Gujarati News

Gujarati News

News of Tuesday, 20th September 2022

યુવરાજ સિંહ અને હરભજન સિંહનુ મોહાલીમાં નામ ચમકશે:બંને ખેલાડીને મળ્યુ મોટુ સન્માન

પંજાબ ક્રિકેટ એસોસિએશને આ બંને સુપરસ્ટાર્સના સન્માનમાં IS બિન્દ્રા સ્ટેડિયમના બે હિસ્સાઓનું નામ રાખ્યું

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ મેચની T20 સિરીઝ શરૂ થઈ ગઈ છે. સિરીઝની પ્રથમ મેચ પંજાબના મોહાલીમાં રમાઈ રહી છે. ભારતીય ટીમે આ મેદાન પર ઘણી મેચો રમી છે અને આમાંની ઘણી મેચોમાં ભારતીય ક્રિકેટના જીવન અને ઓળખ બનેલા હરભજન સિંહ  અને યુવરાજ સિંહે પણ પોતાની ચમક બતાવી હતી. બંને ખેલાડીઓ માત્ર ભારત જ નહીં પરંતુ પંજાબ ક્રિકેટનું પણ ગૌરવ રહ્યા છે અને ભારતીય ક્રિકેટમાં તેમના મહાન યોગદાન બદલ પંજાબ ક્રિકેટ એસોસિએશને મોહાલી સ્ટેડિયમમાં બંને દિગ્ગજોનું વિશેષ સન્માન કર્યું છે.

મોહાલીમાં ભારત-ઓસ્ટ્રેલિયા મેચ શરૂ થાય તે પહેલા, ભારત અને પંજાબ ક્રિકેટના બે મોટા દિગ્ગજ અને મેચ વિનર્સને સન્માનિત કરવામાં આવ્યા હતા. પંજાબ ક્રિકેટ એસોસિએશને આ બંને સુપરસ્ટાર્સના સન્માનમાં IS બિન્દ્રા સ્ટેડિયમના બે હિસ્સાઓનું નામ રાખ્યું છે. એક અહેવાલ અનુસાર, PCA એ સ્ટેડિયમના પ્રખ્યાત ટેરેસ બ્લોકનું નામ ભૂતપૂર્વ દિગ્ગજ ઓફ સ્પિનર હરભજન સિંહના નામ પર રાખ્યું છે.

 નોર્થ પેવેલિયનનું નામ બદલીને યુવરાજ સિંહ પેવેલિયન કરવામાં આવ્યું છે. આ ખાસ પ્રસંગ માટે બંને દિગ્ગજો મેદાનમાં હાજર હતા. આ બંને સિવાય ટીમ ઈન્ડિયાના બેટિંગ કોચ વિક્રમ રાઠોડ, જે પંજાબ ક્રિકેટનો હિસ્સો રહી ચૂક્યા છે, ભૂતપૂર્વ બોલર હરવિંદર સિંહ અને કેટલાક અન્ય ભૂતપૂર્વ ખેલાડીઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું.

હરભજન અને યુવરાજ સિંહે લગભગ દોઢ દાયકા સુધી સતત ભારતીય ટીમ માટે પોતાની સેવાઓ આપી. બંનેના યોગદાનને કારણે ભારતે 2007માં T20 વર્લ્ડ કપ અને 2011માં 28 વર્ષ બાદ ODI વર્લ્ડ કપ જીત્યો હતો. યુવરાજે તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં 400 થી વધુ મેચ રમી હતી, જેમાં તેના બેટથી લગભગ 12,000 રન બનાવ્યા હતા. આ સિવાય તેણે લગભગ દોઢસો વિકેટ પણ લીધી હતી. તે 2011 વર્લ્ડ કપનો પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ પણ હતો. તે જ સમયે, હરભજન સિંહે ભારત માટે સાડા 300 થી વધુ મેચમાં 700 થી વધુ વિકેટ લીધી હતી. આટલું જ નહીં હરભજને સાડા ત્રણ હજારથી વધુ રન પણ બનાવ્યા હતા

(8:31 pm IST)