Gujarati News

Gujarati News

News of Monday, 20th July 2020

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિશ્વાસુ સી.આર. પાટીલ પક્ષમાં નવા શ્વાસ ભરી શકશે ખરા ?

સી.આર. પાટીલની નિમણૂંકથી પાયાના કાર્યકરોને આશ્ચર્ય : સીઆર પાટીલને પક્ષની જવાબદારી સોંપાતા પક્ષમાં જ છૂપો રોષ, અમિત શાહને પાટીલ સાથે જરાયે બનતું નથી

અમદાવાદ, તા. ૨૦ : ભારતીય જનતા પક્ષના નવા પ્રમુખ તરીકે નવસારીના સાંસદ સી.આર પાટીલની વરણી કરાતા લોકોને તો બિનગુજરાતીને પક્ષની કમાન સોંપવા અંગે આશ્ચર્ય થયું છે પણ પક્ષના કાર્યકરોમાં પણ વરણીને લઈને છૂપો ગણગણાટ સંભળાઈ રહ્યો છે. જોકે, ભાજપમાં જે પ્રકારે વહિવટ ચાલે છે જોતા પાટીલનો જાહેરમાં વિરોધ થવાની સંભાવના નહિવત છે. હાલમાં રાજકીય પંડિતોથી માંડીને સર્વત્ર સી.આર. પાટીલ ગુજરાતમાં પક્ષને કેટલો મજબૂત કરી શકશે બાબતે ચર્ચા ચાલી રહી છે.

કોણ છે સી.આર. પાટીલ? : એક કોન્સ્ટેબલથી બિઝનેસમેન બન્યા બાદ પાટીલ રાજકારણમાં આવ્યા છે. મહારાષ્ટ્રમાં જન્મેલા પાટીલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ખાસ વિશ્વાસુ છે. તેમણે મોદીને વારાણસીથી જીતાડવાના આયોજનમાં મહત્વની ભૂમિકા નિભાવી હોઈ તેનો બદલો વાળી આપ્યાનું ચર્ચાઈ રહ્યું છે. તેમની સૌથી મોટી ક્ષમતા પક્ષ માટે કરોડો રૂપિયાનું ફંડ એકત્રિક કરી આપવાની છે.

પાટીલના નબળા પાસા : સી.આર પાટીલને મોદી પછી પક્ષમાં બીજું સ્થાન ધરાવતા અમિત શાહ સાથે બનતું નથી જેના લીધે મોદીના વિશ્વાસુ હોવા છતાં શાહ તેમને મુક્તપણે શ્વાસ લેવા દેશે કે કેમ અંગે શંકા છે. પાટીલ સારા વક્તા પણ નથી, વળી તેઓ સારા લિડર પણ નથી કે જેથી પક્ષને એક તાંતણે બાંધીને રાખી શકે. રાતના સમયે તેમને ઓછું દેખાતું હોઈ તેઓ બહુ પ્રવાસ કરવાનું ટાળે છે. જે બાબત પણ તેમને તેમના કાર્યમાં વિઘ્ન ઊભું કરી શકે છે.

સી.આર.ના પ્રમુખ બનવાથી કોને થશે લાભ? : સીઆર. પાટીલના ભાજપના પ્રદેશ પ્રમુખ બનવાથી ભાજપને સૌથી મોટો લાભ ફંડને લઈને થઈ શકે છે. ટૂંક સમયમાં રાજ્યની આઠ વિધાનસભાની પેટા ચૂંટણીઓ યોજાવાની છે એવામાં કપરા સમયમાં પક્ષને ફંડની કમી સી.આર. પડવા દે એમ લાગતું નથી. જોકે, સી.આર.ની વરણીથી સૌથી મોટો લાભ કોંગ્રેસને થાય એવું રાજકીય પંડિતોનું અનુમાન છે.

કોંગ્રેસને કેમ લાભ થશે? : કોંગ્રેસે તાજેતરમાં પાટીદાર નેતા હાર્દિક પટેલને પક્ષ પ્રમુખ તરીકેની જવાબદારી સોંપી પાટીદારોના એક મોટા વર્ગને પોતાની તરફ આકર્ષ્યો છે. બીજી બાજુ સામાન્ય રીતે ગુજરાતમાં મોટે ભાગે ગુજરાતીને પક્ષનું સુકાન સોંપાતું આવ્યું છે ત્યારે એક મહારાષ્ટ્રીયનને લોકો તો ઠીક પણ પક્ષના કાર્યકરો પણ કઈ હદે સ્વિકારે છે તો સમય બતાવશે.

ભાજપને શું નુકશાન થઈ શકે છે? : સી.આર. પાટીલના બિન ગુજરાતીના ટેગથી ભાજપને આગામી આઠ વિધાનસભાની પેટા ચૂંટણીમાં મોટું નુકશાન થઈ શકે છે. સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતમાં તો પક્ષની તકલિફ હવે વધશે પણ સૌરાષ્ટ્ર તો હાથમાંથી સરકી જાય એવું અનુમાન રાજકીય વિશ્લેષકો માંડી રહ્યા છે. એક બાજુ બર્મામાં જન્મેલા વિજય રૂપાણીને  મુખ્યપ્રધાન બનાવ્યા ત્યારથી પક્ષમાં અસંતોષ જોવા મળી રહ્યો છે ત્યાં પાટીલની વરણીથી કાર્યકરોમાં નારાજગી વધી શકે છે. ગુજરાત ભાજપના પાયાના કાર્યકરોને પક્ષના મોવડીઓનો નિર્ણય જરાયે પસંદ આવ્યો નથી.

પાટીલ સામેના કપરા પડકાર : કોરોનાના કાળમાં જે રીતે મહામારી રાજ્યમાં વકરી છે એને લીધે લોકોમાં પણ સત્તાધારી પક્ષના વહિવટ સામે છૂપો રોષ છે. પોલીસોના ગ્રેડ-પે મુદ્દે પણ ભારે નારાજગી છે. પક્ષમાં કોંગ્રેસમાંથી આવનારાઓને અપાતા મહત્વ પર પણ પક્ષના પાયાના કાર્યકરોમાં રોષ છે. તમામ પડકારો ઉપરાંત પાટીલ સમક્ષ તાજેતરમાં આઠ વિધાનસભાની પેટા ચૂંટણીઓમાં પક્ષને જીતાડવાનું મોટું દબાણ હશે એમાં કોઈ શંકાને સ્થાન નથી.

(7:35 pm IST)