Gujarati News

Gujarati News

News of Thursday, 20th August 2020

મની લોન્‍ડ્રીંગ કેસ મામલે ઇડી દ્વારા તબલીગી જમાતના નેતા મૌલાના સાદ કાંધલવી અને જમાત સાથે સંકળાયેલા લોકોને ત્‍યાં દરોડા

નવી દિલ્હી: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ બુધવારે તબલીગી જમાતના નેતા મૌલાના સાદ કાંધલવી, જમાત સાથે સંકળાયેલા ટ્રસ્ટો અને અન્ય લોકો વિરુદ્ધ મની લૉન્ડ્રિંગના કેસ મામલે દેશભરમાં તાબડતોડ દરોડા પાડ્યાં છે.

આ અંગે અધિકારીઓએ જણાવ્યું કે, મુંબઈ, દિલ્હી, હૈદરાબાદ અને ગુજરાતના અંકલેશ્વર સહિત દેશના કેટલાક અન્ય સ્થળો પર પુરાવા એકત્ર કરવા માટે દરોડા પાડવામાં આવી રહ્યાં છે. EDએ આ મામલે દિલ્હી પોલીસની એક ફરિયાદને ધ્યાનમાં લઈને મૌલાના સાદ સહિત અન્ય લોકો વિરુદ્ધ મની લૉન્ડ્રિંગનો કેસ દાખલ કર્યો હતો.

ગુજરાતના અંકલેશ્વરમાં EDની ટીમ ત્રાટકી

અંકલેશ્વર નજીક આવેલ રવિન્દ્રા ગામે પણ EDની ટીમ ત્રાટકી હતી. રવિન્દ્રા ગામના મૌલાના ઝાઝી પણ દિલ્હી તબલીગી જમાતના મૌલાના સાદ સાથે જમાતની રીતે સંકળાયેલા હતા. જો કે અંકેશ્વરના મૌલાના ઝાઝી કોરોનાના કારણે મોતને ભેટ્યા હતા. આથી EDએ મૌલાના ઝાઝીનું ડેથ સર્ટિફિકેટ મેળવવાની તજવીજ હાથ ધરી છે.

દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાન્ચની ટીમે કોરોના વાઈરસના સંક્રમણ ફેલાતુ અટકાવવા માટે મોટી સંખ્યામાં લોકોના એકઠા ના થવાના આદેશનું ઉલ્લંઘન કરવા મામલે 31 માર્ચે મૌલાના સહિત 7 લોકો વિરુદ્ધ FIR દાખલ કરાવી હતી.

FRI નિઝામુદ્દીન પોલીસ સ્ટેશનના ઈન્સ્પેક્ટરની ફરિયાદ પર દાખલ કરવામાં આવી હતી. મૌલાના સાદ પર કેન્દ્ર સરકાર દ્વારા લાગૂ કરવામાં આવેલ સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું ઉલ્લંઘન કરીને નિઝામુદ્દીન મરકઝમાં માર્ચ મહિનામાં ધાર્મિક કાર્યક્રમ આયોજિત કરવાનો આરોપ છે.

જો કે બાદમાં EDએ આ કેસ સંભાળ્યો અને તે મૌલાના સાદ અને તબલીગી જમાતના કેટલાક અધિકારીઓ અને તેમના સહયોગી વિરુદ્ધ મની લૉન્ડ્રિંગ અને તેમની અંગત આર્થિક લેવડ-દેવડની તપાસ કરી રહી છે. તબલીગી જમાતને કેટલા વિદેશી અને સ્થાનિક સ્ત્રોતો પાસેથી પ્રાપ્ત ફંડ પણ તપાસ એજન્સીની રડાર પર છે.

દિલ્હી પોલીસ દ્વારા દાખલ FIR બાદ મૌલાના સાદે એક ઑડિયો સંદેશમાં કહ્યુ હતું કે, તે નિઝામુદ્દીન મરકજ સમારોહમાં સામેલ કેટલાક લોકોનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યા બાદ ખુદને ક્વોરેન્ટાઈનમાં જતાં રહ્યાં છે.

તબલીગી જમાતના કાર્યક્રમ વિરુદ્ધ FIRમાં કહેવામાં આવ્યું છે કે, દિલ્હી પોલીસે 21 માર્ચે નિઝામુદ્દીન મરકજના અધિકારીઓ સાથે સંપર્ક કર્યો હતો અને તેમને સરકારના આદેશની યાદ અપાવી હતી. જેમાં કહેવામાં આવ્યું હતું કે, આયોજકોએ સ્વાસ્થ્ય વિભાગ કે અન્ય કોઈ સરકારી એજન્સીને મરકજની અંદર મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હોવા વિશે જાણ નહતી કરી અને જાણી જોઈએ સરકારી જાહેરનામાનો ભંગ કર્યો હતો. જેના પરિણામ સ્વરૂપ દેશમાં કોરોનાનું સંક્રમણ વકર્યું હતું.

(4:55 pm IST)