Gujarati News

Gujarati News

News of Monday, 20th June 2022

૧૬ વર્ષથી મોટી ઉંમરની મુસ્‍લિમ છોકરી પોતાની પસંદના સાથી સાથે લગ્ન કરી શકે

પંજાબ અને હરિયાણા હાઇકોર્ટનો મોટો ચુકાદો

ચંદીગઢ, તા.૨૦: છોકરીઓના લગ્નને લઈને ભારે વિવાદો થઈ રહ્યા છે. ખાસ કરીને તેમની ઉંમરના સંબંધમાં. હવે પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે ચુકાદો આપ્‍યો છે કે, ૧૬ વર્ષની મોટી ઉંમરની મુસ્‍લિમ છોકરીઓ પોતાના મનપસંદ સાથી સાથે લગ્ન કરી શકે છે. આપને જણાવી દઈએ કે, કોર્ટે એક મુસ્‍લિમ કકપલની સુરક્ષા અરજી પર સુનાવણી કરી હતી. આ દરમિયાન જસ્‍ટિસ જસજીત સિંહ બેદીની બેન્‍ચે આ ચુકાદા પર મહોર લગાવી હતી.

હકીકતમાં કોર્ટે એક કપલની અરજી પર સુનાવણી કરી હતી. આ અરજીમાં અરજીકર્તાઓ કહ્યુ હતું કે, આ બંનેએ પરિવારની મરજી વિરુદ્ધ લગ્ન કર્યા હતા, જેને લઈને તેમને કથિત રીતે ધમકીઓ મળવા લાગી હતી. તેમણે અરજીમાં કહ્યુ હતું કે, બંને વયસ્‍ક થઈ ચુકયા છે અને લગ્ન બાદ તેમને સ્‍વતંત્રતાથી જીવવાનો અધિકાર છે. અરજીમાં તેમણે પોલીસ પર કાર્યવાહી ન કરવાનો આરોપ લગાવતા કહ્યું કે, તેમણે આ મામલે પોલીસ ફરિયાદ પઠાણકોટમાં કરી હતી. પણ અત્‍યાર સુધીમાં કોઈ એક્‍શન લેવામાં આવી નથી.આપને જણાવી દઈએ કે, છોકરાની ઉંમર ૨૧ વર્ષ અને છોકરીની ઉંમર ૧૬ વર્ષ છે. એક રિપોર્ટ અનુસાર આ બંને વચ્‍ચે પ્રેમ પ્રસંગ હતો. પણ પરિવારના લોકો તેમના લગ્નની વિરુદ્ધમાં હતા, જે બાદ બંનેએ ભાગીને લગ્ન કરી લીધા હતા

કોર્ટે આ મામલે સુનાવણી દરમિયાન કહ્યું કે, મુસ્‍લિમ છોકરીના લગ્ન મુસ્‍લિમ પર્સનલ લો બોર્ડ અંતર્ગત થાય છે. કોર્ટે ફરદુનજી મુલ્લાની પુસ્‍તક પ્રિન્‍સિપલ્‍સ ઓફ મોહમ્‍મદન લોના આર્ટિકલ ૧૯૫ નો હવાલો આપતા કહ્યું કે, છોકરીની ઉંમર ૧૬ વર્ષથી વધારે છે. તે પોતાની પસંદ અનુસાર પોતાની પસંદના છોકરા સાથે લગ્ન કરી શકે છે. તો વળી છોકરાની ઉંમર ૨૧ વર્ષ છે. આવા સમયે બંને પોતાની મરજીથી લગ્ન કરી શકે છે. આ તમામની ઉપરાંત કોર્ટે એસએસપી પઠાણકોટને બંનેને સુરક્ષા આપવાના આદેશ આપ્‍યા છે. કોર્ટે કહ્યું કે, ફક્‍ત એટલા માટે નહીં કે છોકરી પોતાની પરિવારની વિરુદ્ધ જઈને લગ્ન કરી રહી છે, તો તેમને ભારતીય સંવિધાનમાં મૌલિક અધિકારોથી વંચિત કરી શકાય નહીં.

(3:35 pm IST)