Gujarati News

Gujarati News

News of Monday, 20th July 2020

તમે ધોરણ ૮ પાસ છો !! : તો તમને પોસ્ટ વિભાગની ફ્રેન્ચાઇઝી મળી શકે છે : મહીને ૫૦ હજાર કમાવાની તક

રાજકોટ તા. ૨૦ : કોરોના સંકટમાં પોસ્ટલ વિભાગે બેરોજગારોને રોજગારી માટે એક સુંદર ભેટ આપી છે.

વિગતો મુજબ ૮ ધોરણ પાસ કોઇપણ વ્યકિત ડાક વિભાગની પોસ્ટલ ફ્રેન્ચાઇઝી લઇ શકશે અને મહીને ૫૦ થી ૬૦ હજારની કમાણી કરી શકશે.

આ માટે ડાક-વિભાગે પોસ્ટલ ફ્રેન્ચાઇઝી સ્કીમ લોન્ચ કરી છે, આ સ્કીમમાં વ્યકિત ૫ હજાર રૂ.નું રોકાણ કરી મહીને ૫૦ થી ૬૦ હજારની કમાણી કરી શકે છે.

હાલ દેશભરમાં ૧ લાખ ૫૫ હજાર પોસ્ટ ઓફિસ છે, પરંતુ હવે ગામેગામ પહોંચવા માટે પોસ્ટલ વિભાગે ફ્રેન્ચાઇઝી દેવાનું શરૂ કર્યું છે.

અધિકારી સૂત્રોએ ઉમેર્યું હતું કે, આ યોજના અનુસાર કોઇપણ વ્યકિત એવી જગ્યાએ પોસ્ટ ઓફિસ ખોલી શકે છે કે જ્યાં પોસ્ટ ઓફિસની કોઇ સુવિધા નથી અને આ ફ્રેન્ચાઇઝી ગામડામાં - નાના કસ્બામાં - શહેરોમાં પણ ખોલી શકાય છે.

પોસ્ટલ વિભાગ બે પ્રકારની ફ્રેન્ચાઇઝી આપી રહ્યું છે, જેમાં એક આઉટલેટ અને બીજી પોસ્ટલ એજન્ટની છે. પોસ્ટલ એજન્ટ ફ્રેન્ચાઇઝી મારફત શહેર અને ગામડામાં પોસ્ટલ સ્ટેમ્પસ - સ્ટેશનરી ઘરે સુધી પહોંચાડી શકે છે, ફ્રેન્ચાઇઝી મળ્યા બાદ જે તે વ્યકિતને તેના કામના હિસાબે નિશ્ચિત કમીશન મળી શકે છે.

આ ફ્રેન્ચાઇઝી માટે મીનીમમ ઉંમર મર્યાદા ૧૮ વર્ષની અને ધો. ૮ પાસનું માન્ય સ્કુલનું સર્ટીફીકેટ જરૂરી છે, અને તેમાં ૫ હજારની સિકયોરીટી ડીપોઝીટ જમા કરાવવાની હોય છે.

(3:03 pm IST)