Gujarati News

Gujarati News

News of Thursday, 20th August 2020

રશિયન વિરોધ પક્ષના ધુરંધર નેતાને ઝેર અપાયું: સાયબીરીયાની હોસ્પિટલમાં ગંભીર સ્થિતિઃ પુતિનના જબ્બરઆલોચકઃ રશીયન સત્તાનો વિરોધ કરનાર અનેકને ઝેર અપાયા છે

મોસ્કો : રશિયાના વિરોધ પક્ષના નેતા એલેકસી નવાલ્ની સાયબેરીયાની હોસ્પીટલમાં આઇસીયુમાં દાખલ કરવામાં આવ્યા છે તેમને ઝેર આપવામાં આવ્યું છે.

જે પ્લેનમાં તેઓ જઇ રહ્યા હતા તેમાં જ બેભાન થઇ જતા વિમાનને ઇમર્જન્સી લેન્ડીંગ કરાવવામાં આવેલ.ઓમ્સ્ક શહેરમાં તેમની સારવાર ચાલુ છે.

રશીયન પ્રમુખ વ્લાદિમીર પુતિનના તેઓ હાડોહાડ વિરોધી અને ટીકાકાર રહ્યા છે અને ભ્રષ્ટાચાર વિરોધ જબ્બર લડતને બુંગિયો તેમણે ફુંકયો છે.

તેની મહિલા પ્રવકતા કીરા યારમીશે ટવીટર હેન્ડલમાં લખ્યું છે કે એલેકસીને વેન્ટીલેટર ઉપર રખાયા છે અને તમામ ટેસ્ટ થઇ રહ્યા છે તેમને ખતરનાક ઝેરની અસર થઇ છે. મને ખાત્રી છે કે તેમને ઇરાદાપૂર્વક ઝેર અપાયું છે., ઇકો ઓફ મોસ્કો રેડીયોને આ પ્રમાણે જણાવેલ.

ઓમ્સ્કની ઇમર્જન્સી હોસ્પિટલ નં.-૧૭ ટોકસીકોલોજી દર્દીઓ માટેના ઇન્ટેન્સીવ કેર યુનિટમાં તેમને રાખવામાં આવ્યા છે.

કીરા  યારમીશે લખ્યું છે કે પોલીસ અને તપાસનીસો હોસ્પીટલમાં ડોકટરોને પૂછી રહ્યા છે તેમણે કહ્યું કે સવારથી તેમણે માત્ર ''ચા''  પીધી હતી, એટલે ચામાં કોઇએ ઝેર ભેળવ્યુંહશે.

એન્ટી કરપ્શન ફાઉન્ડેશનના લીગલ વિભાગના હેડ નવાલ્ની, ગીમાડીએ ટવીટરમાં લખ્યું છે કે તેમની રાજકીય સ્થિતિ અને કાર્યવાહીને લઇને તેમને ઝેર અપાયું હશે તે ચોક્કસ છે ર૦૧૭માં તેની આંખ ઉપર ઝેરી ગ્રીન શાહી ફેંકવામાં આવેલ.

એલેકસી નવાલ્ની ઉપર આ પૂર્વે શારીરિક હુમલા થઇ ચૂકયા છે. અને ક્રેમલીન (રશિયન સત્તા કેન્દ્ર)ના અનેક ટીકાખોરોને ભૂતકાળમાં ઝેર અપાઇ ચૂકેલ પણ છે.

ર૦૧૭માં જાહેર વિરોધ પ્રદર્શન માટે પોલીસ કસ્ટડી દરમિયાન એલેકસીના ચહેરો સોજી ગયેલ અને મોઢા ઉપર લાલ ચકામાં જોવા મળેલ.

નવાલ્ની ખૂબ જ પ્રતિભાવંત ધારાશાસ્ત્રી અને વ્હીસલબ્લોવર છે. સપ્ટેમ્બરમાં ૩૦ પ્રાદેશિક ચૂંટણીઓમાં  પુતિન તરફી ઉમેદવારોનાં વિરોધમાં ''ટેકનીકલ વોટીંગ સ્ટ્રેટેજી''ના ફેલાવા માટે તેમણે સમગ્ર રશિયાનો પ્રવાસ ખેડયો હતો.

(5:47 pm IST)