Gujarati News

Gujarati News

News of Monday, 20th June 2022

જમવાનું ન આપતાં પતિએ પત્નીની હત્યા કરી નાખી

સાઉથ દિલ્હીના ફતેહપુર બેરી વિસ્તારનો બનાવઃપતિએ તકિયાથી મોંઢુ દબાવીને પત્નીની હત્યા કરી નાખી, એ પછી પતિ આખી રાત્રી સુધી પત્ની પાસે સૂઈ રહ્યો

નવી દિલ્હી , તા.૨૦ :સાઉથ દિલ્હીના ફતેહપુર બેરી પોલીસ સ્ટેશન હેઠળ આવતા વિસ્તારમાં એક ચોંકાવનારી હત્યાનો બનાવ સામે આવ્યો છે. પતિ અને પત્ની વચ્ચે ઝઘડો થયો અને એ પછી પતિએ તકિયાથી મોંઢુ દબાવીને પત્નીની હત્યા કરી નાખી. એ પછી પતિ આખી રાત્રી સુધી પત્ની પાસે સૂઈ રહ્યો. બીજા દિવસે સવારે જ્યારે તે ઉઠ્યો ત્યારે તેને ખબર પડી કે તેની પત્ની મરી ચૂકી છે. આ આરોપમાં પોલીસે પતિની ધરપકડ કરી છે. પોલીસે આ મામલે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

સાઉથ દિલ્હી પોલીસે જણાવ્યું કે, મૃતક મહિલાનું નામ સોનાલી હતું. જ્યારે હત્યાના આરોપમાં ધરપકડ કરવામાં આવેલા પતિનું નામ વિનોદ દૂબે છે. બંનેએ પરિવારની મરજી વિરુદ્ધ ઘરેથી ભાગીને ૨૦૦૮માં લવ મેરેજ કર્યા હતા. સોનાલી મૂળ કોલકત્તાની રહેવાસી હતી અને વિનોદ સુલ્તાનપુર ગામનો રહેવાસી છે. જો કે, લગ્ન બાદ તેઓને બાળક નહોતું. કોરોનાકાળમાં વિનોદની નોકરી છૂટી ગઈ હતી. ત્યારથી તે બેરોજગાર હતો. પોલીસનું કહેવું છે કે, ગુરુવારે મોડી સાંજે પતિ-પત્નીએ દારુ પીધો હતો. એ પછી પત્નીએ જમવાનું બનાવીને મૂકી રાખ્યું હતું. પોલીસ સમક્ષ વિનોદે કબૂલાત કરી કે, તેણે પોતાની પત્નીને જમવાનું પીરસવા માટે કહ્યું હતું. પત્નીએ જમવાનું નહીં આપતા બંને વચ્ચે ઝઘડો શરુ થયો હતો. બાદમાં વિનોદે તકિયા દ્વારા સોનાલીનું મોંઢુ દબાવી દીધુ હતુ. એ પછી તે પત્ની પાસે આખી રાત સૂઈ રહ્યો. શુક્રવારે સવારે જ્યારે વિનોદ ઉઠ્યો તો તેણે સોનાલીને ઉઠાવવાનો પ્રયાસ કર્યો. પણ તે ઉઠી શકી નહીં. ખૂબ પ્રયાસો બાદ વિનોદને અહેસાસ થયો કે રાત્રે તકિયાથી મોંઢુ દબાવ્યા બાદ સોનાલીનું મોત થઈ ચૂક્યું હતું.

એ પછી તેણે આ વાતની જાણ તેના મિત્રને કરી હતી. તેના મિત્રએ આ વાતની જાણ પોલીસને કરી હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચીને આરોપી વિનોદની ધરપકડ કરી હતી. પોલીસનું કહેવું છે કે, શનિવારે પોસ્ટમોર્ટમ રિપોર્ટ કરવામા આવ્યો. સોનાલીના પિયરપક્ષને પણ આ વાતની જાણ કરવામાં આવી છે. તેમ છતા હજુ સુધી કોઈ આવ્યું નથી. આ મામલે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

 

 

(8:35 pm IST)