Gujarati News

Gujarati News

News of Wednesday, 20th October 2021

પાકિસ્તાનને સબક શિખવાડવા આંતરરાષ્ટ્રીય મંચની મદદ લેવાશે

જમ્મુ-કાશ્મીરમાં હત્યા સામે આકરાં પગલાંની તૈયારી : બિન-કાશ્મીરીઓની હત્યાની સમસ્યાનું નિરાકરણ લાવવા માટે રાજ્યભરમાં સ્પેશિયલ ઓપરેશન ચાલી રહ્યા છે

નવી દિલ્હી, તા.૨૦ :  કાશ્મીરમાં પાછલા થોડાક જ સમયમાં બિન-કાશ્મીરી લોકોની હત્યાના કિસ્સા સામે આવ્યા છે. માનવામાં આવી રહ્યું છે કે આતંકવાદીઓ પાકિસ્તાનના કહેવા પર આ પ્રકારની હત્યા કરી રહ્યા છે. પાકિસ્તાને પોતાની રણનીતિ બદલી હોવાનું માનવામાં આવી રહ્યું છે. કાશ્મીરમાં પાછલા થોડા સમયમાં સ્થિતિ વણસી ગઈ છે, જેના કારણે લોકોમાં ભયનો માહોલ છવાઈ ગયો છે.

માનવામાં આવી રહ્યું છે કે પાકિસ્તાન પોતાના જૈશ અને લશ્કર જેવા આતંકી સંગઠનોને ધ રઝિસ્ટન્સ ફોર્સ, લશ્કર એ મુસ્તુફા, ગઝનવી ફોર્સ અને અલ બદ્ર જેવા નામ આપીને ઘાટીનું વાતાવરણ ખરાબ કરવાના પ્રયાસ કરી રહ્યું છે. ખાસકરીને ટીઆરએફના પાકિસ્તાન પ્રેરિત ઉગ્રવાદીઓએ ઘાટીમાં ઉધમ મચાવી દીધો છે, જેના કારણે ભારતની ચિંતામાં વધારો થયો છે. આ સમસ્યાનું નિરાકરણ લાવવા માટે સ્પેશિયલ ઓપરેશન ચાલી રહ્યા છે અને પાકિસ્તાનને સબક શીખવાડવા માટે આંતર્રાષ્ટ્રીય મંચની મદદ લેવાની યોજના તૈયાર કરવામાં આવી રહી છે.

શક્ય છે કે ફ્રાન્સની રાજધાની પેરિસમાં આયોજિત ફાઈનાન્શલ એક્શન ટાસ્ક ફોર્સ મીટિંગમાં ભારત પાકિસ્તાનને આ બાબતે ઘેરશે. માનવામાં આવી રહ્યું છે કે, કાશ્મીરના પૂંછમાં બોર્ડર પારથી આતંકવાદીઓની ઘૂસણખોરીની તાજેતરમાં બનેલી ઘટનાના સંદર્ભમાં ટેરરીઝમ ફાઈનાન્સિંગનો નાશ કરવામાં પાકિસ્તાનની નિષ્ફળતાને ઉજાગર કરવામાં આવશે. આમ પણ મની લોન્ડ્રિંગ પર નજર રાખનારી આ આંતર્રાષ્ટ્રીય સંસ્થા લશ્કર એ તૈયબા, જૈશ એ મોહમ્મદ અને હિઝબુલ મુજાહિદ્દીન જેવા આતંકી સંગઠનો અને તેમની મદદ પાછળ પાકિસ્તાનને કેટલો હાથ છે તેની ચકાસણી ચોક્કસપણે કરશે.

નોંધનીય છે કે પાકિસ્તાન અત્યારે નાણાંકીય સંકટનો સામનો   કરી રહ્યું છે. પાકિસ્તાન પાસે સરકાર ચલાવવાનો ખર્ચ પણ નથી. આ કારણે તેણે અનેકવાર ઈન્ટરનેશનલ મોનિટરી ફંડ સામે વિનંતી કરી છે. ધ ન્યુઝ ઈન્ટરનેશનલના એક રિપોર્ટ અનુસાર, પાકિસ્તાનને ચાલુ નાણાંકીય વર્ષ માટે ઓછામાં ઓછા ૨૩.૫ અબજ ડોલર અને આગામી નાણાંકીય વર્ષ માટે ૨૮ અબજ ડોલરની નાણાંકીય સહાયની જરુર છે. પાકિસ્તાન દુનિયાભરની મદદ ઈચ્છે છે, પરંતુ આંતર્રાષ્ટ્રીય નિયમોનું પાલન કરવામાં તે પાછળ પડે છે. આ સ્થિતિમાં પાકિસ્તાને ભારતમાં આતંકવાદને પ્રોત્સાહન આપવાનું પરિણામ ભોગવવું પડશે. ઉલ્લેખનીય છે કે પ્રવાસી મજૂરો પર થયેલા હુમલા પછી સુરક્ષા દળોએ પૂંછ અને રજૌરીના જંગલના ૈહવિસ્તારમાં સંયુક્ત અભિયાન ચલાવ્યું છે. નાગરિકોની હત્યાની ઘટનામાં લશ્કર એ તૈયબા સમર્થિત ટીઆરએફની ભૂમિકા ઉજાગર થઈ છે, પરંતુ સુરક્ષા દળોના અભિયાન માત્ર આતંકવાદીઓ સુધી સીમિત નથી. એક સૂત્રએ અમારા સહયોગી ધ ઈકોનોમિક ટાઈમ્સને જણાવ્યું કે, સીઆરપીએફ અને જમ્મુ-કાશ્મીર પોલીસેઅત્યાર સુધી ૬૦૦ શંકાસ્પદોની ઓળખ કરી છે જે હિઝબુલ, જમાત અને જૈશ સાથે જોડાયેલા હોઈ શકે છે. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ સપ્તાહમાં જમ્મુ અને કાશ્મીરની મુલાકાત લેશે. આ મુલાકાત દરમિયાન તે વિકાસના કાર્યો અને સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરશે. શક્ય છે કે અમિત શાહ નાગરિકોની હત્યાની તપાસ એનઆઈએને સોંપે.

(7:50 pm IST)