Gujarati News

Gujarati News

News of Thursday, 20th August 2020

સચિન પાયલોટનું શકિત પ્રદર્શનઃ ૧૦૦ કિલો મીટર સુધી સ્વાગતમાં લોકો ઉમટયા

જયપુર તા. ર૦ :.. કોંગ્રેસના રાજકીય ડ્રામા પછી બુધવારે સચિન પાયલોટ પોતાના વિધાનસભા ક્ષેત્ર ટોક પહોંચ્યા હતાં. સચિન પાયલોટની એક ઝલક મેળવવા માટે લગભગ ૧૦૦ કિ. મી. લાંબા રસ્તામાં લોકો રોડના કિનારે ઉભા હતાં. ૧ કલાકની મુસાફરી ૪ કલાકે પુરી થઇ હતી. ટોક પહોંચીને પાયલોટે કહયું કે જે કંઇ પણ થયું તે ભુતકાળની વાત છે હવે અમે બધુ કોંગ્રેસના વડા સોનિયા ગાંધી પર છોડી દીધું છે.

જયપુરથી ટોક વચ્ચે ૧૦૦ કિલો મીટરના જયપુર ટોક હાઇવે પર ઉત્સવનું વાતાવરણ હતું. કયાંક લોકો ડીજે પર નાચી રહ્યા હતા તો કયાંક સચિન પાયલોટ આઇ લવ યુના નારાઓ ગુંજી રહ્યા હતાં. લોકો તેના કાફલા સાથે પગપાળા ચાલી રહયા હતા જેમાં મહિલાઓ પણ મોટી સંખ્યામાં હતી. ઠેર ઠેર પાયલોટનું સ્વાગત કરાયું હતું. જો કે કોરોના કાળમાં આ રીતે ભીડ એકઠી થવા પર ઘણા  પ્રશ્નો ઉઠાવાઇ રહ્યા છે પણ પાયલોટે કહયું કે અમે કોઇને નથી બોલાવ્યા અને લોકો આવી જાય તો અમે તેમને ના કેવી રીતે પાડી શકીએ. કોંગ્રેસના રાજકીય દંગલ બાબતે સચિન પાયલોટે કહયું કે હવે બધુ સોનિયા ગાંધીના હાથમાં છે.માનવામાં આવી રહયું છે કે ૩પ દિવસ સુધી રાજસ્થાનથી બહાર રહ્યા પછી પાયલોટે આજે એક વાર ફરીથી રાજસ્થાનમાં પોતાનું શકિત પ્રદર્શન કર્યુ છે. દોઢ વર્ષ પહેલાની ચૂંટણી રેલી પછી પહેલી વાર કોરોનાના પ્રતિબંધો છતાં સચિન પાયલોટે ૧૦૦ કિ. મી. લાંબો રાજકીય ઉત્સવ કર્યો. તે દરમ્યાન પાયલોટે ટોકમાં કામ કરતા તમામ અધિકારીઓ સાથે મીટીંગ કરી અને લોકોની સમસ્યાઓ પણ સાંભળી.

(11:53 am IST)