Gujarati News

Gujarati News

News of Saturday, 20th August 2022

ભારતની મહિલા સ્ટાર બોલરે ક્રિકેટ જગતને કહ્યું અલવિદા ઃ લોર્ડ્સમાં છેલ્લી મેચ બાદ લેશે સંન્યાસ

મહિલા વનડે વર્લ્ડ કપમાં સૌથી વધુ વિકેટ લેવાનો રેકોર્ડ પણ ઝૂલણ ગોસ્વામીના નામે છે ઃ તેણે વર્લ્ડ કપની 34 મેચમાં 43 વિકેટ લીધી છે ઃ તેણે વર્લ્ડ કપમાં બે વખત 4 વિકેટ લેવાની સિદ્ધિ મેળવી છે

ભારતની મહિલા ક્રિકેટ ટીમને લઈ એક મોટા સમાચાર સામે આવ્યા છે. દેશની મહાન ઝડપી બોલર ઝૂલણ ગોસ્વામીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી છે. ઝૂલણ 24 સપ્ટેમ્બરે લોર્ડ્સમાં ઇંગ્લેન્ડ સામે છેલ્લી વનડે રમશે. ઝૂલણ ગોસ્વામી મહિલા વનડેમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર છે. તેણે 201 મેચમાં 252 વિકેટ લીધી છે. આ સાથે જ મહિલા વનડે વર્લ્ડ કપમાં સૌથી વધુ વિકેટ લેવાનો રેકોર્ડ પણ તેના નામે છે. તેણે વર્લ્ડ કપની 34 મેચમાં 43 વિકેટ લીધી છે. તેણે વર્લ્ડ કપમાં બે વખત 4 વિકેટ લેવાની સિદ્ધિ મેળવી છે. 39 વર્ષીય ઝૂલણને ઈંગ્લેન્ડ સામેની ODI શ્રેણી માટે ભારતીય ટીમમાં પસંદ કરવામાં આવી છે. જોકે, તે કોમનવેલ્થ ગેમ્સ માટે ભારતીય T20 ટીમનો ભાગ નહોતો. યુવાનોને તક આપવા માટે ઝુલને નિવૃત્તિ લેવાનો નિર્ણય લીધો છે.

ઝૂલણે આ વર્ષે માર્ચમાં ભારત માટે છેલ્લી મેચ રમી હતી. ત્યારબાદ તેણે ન્યુઝીલેન્ડમાં યોજાયેલા મહિલા વર્લ્ડ કપમાં બાંગ્લાદેશ સામેની મેચમાં પ્રવેશ કર્યો હતો. આ મેચમાં તેણે 19 રન આપીને 2 વિકેટ ઝડપી હતી.

 

(3:45 pm IST)