Gujarati News

Gujarati News

News of Tuesday, 20th September 2022

એમએમએસ કાંડમાં આરોપી છાત્રાનાં મોબાઈલમાંથી ૧૨ વીડિયો રિકવર થયા

મોહાલીની યુનિવર્સિટીમાં છાત્રોના કપડાં બદલતા વીડિયો કાંડમાં ખુલાસો : પોલીસે આરોપી વિદ્યાર્થીની ઉપરાંત તેનો બોયફ્રેન્ડ અને તેના મિત્ર પાસેથી ૩ મોબાઈલ લઈ લીધા છે જેની ફોરેન્સિક તપાસ કરવામાં આવી રહી છે, પોલીસે વિદ્યાર્થીનીનું લેપટોપ પણ કબજામાં લઈ લીધું છે

ચંદીગઢ, તા.૨૦ : પંજાબના મોહાલી ખાતે આવેલી ચંદીગઢ યુનિવર્સિટીની હોસ્ટેલમાં રહેતી ૬૦ જેટલી વિદ્યાર્થીનીઓના કપડાં બદલતા અને સ્નાન કરતા વીડિયો વાયરલ થવાના કાંડ બાદ ભારે હંગામો જોવા મળી રહ્યો છે. શનિવારે સાંજે આ ઘટના પ્રકાશમાં આવ્યા બાદ વિદ્યાર્થીનીઓ આંદોલન પર ઉતરી હતી પરંતુ ડીઆઈજી અને પ્રશાસન દ્વારા નિષ્પક્ષ તપાસ માટે આશ્વાસન આપવામાં આવ્યું ત્યાર બાદ રવિવારે મોડી રાતે વિદ્યાર્થીનીઓએ પ્રદર્શનનો અંત આણ્યો હતો.

આ મામલે હવે ચોથા આરોપીની એન્ટ્રી થઈ ગઈ છે. સાત દિવસ સુધીના પોલીસ રિમાન્ડ પર મોકલાવેલા ૩ આરોપીઓ (વિદ્યાર્થીની, તેનો બોયફ્રેન્ડ સની મહેતા અને તેનો મિત્ર રકંજ વર્મા)ની પ્રાથમિક પૂછપરછમાં અનેક તથ્યો હાથ લાગ્યા છે. વિદ્યાર્થીનીના મોબાઈલમાંથી ૧૨થી વધુ વીડિયો રિકવર કરી લેવામાં આવ્યા છે.

જોકે, પોલીસના જણાવ્યા પ્રમાણે રિકવર કરવામાં આવેલા બધા વીડિયો તેના પોતાના છે. પોલીસે વોટ્સએપ ચેટ ટ્રાન્સક્રિપ્શન પણ મેળવ્યું છે જે પ્રમાણે આરોપી વિદ્યાર્થીની મોહિત સાથે ચેટ કરી રહી હતી. તે વિદ્યાર્થીનીને વીડિયો અને ફોટો ડિલીટ કરવા માટે કહી રહ્યો હતો. તેના પર વિદ્યાર્થીનીએ કહ્યું કે, આજે એક વિદ્યાર્થીનીએ તેને એક સ્નાન કરતી વિદ્યાર્થીનીનો ફોટો લેતા જોઈ ગઈ હતી.

બીજી તરફ આરોપીઓના વકીલ અને પોલીસે વિદ્યાર્થીનીના મોબાઈલ ફોનમાં એક અન્ય વિદ્યાર્થીનીનો ફોટો હોવાની વાત કહી છે પરંતુ તેની ઓળખ નહોતી થઈ શકી. પોલીસે આરોપી વિદ્યાર્થીની ઉપરાંત તેનો બોયફ્રેન્ડ અને તેના મિત્ર પાસેથી ૩ મોબાઈલ લઈ લીધા છે જેની ફોરેન્સિક તપાસ કરવામાં આવી રહી છે. પોલીસે વિદ્યાર્થીનીનું લેપટોપ પણ કબજામાં લઈ લીધું છે.

આરોપી વિદ્યાર્થીનીએ પોતાના બોયફ્રેન્ડ સની મહેતાને પોતાનો જ વીડિયો મોકલીને મુશ્કેલીમાં ફસાઈ ગઈ હતી. બોયફ્રેન્ડ ગદ્દાર નિકળ્યો અને બધા વીડિયો પોતાના મિત્ર રંકજ વર્મા સાથે શેર કર્યા હતા. ત્યારબાદ રંકજ તેના વીડિયોને વાયરલ કરવાના નામ પર બીજી વિદ્યાર્થીનીઓના વીડિયો અને ફોટાની ડિમાન્ડ કરી રહ્યો હતો.

પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે, રંકજ વર્મા અને વિદ્યાર્થીનીનો બોયફ્રેન્ડ સની મહેતા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે. આરોપી વિદ્યાર્થીનું નિવેદન છે કે, તેનો બોયફ્રેન્ડ સની મહેતા તેને બ્લેકમેલ કરી રહ્યો હતો તેની પાસે તેનો અશ્લીલ વીડિયો હતો જેને તેણે વાયરલ કરવાની ધમકી આપી અને તેને અન્ય યુવતીઓના વીડિયો બનાવવા દબાણ કર્યું હતું.

આ મામલે તપાસ માટે પંજાબ સરકારે એસઆઈટીનું ગઠન કર્યું છે. પોલીસની એસઆઈટીમાં તમામ ત્રણેય ઓફિસર મહિલા છે તો યુનિવર્સિટીના ૯ સદસ્યો વાળી તપાસ કમિટીમાં ૫ પ્રોફઅસર અને ૩ વિદ્યાર્થી છે. બંને ટીમ પોત-પોતાના સ્તર પર એમએમએસ કાંડના મૂળ સુધી પહોંચવાનો પ્રયત્ન કરી રહી છે.

આ મામલે એક ટ્વિસ્ટ કેનેડા એંગલથી આવ્યો છે. એક વિદ્યાર્થીનીએ આરોપ લગાવ્યો છે કે, તેના ફોન પર કેનેડાથી ધમકી ભર્યો ફોન આવ્યો હતો. ફોન કરનારે કહ્યું હતું કે, તેની પાસે તેનો વીડિયો છે અને જો મોઢું ખોલ્યું તો વાયરલ કરી દઈશ. પોલીસ આ ૨ મિનિટ ૮ સેકેન્ડના કોલની પણ તપાસ કરી રહી છે.

 

(7:26 pm IST)