Gujarati News

Gujarati News

News of Thursday, 20th August 2020

૧ લી સપ્ટેમ્બરથી હવાઇ યાત્રા મોંઘી

સરકારે એવિએશન સિકયુરીટી ફી વધારી કરી રૂ. ૧૬૦ : એરપોર્ટ પર વધતા સુરક્ષા ખર્ચને પહોંચી વળવા માટે ફી વધારવામાં આવી : ૨૦૧૯માં સિકયોરિટી ફી રૂ. ૨૦ વધારી પેસેન્જર દીઠ ૧૫૦ કરવામાં આવી હતી

નવી દિલ્હી,તા. ૨૦: કેન્દ્ર સરકારે ફરીથી એરપોર્ટ પર મુસાફરો પાસેથી લેવામાં આવતી સિકયોરિટી ફીમાં વધારો કર્યો છે. આ વખતે સરકારે એવિએશન સિકયોરિટી ફીમાં મુસાફરો દીઠ રૂ. ૧૦ વધારો કર્યો છે. હવે એવિએશન સિકયોરિટી ફી વધારીને મુસાફર દીઠ રૂ. ૧૬૦ થઈ ગઈ છે. એરપોર્ટ પર વધેલા સુરક્ષા ખર્ચની કિંમતને પહોંચી વળવા ફીમાં વધારો કરવામાં આવ્યો છે. આનાથી હવાઈ મુસાફરી મોંદ્યી થવાની સંભાવના છે.

એવિએશન સિકયોરિટી ફીમાં વધારાને લઈને એવિએશન મિનિસ્ટ્રીએ ૧૩ ઓગસ્ટે આદેશ બહાર પાડ્યો હતો. આ આદેશ મુજબ, સરકારે એરક્રાફ્ટ રૂલ્સ ૧૯૩૭માં આપવામાં આવેલા પાવરનો ઉપયોગ કરીને એવિએશન સિકયોરિટી ફીમાં વધારો કરવાની મંજુરી આપી હતી. આ વધારો ૧ સપ્ટેમ્બરથી લાગુ થશે.

સરકારના એક અધિકારીના જણાવ્યા મુજબ, સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીઅલ સિકયોરિટી ફોર્સ (CISF)ને કરવામાં આવતી ચુકવણીમાં વધારો થવાના કારણે સિકયોરિટી ફીમાં વધારો કરવામાં આવ્યો છે. CISF દેશના ૬૧ એરપોર્ટ પર સુરક્ષા પૂરી પાડે છે. કોરોનાને કારણે એરપોર્ટ પર ફૂટફોલ ઘટ્યો છે જેથી સુરક્ષા ખર્ચમાં વધારો થયો છે. આ સિવાય CISF મુસાફરની ચકાસણી માટે PPE સુટ, માસ્ક, ગ્લોવ્સ વગેરે સાધનોનો ઉપયોગ કરે છે જેના કારણે સુરક્ષા ખર્ચમાં વધારો થયો છે.

સરકારે ૨૦૧૯માં એવિએશન સિકયોરિટી ફી રૂ. ૨૦ વધારીને મુસાફરો દીઠ રૂ. ૧૫૦ કરી દીધી હતી. ત્યારે એરપોર્ટ સંચાલકોએ જણાવ્યું હતું કે ઘણા વર્ષો પહેલા નક્કી કરાયેલી રૂ. ૧૩૦ના એવિએશન સિકયોરિટી ફી CISFના ખર્ચને પહોંચી વળવા માટે અપૂરતી હતી. તેવી જ રીતે, સ્થાનિક ફ્લાઇટ્સથી આંતરરાષ્ટ્રીય મુસાફરી માટે સુરક્ષા ફીમાં વધારો કરવામાં આવ્યો છે. હવે આવા મુસાફરો પર ૧ સપ્ટેમ્બરથી ૫.૨૦ ફી લેવામાં આવશે. હાલમાં આવા મુસાફરો પાસેથી ૪.૮૫ ફી લેવામાં આવે છે. આ ફી ટિકિટના ભાવની સાથે એરલાઇન કંપનીઓ દ્વારા લેવામાં આવે છે.

(3:55 pm IST)