Gujarati News

Gujarati News

News of Thursday, 20th August 2020

દેશમાં ૨૪ કલાકમાં વધુ ૬૪૫૩૧ કેસ ઉમેરાયા

દિવસમાં ૧૦૯૨ ચેપગ્રસ્તોનાં મોતઃ સ્વાસ્થ્ય મંત્રાલય: ૨૪ કલાકમાં ૬૦૦૯૧ દર્દી કોરોનાની બિમારીથી સ્વસ્થ થઈ ગયા : આ આંકડો વધીને ૨૦૩૭૮૭૦ સુધી પહોંચ્યો

નવી દિલ્હી, તા. ૧૯: ભારતના સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા પ્રમાણે બુધવારના રોજ દેશમાં કોરોના વાયરસના કુલ કેસ વધીને સંક્રમણનો કુલ આંકડો ૨૭ લાખ ઓળંગી ગયો છે. છેલ્લા ૨૪ કલાક દરમિયાન કોરોનાના ૬૪૫૩૧ કેસ નોંધાતા કુલ કેસ ૨૭૬૭૨૭૩ થઈ ગયા છે. છેલ્લા ૨૪ કલાકમાં ૧૦૯૨ લોકોએ કોરોનાના કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે. આ સાથે જ કોરોના વાયરસના કારણે મોતને ભેટનાર લોકોની સંખ્યા વધીને ૫૨૮૮૯ સુધી પહોંચી ગઈ છે. જેનાથી સ્પષ્ટ થાય છે કે બુધવાર સવાર સુધીમાં દેશભરમાં કોરોના વાયરસના ૬૭૬૫૧૪ એક્ટિવ કેસ છે.

જોકે, એક સારી બાબત એ પણ છે કે ભારતમાં ધીમે ધીમે કોરોનાની બિમારીમાંથી સ્વસ્થ્ય થનારા લોકોની સંખ્યા પણ વધી રહી છે. ભારતમાં હવે કોરોના વાયરસનો રિકવરી રેટ પણ સુધરી રહ્યો છે. દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં ૬૦૦૯૧ દર્દીઓ કોરોનાની બિમારીમાંથી સ્વસ્થ્ય થઈ ગયા છે. આ સાથે જ આ આંકડો વધીને ૨૦૩૭૮૭૦ સુધી પહોંચી ગયો છે જે કોરોનાના એક્ટીવ કેસ કરતા ત્રણ ગણો વધારે છે. દુનિયાભરમાં કોરોના વાયરસના અત્યાર સુધીમાં ૨૨૧૨૪૪૬૪ કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાંથી ૭૮૦૬૪૯ લોકોના મોત નિપજ્યા છે જ્યારે ૧૪૧૦૫૭૦૧ લોકો સ્વસ્થ્ય થવામાં સફળ થયા છે. સમગ્ર દુનિયામાં અત્યારે ૭૨૩૮૧૧૪ કેસ એક્ટિવ છે. સતત વધી રહેલા કેસના કારણે દુનિયામાં સૌથી વધારે કેસ ધરાવતા દેશોની યાદીમાં પહેલા સ્થાન પર અમેરિકા, બીજા સ્થાન પર બ્રાઝિલ, ત્રીજા સ્થાન પર ભારત અને ચોથા સ્થાન પર રશિયા છે.

(10:11 pm IST)