Gujarati News

Gujarati News

News of Thursday, 20th August 2020

સીબીઆઇ ટીમ મુંબઇ જવા રવાનાઃ દસ્તાવેજો તૈયાર રાખવા આદેશ

સુશાંતસિંહની આત્મહત્યાનો ચકચારી મામલોઃ ડાયરેકટર આર.કે.શુકલા-એડીશ્નલ ડાયેરકટર પ્રવિણ સિંહાની સ્પેશ્યલ ઇન્વેસ્ટીગેશન ટીમ સાથે ચર્ચાઃ રણનીતી ઘડી કઢાઇ : રાજકોટના પુર્વ રેન્જ ડીઆઇજી મનોજ શશીધર, રાજકોટ રૂરલના પુર્વ એસપી ગગનદીપ ગંભીર તપાસ પર બાજ નજર રાખશેઃ અનિલકુમાર : યાદવ અને મહિલા એસપી નુપુર પ્રસાદની ભુમિકા મહત્વનીઃ જરૂર જણાયે બોલીવુડ હસ્તીઓના પણ સ્ટેટમેન્ટ લેવાશેઃ કસોટીરૂપ તપાસનો પ્રારંભ

રાજકોટ, તા., ર૦: સમગ્ર દેશમાં ચકચારી બનેલ સુપ્રસિધ્ધ બોલીવુડ સ્ટાર સ્વ.સુશાંતસિંહ રાજપુતની રહસ્યમયી આત્મહત્યા કે જે મામલામાં મહારાષ્ટ્ર અને બિહાર સરકાર સામ-સામા થવા સાથે બોલીવુડ પણ બે ભાગમાં વહેચાઇ ગયેલ તેવા હાઇ પ્રોફાઇલ કેસની સુપ્રિમ કોર્ટના આદેશથી તપાસનું સુકાન સંભાળનાર સીબીઆઇ ટીમ મુંબઇ જવા રવાના થયાનું સુત્રો જણાવે છે.

સુત્રોમાંથી સાંપડતા નિર્દેશ મુજબ સીબીઆઇ વડા આર.કે.શુકલા દ્વારા સીબીઆઇના એડીશ્નલ ડાયરેકટર પ્રવિણ સિંહા સાથે ચર્ચા કરી સીબીઆઇ તપાસની ચોક્કસ રણનીતિ તૈયાર કરવા સાથે તપાસનું સુકાન સંભાળનાર સ્પેશ્યલ ઇન્વેસ્ટીગેશન ટીમ સાથે પણ કેટલીક બાબતોએ ચર્ચાઓ કરી હતી. સીબીઆઇ તપાસની વિગતો જાહેર ન કરવા પણ નિર્ણય લેવાયાનું બહાર આવ્યું છે. સીબીઆઇના પ્રવકતાએ પણ ઉકત બાબતને સમર્થન આપ્યું છે.

સુશાંતસિંહ રાજપુતની ચકચારી આત્મહત્યાનો મામલો ૧૪ જુને બન્યો હોવાથી અને ઘણો સમય પસાર થઇ ગયો હોવાથી ઘટના સ્થળેથી પુરાવાઓ એકત્ર કરવા સીબીઆઇ માટે પણ કસોટીરૂપ છે. આમ છતા સીબીઆઇ અલગથી ફોરેન્સીક એક્ષપર્ટોને સાથે રાખી તપાસ આગળ વધારશે.

સુપ્રિમ કોર્ટ દ્વારા પણ મુંબઇ પોલીસને સંપુર્ણપણે મદદ કરવા માટે આદેશ આપવામાં આવ્યો છે. સીબીઆઇ મુંબઇ પોલીસ દ્વારા થયેલી તમામ તપાસના દસ્તાવેજો પુરાવાઓ  કેસ ડાયરી, નિવેદનો, પોસ્ટમોર્ટમ રીપોર્ટ અને મુંબઇ પોલીસ દ્વારા જે સાયન્ટીક પુરાવાઓ મેળવવામાં આવ્યા છે તે તમામ દસ્તાવેજો કબ્જે કરવા સાથે જરૂર જણાયે મુંબઇ પોલીસના તપાસ સાથે સંલગ્ન અધિકારીઓની પુછપરછ કરવા સાથે રીયા ચક્રવર્તી તથા તેના માતા-પિતા, સુશાંતના મેનેજર વિગેરેની પણ પુછપરછ કરવા સાથે બોલીવુડની કેટલીક હસ્તીઓની પણ પુછપરછ કરે તેવી શકયતા સુત્રો નકારતા નથી.

રહસ્યમયી મામલાનો ભેદ ઉકેલવા માટે ખુબ જ અનુભવી ટીમની રચના થઇ છે. જેનું સંપુર્ણ સુપરવીઝન ભુતકાળમાં રાજકોટ રેન્જ ડીઆઇજી તરીકે ફરજ બજાવનાર મનોજ શશીધર તથા રાજકોટ રૂરલના પુર્વ એસપી ગગનદીપ ગંભીર જેવા કાર્યદક્ષ અધિકારીઓ દ્વારા થશે. આ ટીમમાં મહિલા એસપી નુપુર પ્રસાદ અને અનિલકુમાર યાદવની ભુમીકા મહત્વની રહેશે.

(12:58 pm IST)