Gujarati News

Gujarati News

News of Monday, 20th July 2020

પ. બંગાળમાં એક વિદ્યાર્થીની પર કથિત સામૂહિક દુષ્કર્મ બાદ કરાઇ હત્યાઃ વિરોધમાં લોકોનું પ્રદર્શન

રસ્તાને જામ કરી દીધો હતો અને અનેક વાહનોને આગ ચાંપી હતી

કોલકત્તા, તા.૨૦: પશ્ચિમ બંગાળમાં કથિત ગેંગરેપ અને એક સ્કૂલની છોકરીની હત્યા બાદ ગુસ્સે ભરાયેલા લોકોએ દ્યણા વાહનોને આગ ચાંપી દીધી હતી. રવિવારે બપોરે કોલકાતાને સિલિગુડીથી જોડતા એનએચ-૩૧ પર લોકો વિરોધ નોંધાવવા માટે એકઠા થયા હતા અને ગુસ્સે થયા હતા. દરમિયાન તેમણે રસ્તાને જામ કરી દીધો હતો અને અનેક વાહનોને આગ ચાંપી હતી.

કોલકાતાથી લગભગ ૫૦૦ કિલોમીટર દૂર ચોપડામાં આ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. લગભગ બે કલાક સુધી પોલીસે પ્રદર્શનકારીઓને વિખેરવાનો પ્રયાસ કર્યો, પરંતુ લોકો વધુ રોષે ભરાયા. આ પછી પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો. પોલીસે ટીયર ગેસનાં શેલ પણ છોડ્યા હતા. બપોરે ૨ વાગ્યે શરૂ થયેલી હિંસા કેટલાક કલાકો સુધી ચાલી હતી અને પ્રદર્શનકારો દ્વારા ઓછામાં ઓછી ત્રણ બસો અને પોલીસ વાહનોને આગ ચાંપી દેવામાં આવી હતી. પોલીસનું માનવું હતું કે સાંજે પાંચ વાગ્યા સુધીમાં તેઓએ ટોળાને વિખેરી દીધુ હતુ, પરંતુ પ્રદર્શનકારીઓ ત્યાંથી થોડે દૂર ગયા અને ધનુષ અને તીર વડે પોલીસ જવાનોને નિશાન બનાવવાનું શરૂ કર્યું.

મૃત્યુ પામનાર યુવતીની બહેને જણાવ્યું કે, તેની બહેને હમણા જ દસમા ધોરણની પરીક્ષા પાસ કરી હતી. અચાનક ગુમ થયેલી યુવતીની પરિવારે શોધખોળ શરૂ કરૂ પરંતુ તેમને તેની લાશ એક ઝાડ નીચે મળી હતી. સ્થાનિકોનો આરોપ છે કે તેની હત્યા સામૂહિક દુષ્કર્મ બાદ કરવામાં આવી હતી. દ્યટના સ્થળેથી મળી આવેલી બે સાયકલો અને કેટલાક મોબાઇલ ફોન પોલીસને હવાલે કરવામાં આવ્યા છે. યુવતીનો મૃતદેહ મળી આવતા જ વિરોધ પ્રદર્શન શરૂ થયુ હતુ. સ્થાનિક પોલીસનું કહેવું છે કે, પરિસ્થિતિ હવે કાબૂમાં છે અને યુવતીનાં મોત અંગે તપાસ શરૂ કરી દેવામાં આવી છે.

(11:49 am IST)