Gujarati News

Gujarati News

News of Saturday, 20th August 2022

બિલકીસબાનો દુષ્‍કર્મ કેસના દોષિતોની ૬ હજાર લોકોએ સુપ્રીમને લખ્‍યુ સજા માફીનો સતત વિરોધ

નવી દિલ્‍હીઃ બિલકીસબાનો પર સામૂહિક દુષ્કર્મ આચરનારા 11 દોષિતોની સજા માફ કરવાના આદેશનો દેશભરમાં વિરોધ થઈ રહ્યો છે.

અમેરિકાના જાણીતા સમાચારપત્ર ધ વોશિંગ્‍ટન પોસ્‍ટ સહિત મોટા ભાગના ભારતીય સમાચાર માધ્યમોમાં શુક્રવારે દેશભરમાં થયેલા વિરોધના અહેવાલો છપાયા છે.

શુક્રવારે દિલ્હીમાં મહિલા અધિકારો માટે કાર્યરત્ 'સેન્ટર ફોર સ્ટ્રગલિંગ વુમન' દ્વારા વિરોધપ્રદર્શન યોજવામાં આવ્યું હતું. જેમાં મહિલાઓએ પ્લેકાર્ડ તેમજ સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવ્યો હતો.

અહેવાલમાં સંસ્થા દ્વારા જાહેર કરાયેલ નિવેદનને ટાંકીને કહેવામાં આવ્યું છે કે, "દેશની આઝાદીના 75મા વર્ષે આ દરેક દુષ્કર્મપીડિતા માટે દુખદાયક ઘટના છે."

ડેક્કન હેરાલ્ડના  અહેવાલ અનુસાર આ સજામાફીને પાછી ખેંચવા માટે છ હજારથી વધુ નાગરિકોએ સુપ્રીમ કોર્ટને અપીલ કરી છે.

આ ઉપરાંત જાણીતા સંગીતકાર જાવેદ અખ્તરે ટ્વીટ કર્યું કે "જેમણે પાંચ મહિનાનો ગર્ભ ધરાવતી મહિલા પર દુષ્કર્મ આચર્યું અને 3 વર્ષની બાળકી સહિત તેમના પરિવારના સાત સભ્યોની હત્યા કરી, તેમને જેલમાંથી છોડી દેવામાં આવે છે અને જેલની બહાર તેમનું ફૂલહાર અને મીઠાઈ સાથે સ્વાગત થાય છે. વિચારો, આપણા સમાજ સાથે કંઈક અજૂગતું થઈ રહ્યું છે."

ગુજરાતમાં વર્ષ 2002માં થયેલા ચકચારી હુલ્લડો દરમિયાન ર૧ વર્ષીય બિલકીસબાનો પર સામૂહિક દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. તે સમયે તેમને પાંચ મહિનાનો ગર્ભ હતો.

આ ઉપરાંત તેમની નાનકડી બાળકી અને પરિવારના સભ્યોની તેમની નજર સામે હત્યા કરી દેવામાં આવી હતી.

ન્યાય મેળવવા માટેની વર્ષોની લડત બાદ અંતે સામૂહિક દુષ્કર્મના કેસમાં ૧૧ લોકોને દોષિત ઠેરવવામાં આવ્યા હતા અને તેમને સજા આપવામાં આવી હતી.

ત્યાર બાદ આ તમામ દોષિતોને ૧પમી ઑગસ્ટે ગુજરાત સરકારની સજામાફી નીતિ અંતર્ગત છોડી દેવામાં આવ્યા હતા.

(4:08 pm IST)