Gujarati News

Gujarati News

News of Thursday, 20th August 2020

સહકારી બેન્કોમાં સરકારનો હસ્તક્ષેપ બંધ કરો : શરદ પવાર

વડાપ્રધાન મોદીને નેતાએ પત્ર લખ્યો: એનસીપીના નેતાએ લખેલા પત્રમાં કો-ઓપરેટિવ બેન્કો પર સરકારના વધી રહેલા હસ્તક્ષેપ પર ચિંતા વ્યક્ત કરી

નવી દિલ્હી, તા.૧૯ : રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)ના પ્રમુખ શરદ પવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને કો-ઓપરેટિવ બેંકોને ખાનગી રાહે ન લઈ જવા માટે અપીલ કરી છે. પવારે જણાવ્યું છે કે, વડાપ્રધાન પણ આ વાતથી સહમત હશે કે કો-ઓપરેટિવ બેંક ગ્રામીણ અર્થવ્યવસ્થાની કરોડરજ્જુ સમાન છે. પવારે તેમના પત્રમાં કો-ઓપરેટિવ બેંકો પર સરકારની વધી રહેલી દરમિયાનગીરી પર ચિંતા વ્યક્ત કરી છે. પવારે જણાવ્યું છે કે, સહકારી બેંકોના સહકારી ચરિત્ર યથાવત રાખવા જ તો જ આ બેંક ખેડૂતો અને ગ્રામીણ મજૂરોને મદદ કરવાના પોતાના લક્ષ્ય પર સફળ થઈ શકે છે. પવારે જણાવ્યું કે, સરકારના સહકારીના બેંકોના ખાનગીકરણ કરવાના પ્રયાસ યોગ્ય નથી. નોંધનીય છે કે, ૧૫ ઓગસ્ટના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લાથી પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, મધ્યમ વર્ગના હિતોની રક્ષા માટે સહકારી બેંકોને રિઝર્વ બેંકની દેખરેખ હેઠળ લાવવામાં આવી છે. પવારે વધુમાં જણાવ્યું કે, સહકારી બેંકોમાં નાણાંકીય અનુશાસન જરૂરી છે પરંતુ એવું નથી કે તેમના ખાનગીકરણથી નાણાંકીય ગેરરીતિમાં રાતોરાત અટકી જશે. તેમણે રિઝર્વ બેંકના આંકડાના આધાર પર દાવો કર્યો કે, નાણાંકીય વર્ષ ૨૦૧૯-૨૦માં સહકારી બેંકોમાં સૌથી ઓછી છેતરપિંડી થઈ છે.

(10:14 pm IST)