Gujarati News

Gujarati News

News of Monday, 20th July 2020

અનેક બેન્કના નિયમ ૧લી ઓગસ્ટથી બદલાશે

અમુક બેંકો રૂપિયા જમા કરાવવા તેમ જ કઢાવવા માટે ફી વસૂલ કરશે તો અમુક બેંકો મીનીમમ બેલેન્સ વધારવા માટેની તૈયારી કરી રહી છે

મુંબઈ, તા.૨૦: એકિસસ બેંક, બેંક ઓફ મહારાષ્ટ્ર, કોટક મહિન્દ્ર બેંક, આરબીએલ સહિતની દેશની અમુક બેંક પહેલી ઓગસ્ટથી બેંકના વ્યવહાર અંગેના નિયમો બદલશે.

આ બેંકો ટ્રાન્ઝેકશન અંગેના નિયમોમાં અમુક ફેરફાર કરશે.

આ બેંકોમાંથી અમુક બેંકો રૂપિયા જમા કરાવવા તેમ જ કઢાવવા માટે ફી વસૂલ કરશે તો અમુક બેંકો મીનીમમ બેલેન્સ વધારવા માટેની તૈયારી કરી રહી છે.

મેટ્રો અને શહેરી વિસ્તારમાં રહેતા બેંક ઓફ મહારાષ્ટ્રના બચત ખાતું ધરાવતા લોકોએ હવે તેમના ખાતામાં અગાઉની સરખામણીએ વધુ મીનીમમ બેલેન્સ રાખવું પડશે.

બેંક ઓફ મહારાષ્ટ્રએ મેટ્રો અને શહેરી વિસ્તારમાં મીનીમમ બેલેન્સ રૂ. ૨૦૦૦ કર્યું છે. અગાઉ તે રૂ.૧૫૦૦ હતું.

મેટ્રો અને શહેરી વિસ્તારમાં ખાતામાં મીનીમમ બેલેન્સ ન રાખનાર ખાતાધારકને રૂ.૭૫ દંડ લાગશે.

અર્ધશહેરી વિસ્તારમાં દંડની આ રકમ રૂ. ૫૦ તો ગ્રામીણ વિસ્તારમાં આ રકમ રૂ. ૨૦ હશે.

એકિસસ બેંક હવેથી ગ્રાહકો પાસેથી પ્રત્યેક ઈસીએસ ટ્રાન્ઝેકશન માટે પચીસ રૂપિયા વસૂલશે. અગાઉ એ ફ્રી હતું.

હવે બેંકે એક કરતા વધુ લોકર ધરાવનાર પાસેથી પણ ચાર્જ વસૂલ કરવાની શરૂઆત કરી છે. બેંક પ્રતિ બંડલ કેશ હેન્ડલિંગ ફી પણ વસૂલ કરશે.

કોટક મહિન્દ્રા બેંકના બચત ખાતા અને કોર્પોરેટ સેલેરી અકાઉન્ટ હોલ્ડર્સને દર મહિને પાંચ ટ્રાન્ઝેકશન ફ્રી આપવામાં આવશે, પરંતુ ત્યાર બાદ પ્રત્યેક કેશ વિડ્રોઅલ માટે ડેબિટ કાર્ડ-એટીએમ ચાર્જ તરીકે રૂ. ૨૦ વસૂલવામાં આવશે.

એ જ પ્રમાણે પ્રત્યેક નોન ફાઈનાન્શિયલ ટ્રાન્ઝેકશન માટે રૂ. ૮.૫૦ વસૂલવામાં આવશે.

ખાતામાં મીનીમમ બેલેન્સ નહીં હોય તો મર્ચન્ટ આઉટલેટ આ વેબસાઈટ તેમ જ એટીએમના નિષ્ફળ ટ્રાન્ઝેકશન માટે પચીસ રૂપિયા વસૂલવામાં આવશે.

કોટક મહિન્દ્રા બેંક ખાતામાં મીનીમમ બેલેન્સ ન રાખનાર ખાતાધારક પાસેથી દંડ વસૂલશે.

આ ખાતાઓનું જુદી જુદી શ્રેણીમાં વર્ગીકરણ કરવામાં આવશે તેમ જ તેની સાથે સાથે પ્રત્યેક ચાર ટ્રાન્ઝેકશન બાદ પ્રતિ ટ્રાન્ઝેકશન રૂ.૧૦૦ વસૂલવામાં આવશે. જો તમે આ બેંકના ગ્રાહક છો તો બદલાયેલા નિયમોની યાદી મેળવી લેવી તમારા માટે જરૂરી છે.

(10:35 am IST)