Gujarati News

Gujarati News

News of Monday, 20th July 2020

નાની ભુલે હાહાકાર સર્જયો : માતા અને ૪ પુત્રો હોમાયા

ઝારખંડના ધનબાદની ઘટના : ૯૦ વર્ષના વૃધ્ધા દિલ્હી લગ્નમાં ગયા અને વળતા કોરોના લઇ આવ્યા : પરિવારને ચેપ લગાડયો : પાંચમો પુત્ર પણ સીરીયસઃ કોરોનાથી મૃત્યુ પામેલ વૃધ્ધાના અગ્નિ સંસ્કાર આઇસીએમઆર માર્ગદર્શિકા મુજબ કરવાને બદલે ઘરમેળાયે કર્યા અને આ ગંભીર કિસ્સો સર્જાયો

ધનબાદ તા. ૨૦ : પરિવારના એક સદસ્યની ભૂલ આખા પરિવારને કેટલો તહસ નહસ કરી નાખે છે તેનો જીવંત કિસ્સો ઝારખંડના ધનબાદ ખાતે નોંધાયો છે.

કતરાસના ચૌધરી પરિવારના એક ૯૦ વર્ષના વૃધ્ધા ગત ૨૭ જુનના દિલ્હી લગ્ન સમારોહમાં ગયા હતા. ત્યાંથી વળતા કોરોનાનો ચેપ લગાડતા આવ્યા. ઘરે આવ્યા પછી તબીયત બગડતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા પણ સારવાર કારગત નિવડે તે પહેલા જ ગત ૪ જુલાઇના મૃત્યુ થયુ.

આટલુ બન્યા પછી આ પરિવાર એક ભુલ કરી બેઠો કે આઇસીએમઆરના દિશા - નિર્દેશો મુજબ અગ્નિ સંસ્કાર કરવાને બદલે સામાન્ય રીતે થતી વિધી મુજબ અગ્નિ સંસ્કાર કર્યા. તેનું ગંભીર પરિણામ એ આવ્યુ કે પરિવારના અન્ય સભ્યો પણ કોરોના સંક્રમિત થયા.

આ જ પરિવારના અન્ય એક દિકરાનું મૃત્યુ સરકારી હોસ્પિટલમાં અને બીજા દિકરાનું મૃત્યુ કોવિડ સ્પેશ્યલ હોસ્પિટલમાં થયુ. જયારે ત્રીજા દિકરાનું મૃત્યુ રિમ્સ હોસ્પિટલમાં થયુ. ચોથા દિકરાનો રીપોર્ટ નેગેટીવ આવ્યો હતો. તેમછતા તેને શ્વાસ લેવામાં તકલીફ સર્જાતા ટાટા મેમોરીયલ હોસ્પિટલમાં લઇ જવાયો. પરંતુ તેનું પણ મૃત્યુ થયુ.

આમ લગ્નમાં જવાની ભુલ ભારે પડી અને ફકત ૧૨ દિવસની અંદર એક જ પરિવારના પ લોકોના કોરોના વાઇરસના કારણે મૃત્યુ થયા.

જો કે હજુ વધુ એક પુત્રની હાલત ગંભીર ગણાવાય રહી છે જે જીવન મરણ વચ્ચે ઝોલા ખાય છે. તેમજ સંપર્કમાં આવેલ ૭૫ ની કોરોના તપાસ ચાલુ છે.

(1:03 pm IST)