Gujarati News

Gujarati News

News of Thursday, 20th August 2020

૨૯ ટકા દિલ્હીવાસીઓનાં શરીરમાં કોરોના સામે લડતી એન્ટીબોડી મળી આવી

દિલ્હીમાં થયો બીજો સીરો સર્વે : એકજ મહિનામાં ૫ ટકાનો વધારો થયો

નવી દિલ્હી,તા.૨૦ : દિલ્હીવાસીઓમાં કોરોના સામે લડતી એન્ટીબોડી મળી આવી છે. દિલ્લીમાં કરવામાં આવેલા બીજા સીરો સર્વેમાં ઉત્સાહજનક આંકડા સામે આવ્યા છે. ૨૯ ટકા દિલ્લીવાસીઓના શરીરમાં કોરોના સામે લડતી એન્ટીબોડી બની ગઈ છે. એટલે કે એક જ મહિનામાં એન્ટીબોડીમાં ૫ ટકાનો વધારો થયો છે.

પ્રથમ સીરો સર્વેમાં ૨૩.૪૮ ટકા લોકોમાં એન્ટીબોડી મળ્યા હતા. બીજા સીરો સર્વેમાં ૧૫ હજાર સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમાંથી ૧૨ હજાર ૫૯૮ સેમ્પલનો રિપોર્ટ સોંપવામાં આવ્યો છે. અને હજુ પણ ૨૫૦૦ સેમ્પલ પર અભ્યાસ ચાલી રહ્યો છે.સીરો સર્વેમાં ૧૮ વર્ષથી ઓછી ઉંમરના બાળકોમાં ૩૪.૭ ટકા એન્ટીબોડી મળ્યા છે જે સૌથી વધારે છે. ત્યાર બાદ ૧૮થી  ૪૯ વર્ષના લોકોમાં ૨૮.૫ ટકા અને ૫૦ વર્ષથી વધુની ઉંમરના લોકોમાં ૩૧.૨ ટકા એન્ટીબોડી મળ્યા છે.

પુરૂષોમાં ૨૮.૩ટકા તો મહિલાઓમાં ૩૨.૨ ટકા એન્ટીબોડી મળ્યા છે. એટલે કે મહિલાઓમાં પુરૂષો કરતા એન્ટીબોડી વધુ છે. જયારે ૧૮ વર્ષથી નાના બાળકોમાં એન્ટીબોડીનું પ્રમાણ વધુ છે. એન્ટીબોડી બનવી એટલે કે શરીરમાં કોરોના સામે લડતી રોગ પ્રતિકારક શકિત બનવી. પણ આ શકિત શરીરમાં કેટલા સમય રહે છે તે કંઈ કહી ન શકાય પણ દિલ્લીવાસીઓ માટે આ રાહતના સમાચાર છે.

(2:44 pm IST)