Gujarati News

Gujarati News

News of Thursday, 20th August 2020

અનલોક-૩ : દિલ્હી સરકારે હોટેલ ખોલવા મંજૂરી આપી

જોકે, જિમ નવી સૂચના સુધી બંધ જ રખાશે? : દિલ્હી ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીની બેઠકમાં નિર્ણય

નવી દિલ્હી, તા. ૧૯: દિલ્હીની અરવિંદ કેજરીવાલ સરકારે અનલોક-૩ અંતર્ગત દિલ્હીમાં હોટેલો ખોલવા માટેની મંજૂરી આપી દીધી છે. જોકે, નવી સૂચના જારી ન થાય ત્યાં સુધી જિમ ખુલી શકશે નહીં. સરકારે ટ્રાયલ બેઝ પર સાપ્તાહિક બજારો ખોલવા માટે પણ મંજૂરી આપી છે. દિલ્હી ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીની બેઠકમાં આ મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકાર દ્વારા અનલોક-૩માં કેટલીક રાહતો જારી થયા બાદ કેજરીવાલ સરકારે હોટેલો અને સાપ્તાહિક બજારો ખોલવાનો પ્રસ્તાવ ઉપરાજ્યપાલ અનિલ બૈજલ સમક્ષ મૂક્યો હતો પણ તેમણે એ ફગાવી દીધો હતો. ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને પત્ર લખીને આ અંગેનો નિર્ણય પાછો ખેંચવા માટે અનુરોધ કર્યો હતો. અમિત શાહને લખેલા પત્રમાં સિસોદિયાએ કહ્યું હતું કે, દિલ્હીમાં કોરોનાના કેસમાં લગાતાર ઘટાડો થઈ રહ્યો છે. સ્થિતિ નિયંત્રણમાં છે. બીજી તરફ, યુપી અને કર્ણાટકમાં કેસોમાં વધારો થઈ રહ્યો છે છતાં પણ ત્યાં હોટેલો અને બજારો ખુલ્યાં છે. સિસોદિયાએ કહ્યું કે, અમને સમજણ પડતી નથી કે જે રાજ્યમાં કોરોના નિયંત્રણમાં છે ત્યાં શા માટે હોટેલો અને સાપ્તાહિક બજારો ખુલવાની પરમિશન આપવામાં આવતી નથી.

(10:15 pm IST)