Gujarati News

Gujarati News

News of Thursday, 20th August 2020

US ફેડરલ રિઝર્વે નિરાશાજનક દૃશ્ય રજૂ કરતા બજારમાં કડાકો

સેંસેક્સમાં ૩૯૪, નિફ્ટીમાં ૯૬ પોઇન્ટનો ઘટાડો : વૈશ્વિક બજારની મંદીની અસરથી ઘરઆંગણે પણ ભાવો પાછા ફર્યાઃ સોનામાં ૮૦૦ તથા ચાંદીમાં ૧૩૦૦નું ગાબડું

મુંબઈ, તા. ૨૦ : યુએસ ફેડરલ રિઝર્વે હતાશાના આર્થિક દૃશ્ય વિશે બોલ્યા પછી વૈશ્વિક બજારોમાં રોકાણકારોની ભાવના નબળી પડી, જેની અસર સ્થાનિક બજારો પર પણ પડી હતી અને દિવસના કામકાજ પછી શેરબજાર સપ્તાહના ચોથા ટ્રેડિંગ દિવસે ગુરુવારે ભારે કડાકા સાથે બંધ થયો. બોમ્બે સ્ટોક એક્સચેંજનો ફ્લેગશિપ ઈન્ડેક્સ સેન્સેક્સ .૦૨ ટકા તૂટીને ૩૯૪.૪૦ પોઇન્ટના અંતે ૩૮૨૨૦.૩૯ પર બંધ રહ્યો છે. તો નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી ૯૬.૨૦ પોઇન્ટના ઘટાડા સાથે .૮૪૮૪ ટકા ઘટીને ૧૧૩૧૨.૨૦ ના સ્તરે બંધ રહ્યો હતો. દિગ્ગજ શેરોની વાત કરીએ તો એનટીપીસી, ઓએનજીસી, કોલ ઈન્ડિયા, બીપીસીએલ, જેએસડબ્લ્યુ સ્ટીલ, જી લિ., આઇઓસી, હિંડાલ્કો, હીરો મોટોકોર્પ, સિપ્લા, ટાટા સ્ટીલ અને ગેઇલના શેર આજે લીલા નિશાન પર બંધ થયા છે. એચસીએલ ટેક, ડોક્ટર રેડ્ડી, શ્રી સિમેન્ટ, બ્રિટાનિયા, ટેક મહિન્દ્રા, બજાજ ફાઇનાન્સ, ટીસીએસ, એશિયન પેઇન્ટ્સ, મારુતિ, હિન્દુસ્તાન યુનિલિવર અને ગ્રાસિમના શેર લાલ નિશાન પર બંધ થયા છે. સોના-ચાંદીમાં આજે સતત બીજા દિવસે ગાબડા પડયા હતા. સોનામાં રૂ.૮૦૦ તથા ચાંદીમાં ૧૩૦૦ રુપિયાનો કડાકો થયો હતો

          છેલ્લા પખવાડીયામાં અસાધારણ તેજી નોંધાવનાર સોના-ચાંદીમાં ભાવવધારાનો પરપોટો ફુટી રહ્યો હોય તેમ ભાવો ઘટવા લાગ્યા છે. વિશ્વબજારની મંદીની અસરે ઘરઆંગણે પણ ભાવો પાછા પડી રહ્યા છે. રાજકોટમાં દસ ગ્રામ સોનું બીલમાં ૫૪૦૦૦ તથા રોકડામાં ૫૩૦૦૦ હતું. વિશ્વબજારમાં સોનું ૧૯૩૨ ડોલર હતું. ચાંદી હાજર બીલમાં ૬૬૫૦૦ તથા રોકડામાં ૬૨૦૦૦ હતી. વિશ્વબજારમાં ચાંદીનો ભાવ ૨૬.૭૮ ડોલર હતો. ઝવેરીઓના કહેવા પ્રમાણે મોટી ઉથલપાથલથી વેપારીઓ તથા ઈન્વેસ્ટરો સાવધ છે. વૈશ્વિક ઘટનાક્રમથી મોટી વધઘટ થઈ રહી છે.

(7:21 pm IST)