Gujarati News

Gujarati News

News of Tuesday, 20th July 2021

રીઝર્વ બેન્‍ક વિરૂદ્ધ સુપ્રિમ કોર્ટ પહોંચી એસબીઆઈ,એચડીએફસી, કોટક બેન્‍ક, આઈડીએફસી બેન્‍ક વગેરે

આરટીઆઈ એકટ હેઠળ ફાયનાન્‍સીયલ સેન્‍સેટીવ ડેટા શેયર કરવાના નિર્દેશનો વિરોધ : રીઝર્વ બેન્‍કના નિર્દેશ સામે સ્‍ટેની માગણીઃ જો માહિતી લીક કરાય તો બેન્‍કોના બીઝનેશને અસર થશે તેવી દલીલ

નવી દિલ્‍હી, તા. ૨૦ :  શું નાગરિકોને ટાટા, અંબાણી અને બિરલા જેવા ઉદ્યોગ માંધાતાઓના બેન્‍ક બેલેન્‍સ અને લોનની આરટીઆઈ એકટ હેઠળ માહિતી મેળવવાનો અધિકાર છે ? બેન્‍કોએ સુપ્રિમ કોર્ટમાં આ પ્રકારની દલીલ કરી હતી. બેન્‍કોએ દલીલ કરી હતી કે આ પ્રકારની માહીતી લીક થાય તો તેઓના બીઝનેશને મોટી અસર થશે અને આરટીઆઈનો દુરૂપયોગ થશે.

રીઝર્વ બેન્‍ક દ્વારા મોટા ડીફોલ્‍ટર્સની માહિતી આરટીઆઈ થકી આપવાના નિર્દેશના વિરોધમાં એસબીઆઈ, એચડીએફસી બેન્‍ક, કોટક મહિન્‍દ્રા બેન્‍ક, આઈડીએફસી બેન્‍ક વગેરે અનેક બેન્‍કો સુપ્રિમ કોર્ટ પહોંચી છે.

રીઝર્વ બેન્‍કે આરટીઆઈ કાનૂન હેઠળ મોટા ડીફોલ્‍ટર્સ અને નાણાકીય રૂપથી સંવેદનશીલ ડેટાની માહિતી શેયર કરવાનો નિર્દેશ આપ્‍યો હતો. જેનો આ બેન્‍કો વિરોધ કરી રહેલ છે. સુપ્રિમ કોર્ટે સ્‍વીકાર્યુ કે આરટીઆઈ હેઠળ નિરીક્ષણ રીપોર્ટનો ખુલાસો થઈ શકે છે. હવે પછીની સુનાવણી ૨૨ જુલાઈએ થશે.

એસબીઆઈ અને એચડીએફસી બેન્‍કે જૂન મહિનામાં સુપ્રિમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. અરજીમાં આરબીઆઈના એ નિર્દેશ પર સ્‍ટેની માંગણી કરી હતી. જેમાં આરટીઆઈ હેઠળ નાણાકીય સ્‍વરૂપથી સંવેદનશીલ ડેટા જારી કરવા કહેવાયુ હતુ. બેન્‍કોએ કહ્યુ હતુ કે આવુ કરવાથી અમારા ધંધાને અસર થશે અને ગ્રાહકોની માહિતી સાથે સમજુતી થશે. સુપ્રિમ કોર્ટે આરબીઆઈના નિર્દેશ પર તત્‍કાલ વચગાળાનો આદેશ જારી કરવા ઈન્‍કાર કર્યો હતો.

એચડીએફસી બેન્‍ક વતી મુકુલ રોહતગીએ કહ્યુ હતુ કે આરટીઆઈ કાનૂન ફકત સરકારી ઓફિસો પર લાગુ થાય છે. ખાનગી બેન્‍કો તેમના દાયરામાં નથી આવતી. ટાટા અને બિરલા સમુહ ઈલેક્‍ટ્રોનિક કાર યોજના માટે મૂડીની શોધમાં છે તેની માહિતી શેયર કરવી એ ખોટુ છે.

એસબીઆઈ તરફથી સોલીસીટર જનરલ તુષાર મહેતાએ કહ્યુ હતુ કે અનેક લોકોએ આરટીઆઈ કાનૂનને પોતાનો ધંધો બનાવી લીધો છે.  પંજાબ નેશનલ બેન્‍ક અને યુનિયન બેન્‍કે આ મહિને સુપ્રિમ કોર્ટનો દરવાજો ખટખટાવ્‍યો હતો. જો કે તેઓની અરજી ફગાવવામાં આવી હતી. બન્ને બેન્‍કોએ ડીફોલ્‍ટરોની યાદી અને નિરીક્ષણ રીપોર્ટ વગેરે સાથે જોડાયેલ માહિતીનો ખુલાસો કરવા માટે રીઝર્વ બેન્‍કની નોટીસ પર સ્‍ટેની માગણી કરી હતી.

(10:45 am IST)