટાડો કર્યો છે. કિંમતોમાં થયેલા ઘટાડા અંગે કંપનીઓનું કહેવું છે કે અમે ગ્રાહકોને પણ જે ફાયદો મળી રહ્યા છે તે આપવા માંગીએ છીએ. તમને જણાવી દઈએ કે, પામ ઓઈલની સપ્‍લાયને કારણે ખાદ્યતેલના ભાવમાં અચાનક વધારો થયો હતો.

તાજેતરમાં એવા અહેવાલ આવ્‍યા હતા કે ભારત સરકાર ઇન્‍ડોનેશિયાને ઘઉં આપશે અને તેના બદલે ત્‍યાંથી પામ તેલની આયાત કરશે. જોકે, આ અંગે બંને સરકારો તરફથી કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્‍યું નથી. પરંતુ જો આ ડીલ સફળ થશે તો આગામી સમયમાં ખાદ્યતેલના ભાવમાં ફરી ઘટાડો જોવા મળી શકે છે.

(11:42 am IST)