Gujarati News

Gujarati News

News of Thursday, 20th August 2020

રામ રાજયની કલ્પના તો રાજીવ ગાંધીની હતી

રામ વિરાસત પર કોંગ્રેસે કર્યો દાવો : મધ્યપ્રદેશમાં જાહેરાતો ફરતી થઇ : હજુ મંદિર નિર્માણ શરૂ થતાની સાથે જ રાજકીય લડાઇના ખાંડા ખખડવા માંડયા

ભોપાલ તા. ૨૦ : રામ મંદિરનું નિર્માણ શરૂ થતાની સાથે જ રાજકીય દાવપેચ પણ શરૂ થઇ ચુકયા હોય તેમ કોંગ્રેસે રામ વિરાસત પર દાવો કર્યો છે.

પૂર્વ પ્રધાનમંત્રી રાજીવ ગાંધીની ૭૬ મી જન્મ જયંતિ પર મધ્યપ્રદેશ કોંગ્રેસે જાહેરાતો આપી એવો દાવો કર્યો છે કે રામ રાજયની કલ્પના તો રાજીવ ગાંધીએ કરી હતી. એટલુ જ નહીં અયોધ્યામાં રામ મંદિર માટેનો પાયો પણ રાજીવ ગાંધીએ જ નાખ્યો હતો. રાજીવ ગાંધીના જન્મદિવસે તેમને યાદ કરીને પ્રદેશ અધ્યક્ષ દ્વારા ભોપાલના મુખ્ય અખબારોમાં આવી જાહેરાતો પ્રસિધ્ધ કરાવવામાં આવી છે.

આ જાહેરાતોમાં એવુ સમજાવવા પ્રયાસ થયો છે કે રામ રાજયને ગતિશીલ બનાવવાની યાત્રાના કુશળ સારથી તો રાજીવ ગાંધી હતા. ૧૯૮૫ માં દુરદર્શન પર રામાયણ સીરીયલ શરૂ કરવામાં આવ્યા બાદ તેમણે રામ જન્મભૂમિના તાળા ખોલાવીને ભકતોને રામલલ્લાના દર્શન કરાવ્યા હતા. એટલુ જ નહીં તેમણે ૧૯૮૯ માં રામ જન્મભૂમિના શિલાન્યાસની મંજુરી પણ અપાવી હતી.

કમલનાથે કહયુ હતુ કે રાજીવ ગાંધીએ ૧૯૮૫ માં રામ મંદિરના તાળા ખોલાવ્યા અને ક્રેડીટ બીજા કોઇને મળે તે કેટલુ વ્યાજબી છે.

ઉલ્લેખનીય છે કે પ ઓગષ્ટના અયોધ્યામાં રામ મંદિર ભુમિ પૂજનના દિવસે મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને વરિષ્ઠ કોંગ્રેસી નેતા કમલનાથે તેમના નિવાસ સ્થાને રામ દરબાર ભર્યો હતો.

કમલનાથે કહેલ કે આજે દેશમાં ઐતિહાસિક દિવસ છે. દરેક ભારતીય ઇચ્છે છે કે રામ મંદિરનું નિર્માણ શરૂ થા. રાજીવ ગાંધીએ ૧૯૮૫ માં રામ મંદિરના તાળા ખોલાવવાની પહેલ કરી હતી. ૧૯૮૯ માં તેમણે કહ્યુ હતુ કે રામ રાજય આવશે અને રામમંદિર નિર્માણ થશે.

ત્યારે આ ક્રેડીટ હવે બીજા લઇ જાય તે ખરેખર ભુલભરેલુ હોવાનું કમલનાથે જણાવેલ.

(2:45 pm IST)