Gujarati News

Gujarati News

News of Thursday, 20th August 2020

ફેસબુક હેટસ્‍પીચના પ્રશ્‍ન વધુ ગુચવાશે : ભાજપનું નિશાન હવે શશિ થરૂર

ભાજપ સાંસદ થરૂરને આઇ.ટી. સમિતિમાંથી હટાવવા લેખીત રજુઆત

નવી દિલ્હીઃ ફેસબુક( Facebook) પર ભાજપ નેતાઓની હેટસ્પીચના મામલે નવો રાજકીય જંગ શરુ થઇ ગયો છે. ભાજપે હવે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીને ટાર્ગેટ કર્યા બાદ કોંગ્રેસ સાંસદ શશિ થરુર (Shashi Tharoor)ને નિશાન બનાવ્યા છે. BJP સાંસદ નિશિકાંત દુબેની થરુરને IT અંગેની સંસદીય સમિતિના અધ્યક્ષપદેથી હટાવવા માગ કરી છે.

ભાજપે શશિ થરુરને આઇટી અંગેની સંસદ સમિતિના પ્રમુખપદેથી હટાવવાની માગ કરી છે. ભાજપ સાંસદ નિશિકાંત દુબેએ આ અંગે લોકસભા સ્પીકર ઓમ બિરલાને પત્ર લખ્યો છે. નિશિકાંતે જણાવ્યું કે,
મેં IT અંગેની સ્થાઇ સમિતિની બેઠક નહીં બોલાવવા શશિ થરુરને કહેવા લોકસભા સ્પીકરને વિનંતી કરી છે. સાથે શશિ થરુરને આ સમિતિના પ્રમુખપદેથી હટાવવાની પણ તેમની સમક્ષ માગ કરી છે.

નિશિકાંત દુબેએ સ્પષ્ટ કર્યું કે તેઓ કોઇ પણ સોશિયલ મીડિયાનો પક્ષ લઇ રહ્યા નથી. ભાજપ સાંસદે કહ્યું કે તેમણે જાતે સંસદમાં કહ્યું હતું કે પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાની જેમ સોશિયલ મીડિયા પ્લેટફોર્મને પણ રેગ્યુલેટ કરવાની જરુર છે.

નિશિકાંતે શશિ પર બંધારણીય સંસ્થાઓના અપમાનનો આરોપ પણ મૂક્યો છે. શશિ થરુર અને નિશિકાંત બંનેએ એક બીજાને વિશેષાધિકાર ભંગની નોટિસો મોકલી છે. નોંધનીય છે કે નિશિકાંત પણ આ સંસદીય સમિતિના સભ્ય છે.

નિયમોની અવગણના કરવાનો આરોપ

દરમિયાન કેન્દ્રીય મંત્રી રાજ્યવર્ધન રાઠોરે પણ પત્ર લખી શશિ થરુર પર નિયમોની અવગણના કરવાનો આરોપ લગાવ્યો છે. સમાચાર એજન્સી મુજબ રાજ્યવર્ધન રાઠોરનું કહેવું છે કે તેઓ કોઇ પણ સંસ્થાના પ્રતિનિધિને બોલાવવાની વિરુદ્ધમાં નથી. પરંતુ શશિ થરુરે પહેલાં સમિતિમાં ચર્ચા કરવાને બદલે આ અંગે મીડિયામાં ટિપ્પણી કરી છે.

શું છે મામલો?

વાસ્તવમાં શશિ થરુરે આ વિવાદમાં આઇટી અંગેની સંસદીય સમક્ષ સવાલ જવાબ માટે ફેબુકને સમન્સ મોકલવાની વાત કરી હતી. થરુર આ સમિતિની અધ્યક્ષ છે. પરંતુ ભાજપ આ વાતથી નારાજ છે. તેનું કહેવું છે કે મીડિયામાં આવી વાત કહેવાને બદલે શશિ થરુરે પહેલાં સમિતિ સમક્ષ આ અંગે ચર્ચા કરવી જોઇતી હતી.

વૉલ સ્ટ્રીટ જર્નલમાં લેખ છપાયા બાદ વિવાદ વકર્યો

ફેસબુકમાં ભાજપના નેતાઓની નફરત ફેલવતી કથિત પોસ્ટની અવગણના થતી હોવાના મામલે અમેરિકી અખબરા વૉલ સ્ટ્રીટ જર્નલમાં એક લેખ છપાયા બાદ વિવાદ વધુ વકર્યો છે. લેખમાં દાવો કરાયો છે કે ફેસબુક શાસક ભાજપના નેતાઓની હેટસ્પીચ મામલે નિયમોમાં ઢીલાશ રાખે છે. રિપોર્ટમાં તેલંગાણાના ભાજપ નેતા ટી. રાજા સિંહની એક પોસ્ટનો પણ હવાલો આપ્યો છે. જેમાં લઘુમતી સમુદાય સામે હિંસાની તરફેણ કરવામાં આવી છે.

ત્યાર બાદ રાહુલ ગાંધીએ રિપોર્ટનો હવાલો આપી આરોપ મૂક્યો હતો કે ભઆજપ અને સંઘ ભારતમાં ફેસબુક અને વોટ્સએપને નિયંત્રિત કરે છે અને વેર ફેલાવે છે. તેના જવાબમાં ભાજપના નેતા અને આઇટી મંત્રી રવિશંકર પ્રસાદે રાહુલ પર તીખી ટિપ્પણી કરી હતી.

રવિશંકર પ્રસાદે ટ્વીટ કરી લખ્યું હતું કે,

જે લુઝર પોતાની પાર્ટીનાં પણ લોકોને પ્રભાવિત નથી કરી શકતા તે એ વાતનો હવાલો આપતા રહે છે કે સમગ્ર દુનિયાને ભાજપ અને આરએસએસ નિયંત્રિત કરે છે.

(10:05 pm IST)