Gujarati News

Gujarati News

News of Thursday, 20th August 2020

ટ્રમ્પ નફરત ફેલાવશે તો અમે તેમને હટાવી દઈશું : ફેસબુક

ફેસબુક સીઈઓની અમેરિકી ચૂંટણી પહેલાં ચેતવણી : જો રાષ્ટ્રપતિ નફરત ફેલાવનાર ભાષણ કે કોરોનાને લઈને કોઈ ખોટી માહિતી પોસ્ટ કરે છે તો તેને ડિલીટ કરી દેવાશે

ન્યૂયોર્ક, તા. ૧૯: ભારતમાં સત્તાધારી ભાજપની તરફેણ કરી રહેલા ફેસબુકે અમેરિકામાં નવેમ્બરમાં થનારી રાષ્ટ્રપતિ ચૂંટણીને ધ્યાનમાં રાખીને રાષ્ટ્રપતિ ટ્રમ્પને સીધી ચેતવણી આપી છે. ફેસબુકના ચીફ ઓપરેટિંગ અધિકારી શેરિલ સૈંડબર્ગે કહ્યું કે જો ટ્રમ્પ કંપનીની પોલીસીનું ઉલ્લંઘન કરશે તો આ પ્લેટફોર્મ પરથી તેમની પોસ્ટ હટાવી દઈશું. મંગળવારે એક ટીવી ચેનલ સાથેની વાતચીતમાં સૈંડબર્ગે કહ્યું કે જો રાષ્ટ્રપતિ નફરત ફેલાવનાર ભાષણ કે કોરોનાને લઈને કોઈ ખોટી માહિતી પોસ્ટ કરે છે તો તેને ડિલીટ કરવામાં આવશે. અમેરિકામાં ૨૦૧૬માં થયેલી ચૂંટણીઓમાં ફેસબુક પર સંખ્યાબંધ આરોપ લાગ્યા હતા. આરોપ હતો કે ફેસબુક દ્વારા વિદેશી તાકાતોએ ચૂંટણીમાં દખલગીરી કરી હતી. જોકે ફેસબુક હવે સખ્ત પગલા ઉઠાવી રહ્યું છે. ચૂંટણીઓને લઈને લોકોને માહિતી મળી રહે તે માટે ફેસબુકે ગત સપ્તાહે વોટિંગ ઈન્ફોર્મેશન સેન્ટર શરૂ કર્યું છે. જેથી અમેરિકામાં લોકોને વોટિંગ વિશે ચોક્કસ જાણકારી મળી શકશે. કંપનીએ આ અંગે માહિતી આપતા જણાવ્યું છે કે ફેસબુકની સાથે જ ઈન્સ્ટાગ્રામ પર પણ આ સેન્ટર હશે. ટ્રમ્પની પોસ્ટ પર એક્શન ન લેવા અને કંપનીના ઢીલા વલણના પગલે જાહેરાત આપનારા ૪૦૦ લોકોએ ફેસબુકને બાયકોટ કર્યું હતું. કંપનીના કર્મચારીઓ પણ વિરોધમાં અવાજ ઉઠાવવા લાગ્યા હતા. પછીથી કંપનીએ હેટ સ્પીચ અને ખોટા સમાચારો પર પગલા લેવાનું શરૂ કર્યું છે. ફેસબુકે કહ્યું છે કે તેણે ચૂંટણીમાં દખલગીરીનો સામનો કરવા માટે વિશ્વની કેટલીક સૌથી એડવાન્સ સિસ્ટમ બનાવી છે અને હમેશા તેને સારી બનાવવા માટે કામ કરે છે.

(8:49 am IST)