Gujarati News

Gujarati News

News of Wednesday, 20th October 2021

પૂંચ-રાજૌરીના જંગલમાં સેનાનું આતંકવાદ વિરોધી અભિયાન

સેના અને આતંકીઓ વચ્ચે સતત અથડામણ : ભટ્ટા દુરિયન અને આસપાસના વિસ્તારોમાં મસ્જિદોમાં લાગેલા લાઉડસ્પીકરના માધ્યમથી લોકોને સતર્ક કરાયા

શ્રીનગર, તા.૨૦ : જમ્મુ કાશ્મીરમાં સેના અને આતંકવાદીઓ વચ્ચે સતત અથડામણ ચાલી રહી છે. પૂંચ-રાજૌરી જંગલમાં સેના દ્વારા આતંકવાદ વિરોધી અભિયાન ચલાવવામાં આવી રહ્યું હોવાથી લોકોને ઘરની અંદર રહેવા માટે કહેવામાં આવ્યું છે. અધિકારીઓના કહેવા પ્રમાણે જમ્મુ કાશ્મીરના ૨ સીમાવર્તી જિલ્લાઓ પૂંચ અને રાજૌરીના વન ક્ષેત્રમાં આતંકવાદ વિરોધી અભિયાનના નવમા દિવસે મેંઢર ખાતે સાર્વજનિક ઘોષણા કરવામાં આવી હતી અને સ્થાનિક નિવાસીઓને તેમની સુરક્ષા માટે ઘરની અંદર રહેવા માટે કહેવામાં આવ્યું છે.

અધિકારીઓઓ જણાવ્યું કે, ભટ્ટા દુરિયન અને આસપાસના વિસ્તારોમાં સ્થાનિક મસ્જિદોમાં લાગેલા લાઉડસ્પીકરના માધ્યમથી લોકોને સતર્ક કરવામાં આવ્યા હતા. હકીકતે સુરક્ષા દળ પૂંછ જિલ્લાના મેંઢરના વન ક્ષેત્રમાં સંતાયેલા આતંકવાદીઓ વિરૂદ્ધ અંતિમ હુમલાની તૈયારી કરી રહ્યું છે. તેમણે જણાવ્યું કે, લોકોને સતર્ક કરીને કહેવામાં આવ્યું છે કે, તેઓ વન ક્ષેત્રમાં ન જાય તથા પોતાના પશુઓને પણ પોતાના ઘરમાં જ રાખે. તે સિવાય લોકોને રાશન એકઠું કરીને રાખવા પણ કહેવામાં આવ્યું છે. વધુમાં જણાવ્યું કે, જે લોકો બહાર ગયા છે તેમને પોતાના જાનવરો સાથે પોતાના ઘરે પાછા ફરવા કહેવામાં આવ્યું છે.

જાણવા મળ્યા મુજબ સેનાએ પહેલેથી જ પેરા-કમાન્ડો તૈનાત કરી દીધા છે તથા મોનિટરિંગ માટે શનિવારે વન ક્ષેત્રની ઉપર હેલિકોપ્ટર ઉડતા પણ જોવા મળ્યા હતા. જમ્મુ-રાજૌરી રાજમાર્ગ, મેંઢર અને થાણામંડી વચ્ચે ચાલી રહેલા ઓપરેશનના અનુસંધાને મંગળવારે સાવધાનીના ભાગરૂપે પરિવહન પણ સસ્પેન્ડ રહ્યું હતું.

(7:51 pm IST)