Gujarati News

Gujarati News

News of Wednesday, 20th October 2021

હોટલમાં પાર્ટીમાં ડાન્સ કરી રહેલા ડોકટરને હ્રદયરોગનો હુમલો આવતા ઢળી પડ્યા

૬૭ વર્ષીય ડો. જૈન ભોપાલના જાણીતા ફોરેન્સિક મેડિસિન એકસપર્ટ હતા

ભોપાલ,તા. ૨૦: ભોપાલમાં એક ડોકટરના મોતનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ ડોકટર પાર્ટીમાં ડાન્ય કરી રહ્યા હતા ત્યારે જ હ્રદયરોગનો હુમલો આવતા તે નીચે ઢળી પડ્યા હતા. ડાન્સ કરતા કરતા તેઓ એકાએક જમીન પર પડી ગયા હતા. પાર્ટીમાં હાજર અન્ય ડોકટર તેમને બચાવવા પ્રયાસ કરે છે પરંતુ તેઓ સફળ નથી થતા. આ દ્યટના ભોપાલની જહાંનુમા હોટેલનું હોવાનું માનવામાં આવે છે.

વીડિયોમાં જોવા મળે છે કે ડોકટર, એસા મૌકા ફિર કહાં મિલેગા...ગીત પર ડાન્સ કરતા હતા. પાર્ટીમાં હાજર લોકો આ ગીત પર ઠુમકા લગાવતા હતા. ત્યારે એક ડોકટર ડાન્સ કરતા કરતા ઉભા રહી જાય છે અને બાદમાં નીચે ફસડાઈ પડે છે. ત્યારે અન્ય એક શખ્સ તેમની નજીક આવે છે અને તેમને બેઠા કરવા પ્રયાસ કરે છે. વીડિયોમાં જોવા મળે છે કે ડોકટરનું ડાન્સ કરતા કરતા જ મોત થઈ ગયું હતું.

મૃત્યુ પામેલા તબીબનું નામ સીએસ જૈન હોવાનું જણાયું છે. તેઓ ડોકટર્સની એક પાર્ટીમાં ગયા હતા. અહીં જ હ્રદયરોગનો હુમલો આવતા તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. ડો. જૈન ભોપાલના જાણીતા તબીબોમાં સ્થાન ધરાવે છે અને તેઓ ફોરેન્સિક મેડિસિન એકસપર્ટ હતા. તેમણે ૩ હજારથી વધુ મૃતદેહનું પરીક્ષણ કર્યું છે.

(10:03 am IST)