Gujarati News

Gujarati News

News of Monday, 20th July 2020

સાંસદ સી.આર. પાટીલ ભાજપના નવા પ્રદેશ પ્રમુખ

છેલ્લા કેટલાક સમયથી ચાલી આવતી અટકળોનો આવ્યો અંત : ભાજપના પ્રદેશ પ્રમુખનો કાર્યકાળ ગત ઓગષ્ટમાં જ પૂરો થઇ ગયો હતો : સંખ્યાબંધ નામો ગાજ્યા બાદ અચાનક મૂળ મહારાષ્ટ્રીયન નેતાની નિમણુંક : નવા પ્રમુખ નવસારીના સાંસદ છે

રાજકોટ તા.૨૧: ગુજરાત ભાજપના નવા પ્રમુખ તરીકે નવસારીના સાંસદ સી.આર. પાટીલની નિમણુંક કરવામાં આવી છે.

શ્રી સી.આર. પાટીલ મૂળ મહારાષ્ટ્રના વતની છે. તેમની નિમણુંકથી ગુજરાત ભાજપમાં નવા જ ચહેરાનો ઉદય થયો છે. મુખ્યમંત્રી અને પ્રદેશ પ્રમુખ બન્ને બિનપટેલ હોય તેવું પ્રથમ વખત બન્યું છે.

રાજ્યના પ્રદેશ પ્રમુખ તરીકે પાટીદાર અને બક્ષીપંચ સમાજના અનેક આગેવાનોના નામ ચાલતા હતા. ત્યાં અચાનક જ સી.આર. પાટીલનું નામ જાહેર થતા આશ્ચર્ય સર્જાયુ છે.

રાજ્યમાં છેલ્લા દોઢ દાયકામાં રાજેન્દ્રસિંહ રાણા, પરસોત્તમ રૂપાલા, આર.સી. ફળદુ, જીતુ વાઘાણી વગેરે પ્રમુખપદે ફરજ બજાવી ચૂકયા છે.

૬૫ વર્ષના શ્રી સી.આર. પાટીલે આઇ.આઇ.ટી.નો અભ્યાસ કરેલ છે. ખેતી અને વેપાર સાથે સંકળાયેલા છે. તેમનો જન્મ મહારાષ્ટ્રમાં થયો હતો. વિધાનસભાની ૮ પેટા ચૂંટણી અને તાલુકા-જિલ્લા પંચાયતની ચૂંટણી તેમના નેતૃત્વમાં લડાશે.

(4:30 pm IST)