Gujarati News

Gujarati News

News of Wednesday, 20th October 2021

ભારે વરસાદ અને ભૂસ્ખલનથી ઉત્તરાખંડની સ્થિતિ ખરાબ : હરિયાણા આવ્યું વ્હારે :મુખ્યમંત્રી ખટ્ટરની 5 કરોડની આર્થિક સહાયની જાહેરાત

ઉત્તરાખંડમાં વધુ 6 મૃતદેહો મળ્યા :રાજ્યમાં મૃત્યુઆંક 52 પર પહોંચ્યો : સીએમએ ટ્રેક્ટર પર બેસીને પાકનું નુકસાનનું નિરીક્ષણ કર્યું

નવી દિલ્હી :ભારે વરસાદ અને ભૂસ્ખલનને કારણે ઉત્તરાખંડની  સ્થિતિ ખરાબ છે. તેને જોતા હરિયાણા સરકારે બુધવારે ઉત્તરાખંડ સરકારને 5 કરોડ રૂપિયાની આર્થિક સહાયની જાહેરાત કરી છે. હરિયાણાના માહિતી અને જનસંપર્ક નિદેશાલય દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર મુખ્યપ્રધાન મનોહર લાલ ખટ્ટરએ આ નિર્ણય લીધો છે.

બુધવારે વરસાદગ્રસ્ત ઉત્તરાખંડમાં વધુ 6 મૃતદેહો મળી આવ્યા હતા, જેના કારણે રાજ્યમાં મૃત્યુઆંક 52 પર પહોંચી ગયો હતો. આ સાથે ઉત્તરપ્રદેશ, સિક્કિમ અને ઉત્તર બંગાળના વિસ્તારોમાં પણ મુશળધાર વરસાદ પડ્યો હતો, જેના કારણે ભૂસ્ખલન થયું હતું અને નેશનલ હાઇવે 10 બંધ થયો હતો, જે ગંગટોકને દેશના બાકીના ભાગ સાથે જોડતો મુખ્ય માર્ગ છે.

 

ઉત્તરાખંડમાં ભારે વરસાદને કારણે વિવિધ ઘટનાઓમાં 17 લોકો ઘાયલ થયા હતા અને ટ્રેકિંગ ટીમના 11 સભ્યો સહિત 16 લોકો ગુમ થયા હતા. રાજ્યનો કુમાઉ વિસ્તાર વરસાદથી સૌથી વધુ પ્રભાવિત થયો છે. 46 મકાનોને નુકસાન થયાના કિસ્સા સામે આવ્યા છે. નૈનીતાલમાં 28 લોકોએ જીવ ગુમાવ્યા છે.

મુખ્યપ્રધાન પુષ્કર સિંહ ધામીએ ઉધમ સિંહ નગર અને કુમાઉના ચંપાવત જિલ્લાના અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઇ પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. હેલિકોપ્ટર ઉડાન ભરી શકતું ન હોવાથી તેમણે માર્ગ દ્વારા મુસાફરી કરી. કેન્દ્રીય સંરક્ષણ રાજ્ય મંત્રી અને નૈનીતાલના સાંસદ અજય ભટ્ટ અને રાજ્યના આપત્તિ વ્યવસ્થાપન મંત્રી ધન સિંહ રાવત સાથે, મુખ્યપ્રધાન પુષ્કર સિંહ ધામીએ ટ્રેક્ટર પર સવાર થઈ ઉધમ સિંહ નગર જિલ્લામાં વિશાળ ખેતરો પાર કર્યા અને પાકને થયેલા નુકસાનનું નિરીક્ષણ કર્યું.

બુધવારે ઉત્તરાખંડમાં વાતાવારણ સાફ થઈ ગયું. આ કારણે બચાવ કામગીરીના કામને વેગ મળ્યો અને ચારધામ યાત્રા આંશિક રીતે ફરી શરૂ થઈ. યાત્રાળુઓને કેદારનાથ, યમુનોત્રી અને ગંગોત્રીની મુલાકાત લેવાની મંજૂરી આપવામાં આવી છે. જો કે, બદ્રીનાથની યાત્રા ફરી શરૂ થઈ શકી નથી, કારણ કે મંદિર તરફ જતો રાષ્ટ્રીય ધોરીમાર્ગ અનેક સ્થળોએ ભૂસ્ખલનથી બ્લોક થઈ ગયો હતો.

(11:49 pm IST)