Gujarati News

Gujarati News

News of Thursday, 20th October 2022

સ્કિલ, સ્કેલ અને સ્પીડના અભિગમ સાથે કાર્યરત મિશન સ્કૂલ્સ ઑફ એક્સેલન્સ : અમૃતકાળની અમૃત પેઢીના નિર્માણ માટે ગુજરાતનું મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ માઇલસ્ટોન પુરવાર થશે : શિક્ષણ ક્ષેત્રે નવીન પ્રયોગ કરવા એ ગુજરાતના DNAમાં છે : ગુજરાતનું વિદ્યા સમીક્ષા કેન્દ્ર અન્ય રાજ્યો માટે પણ અધ્યયન માટે મોડલ બન્યું છે : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી

નરેન્દ્રભાઇએ રાજ્યમાં શરૂ કરેલ કન્યા કેળવણી મહોત્સવ, શાળા પ્રવેશોત્સવ અને ગુણોત્સવના જન આંદોલને દેશની શિક્ષણ વ્યવસ્થાને નવી રાહ ચીંધી છે : અમૃત કાળમાં વિકસિત ભારતના નિર્માણનો પાયો મિશન સ્કૂલ ઑફ એક્સેલન્સથી વડાપ્રધાનશ્રીના હસ્તે નખાયો છે : મિશન સ્કૂલ ઑફ એક્સેલન્સ દેશમાં શિક્ષણ ક્રાંતિ લાવશે : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ

વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીએ દેશના સૌથી મોટા શાળાકીય શિક્ષણ મિશન સ્કૂલ્સ ઓફ એક્સેલન્સનો પ્રારંભ કરાવ્યો

: રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને શિક્ષણ મંત્રી  જીતુભાઈ વાઘાણીની પ્રેરક ઉપસ્થિતિ

: વડાપ્રધાનશ્રી એ દાદાનગર પરિસરમાં સ્કૂલ ઓફ એક્સલેન્સના મોડલને નિહાળ્યું : દેશનું સૌથી મોટું શાળાકીય શિક્ષણ મિશનનો રાજ્યવ્યાપી વિધિવત્ શુભારંભ: રૂ. 10,000 કરોડનું શાળાકીય શિક્ષણ મિશન

: તમામ 40,000 સરકારી શાળાઓનું સુદ્રઢીકરણ,તે પૈકી 20,000 શાળાઓ બનશે સ્કૂલ ઑફ એક્સેલન્સ

: શાળાઓમાં વિશ્વકક્ષાની સુવિધાઓ, તમામ વિદ્યાર્થીઓને લાભ, ધોરણદીઠ શિક્ષક, ધોરણ દીઠ વર્ગખંડ

: પ્રથમ તબક્કામાં રૂ. 5,567 કરોડનાં કાર્યોનો શુભારંભ : 1.5 લાખ સ્માર્ટ ક્લાસરૂમ, 20,000 કમ્પ્યૂટર લેબ્સ, 5000 STEM લેબોરેટરી (અટલ ટિંકરિંગ લેબ્સ) બનાવાશે

: આદિજાતિ વસ્તી ધરાવતા જિલ્લાઓમાં 12,564 વર્ગખંડોના નિર્માણ માટે 3,991 શાળાઓ માટે માળખાકીય સુવિધાઓના કામો પ્રગતિ હેઠળ

 

 

 

 

 

રાજકોટ તા.૧૯ :વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશના સૌથી મોટા શાળાકીય શિક્ષણ અભિયાન - મિશન સ્કૂલ્સ ઓફ એક્સેલન્સનો પ્રારંભ કરાવતા જણાવ્યું હતું કે, મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ ભારતના અમૃતકાળની અમૃત પેઢીના નિર્માણ તરફ ગુજરાતનું વિરાટ કદમ છે. વિકસિત ભારત, વિકસિત ગુજરાતના નિર્માણ માટે આ મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ માઇલસ્ટોન પુરવાર થશે.

વડાપ્રધાનશ્રીએ અમદાવાદના અડાલજ ખાતેથી આ મિશન સ્કૂલ્સ ઓફ એક્સેલન્સનો રાજ્યવ્યાપી પ્રારંભ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં કરાવ્યો હતો.  

વડાપ્રધાનશ્રીએ 5જી ટેકનોલોજીનો ઉલ્લેખ કરતાં જણાવ્યું કે, તાજેતરમાં જ દેશ મોબાઇલ અને ઇન્ટરનેટની 5જી ટેકનોલોજીના યુગમાં પ્રવેશ્યો છે. ભારત દેશ ઇન્ટરનેટની 1 જીથી લઇને 4જી સુધીની સેવાઓનો ઉપયોગકર્તા રહ્યો છે. પરંતું હવે દેશમાં લાગુ કરાઇ રહેલી 5જી ટેકલોનોજી મોટો બદલાવ લાવશે.  તેવો મત વડાપ્રધાનશ્રીએ વ્યક્ત કર્યો હતો. 

મિશન સ્કૂલ ઓફ એક્સલન્સના માધ્યમથી 20 હજારથી વધુ સ્કૂલો શિક્ષાના 5 જી દોરમાં પ્રવેશ કરી રહી છે. તે અંતર્ગત 50 હજાર નવા ક્લાસ રૂમ, એક લાખથી વધુ સ્માર્ટ ક્લાસરૂમને આધુનિક ઢબે વિકસિત કરવામાં આવશે, જે રાજ્ય શિક્ષણ વ્યવસ્થાની આધુનિક માળખાગત સુવિધાઓની સાથે બાળકોના જીવનમાં પણ વ્યાપક બદલાવ લાવવાની દિશામાં કામ કરશે. 

5જી ટેકનોલોજીના માધ્યમથી વર્ચ્યુઅલ શિક્ષણ વ્યવસ્થાના પરિણામે રાજ્યાના દૂરસૂદૂરના વિસ્તારોમાં શ્રેષ્ઠ શિક્ષકો દ્વારા શિક્ષણ ઉપલબ્ધ બનશે. રાજ્યના છેવાડાનાં બાળકો સુધી પણ શિક્ષણનું શ્રેષ્ઠ કન્ટેન્ટ રીયલ ટાઇમમાં પહોંચાડવું શક્ય બન્યું છે, તેમ જણાવીને રાજ્યમાં આંગણવાડીથી લઇ કેરીયર ગાઇડન્સ અને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીની જરૂરિયાતો મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સના માધ્યમથી પૂરી થશે તેવો ભાવ વડાપ્રધાનશ્રીએ વ્યક્ત કર્યો હતો. 

વડાપ્રધાનશ્રીએ વધુંમાં ઉમેર્યુ કે, ટેકનોલોજીની દરેક જનરેશનના બદલાવ સાથે આપણે જીવનશૈલીને જોડી છે. અલગ અલગ જનરેશન સાથેના દેશની સ્કૂલોના પણ પરિવર્તનોના આપણે સાક્ષી રહ્યાં છીએ. આજે 5જી સ્માર્ટ સુવિધા, સ્માર્ટ ટીચિંગ, ક્લાસરૂમથી આગળ વધીને શિક્ષા વ્યવસ્થાને અલગ સ્તરે લઇ જશે તેમ જણાવીને વર્ચુયઅલ રીયાલીટી, ઇન્ટરનેટ ઓફ થીંગની તાકાત વિદ્યાર્થીઓને સ્કૂલમાં જ સરળ અને શ્રેષ્ઠ શિક્ષણ વ્યવસ્થાનો અનુભવ કરાવશે, તેમ તેમણે ઉમેર્યું હતું.

વડાપ્રધાનશ્રીએ શાળા પ્રવેશોત્સવ , કન્યા કેળવણી મહોત્સવ અને ગુણોત્સવના સંસ્મરણોને વાગોળતા કહ્યું કે, બે દશકમાં ગુજરાતમાં શિક્ષણ ક્ષેત્રમાં અભૂતપૂર્વ પરિવર્તન આવ્યા છે. 20 વર્ષમાં ગુજરાતની શાળાઓમાં વિદ્યાર્થીઓનો નામાંકન રેશિયો આજે ખૂબ જ ઊંચો ગયો છે, જ્યારે ડ્રોપઆઉટ રેશિયો નહિવત થયો છે. 

બે દાયકાઓ પહેલા આદિવાસી ક્ષેત્રોમાં પણ જૂજ શિક્ષણના કેન્દ્રો હતા જેમાં સાયન્સની સુવિધાનો પણ અભાવ હતો, પરંતુ આજે રાજ્ય શિક્ષણ વ્યવસ્થામાં આવેલ ઉત્તરોઉત્તર બદલાવ અને નવીનીકરણના પરિણામે દીકરાઓ સાથે રાજ્યની દીકરીઓ પણ સ્કૂલ અને કૉલેજ સુધીનું ઉચ્ચ શિક્ષણ મેળવીને પગભર બની રહી છે. 

દેશભરમાં રૂ. 27 હજાર કરોડના ખર્ચે 14,500થી વધુ પી.એમ.શ્રી સ્કૂલ બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો હોવાનું જણાવીને દેશના ખૂણે ખૂણે ટેકનોલોજીસભર સ્કૂલોમાં નવી એજ્યુકેશન પોલીસીના અનુરૂપ શિક્ષણ માટે મોડલ સ્કૂલ બનાવવાની દિશામાં કેન્દ્ર સરકાર કાર્યશીલ હોવાનું વડાપ્રધાનશ્રીએ ઉમેર્યું હતુ. 

આઝાદીના અમૃત મહોત્સવમાં ભારતે ગુલામીની માનસિકતાને દૂર કરવાનો સંકલ્પ કર્યો છે તેનો ઉલ્લેખ કરતા વડાપ્રધાનશ્રીએ જણાવ્યું કે, નવી શિક્ષણ નીતીમાં મેડિકલ, ટેકનીકલ અને ઉચ્ચ શિક્ષણને માતૃભાષામાં ઉપલબ્ધ કરાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. જેના પરિણામે દેશના આંતરિયાળ વિસ્તારમાં રહેતા વિદ્યાર્થીઓની પ્રતિભાને પણ માધ્યમ મળશે અને દેશના ખૂણે ખૂણેથી તબીબો, અને એન્જિનિયર દેશ સેવામાં કાર્યરત બનશે. 

વડાપ્રધાનશ્રી એ શિક્ષણનો ઐતિહાસિક સંદર્ભ આપતા જણાવ્યું કે, પુરાતન કાળથી જ શિક્ષણ ભારતના વિકાસની ધુરા રહ્યું છે. આપણા પૂર્વજોએ જ્ઞાન- વિજ્ઞાનમાં અલગ ઓળખ ઊભી કરી હતી. દુનિયાની શ્રેષ્ઠત્તમ યુનિવર્ટીઓ ભારતમાં ઉપલબ્ધ હતી. આજે પણ ઇનોવેશન અને જ્ઞાન વિજ્ઞાનમાં દેશની સમગ્ર વિશ્વમાં અલગ ઓળખાણ છે. આઝાદીના અમૃતકાળમાં પ્રાચીન પ્રતિષ્ઠાને પુન: સ્થાપિત કરવાનો આ સુવર્ણ અવસર હોવાનું તેમણે ઉમેર્યું હતું. 

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતે તાજેતરમાં શરૂ કરેલા વિદ્યા સમીક્ષા કેન્દ્રની પ્રશંસા કરતા જણાવ્યુ કે, વિદ્યા સમીક્ષા કેન્દ્રનું આધુનિક સ્વરૂપ દેશના અન્ય રાજ્યો માટે મોડલરૂપ સાબિત થયું છે. આજે દેશના વિવિધ  રાજ્યો –પ્રદેશોમાંથી શિક્ષણમંત્રીશ્રીઓ, અધિકારીઓએ આ સમીક્ષા કેન્દ્રની મુલાકાત લઇને સમગ્ર કાર્યપદ્ધતિની સમીક્ષા અને અધ્યયન કરી રહ્યાં છે.

રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાની પળે પળની રીયલ ટાઇમ જાણકારી મેળવવાના અભિનવ પ્રયોગ સાથે વિદ્યા સમીક્ષા કેન્દ્રની પહેલ હેઠળ રાજ્યના 1.25 કરોડ વિદ્યાર્થીઓની સમીક્ષા કરવામાં આવી રહી છે.તદ્ઉપરાંત  બીગ ડેટા એનાલિસીસ, મશીન લર્નીગ, આર્ટીફિશિયલ ઇન્ટેલીજન્સ તકનીક થી અધ્યયન કરીને વિદ્યાર્થીઓના શ્રેષ્ઠ પ્રદર્શન માટે સુઝાવ આપીને તેના પર અસરકારક અમલવારી કરાવવામાં આવી રહી છે. 

શિક્ષણ ક્ષેત્રે નવીન અભિગમ અપનાવવા અને પ્રયોગો કરવા ગુજરાતના ડી.એન.એ.માં હોવાનું જણાવતા તેમણે કહ્યું કે, ટીચર્સ ઇન્સ્ટીટ્યુટ, ચિલ્ડ્રન યુનિવર્સિટીની સ્થાપના જેવા અનેકવિધ નવીન પ્રયોગ દ્વારા પ્રિ-સ્કૂલ એજ્યુકેશનને સમયાનુકુળ બનાવવાના ગુજરાતે પ્રયાસો હાથ ધર્યા છે. 

એક દશક પહેલાં ગુજરાતના 15 હજાર સ્કૂલોમાં  ટેલિવિઝનના મારફતે અને  20 હજાર થી વધુ સ્કૂલોમાં કોમ્યુટર એડેડ લર્નીગ લેબના માધ્યમથી શિક્ષણ વ્યવસ્થા અભિન્ન અંગ બની હતી તેમ જણાવતા વડાપ્રધાનશ્રીએ ઉમેર્યુ કે, શિક્ષણ ક્ષેત્રે તકનીકી અભિગમને આગળ વધારતા આજે રાજ્યના 1 કરોડ થી વધુ વિદ્યાર્થીઓ અને 4 લાખ થી વધુ શિક્ષકોની હાજરી ઓનલાઇન પૂરાઇ રહી છે.

આ પ્રસંગે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે , આજનો દિવસ ગુજરાતના શિક્ષણ જગત માટે ઐતિહાસિક દિવસ છે. અમૃત કાળમાં વિકસિત ભારતના નિર્માણનો પાયો આ મિશન સ્કૂલ ઑફ એક્સેલન્સથી વડાપ્રધાનશ્રીના હસ્તે નખાયો છે. આજે વડાપ્રધાનશ્રીના હસ્તે આજે ઈ-ખાતમુહૂર્ત થઈ રહ્યા છે, તેનો સુચારું અમલ વહેલી તકે શરૂ થઈ જશે, એમ તેમણે ઉમેર્યું હતું.

વધુમાં મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે આ મિશન સ્કૂલ ઑફ એક્સેલન્સથી 5G જેવી આધુનિક ટેકનોલોજીની મદદથી શિક્ષણ ક્ષેત્રમાં વિકાસની નવી ક્ષિતિજો ખૂલશે અને નવા સીમાચિહ્નો સર કરશે. મિશન સ્કૂલ ઑફ એક્સેલન્સ દેશમાં શિક્ષણ ક્રાંતિ લાવશે, એવો આશાવાદ મુખ્યમંત્રીશ્રીએ વ્યક્ત કર્યો હતો.

ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શ્રી નરેન્દ્રભાઈએ શિક્ષણ ક્ષેત્રે કરેલી નક્કર કામગીરીઓને યાદ કરીને તેમણે જણાવ્યું હતું કે શ્રી નરેન્દ્રભાઈએ ગુજરાતમાં શિક્ષણ ક્ષેત્રના વિકાસ માટે જે પ્રયાસો અને પરિશ્રમ કર્યો તેણે દેશને દિશા ચીંધી છે. શિક્ષણ ક્ષેત્રે ગુજરાતની વૈશ્વિક પ્રતિષ્ઠા અને ખ્યાતિના પાયામાં શ્રી નરેન્દ્રભાઈની બાળકો-યુવાનોના ઉજ્જવળ ભવિષ્ય માટેની પ્રતિબદ્ધતા અને પરિશ્રમ રહેલા છે. 

શ્રી નરેન્દ્રભાઈના નેતૃત્વમાં કન્યા કેળવણી, પ્રવેશોત્સવ, ગુણોત્સવ વગેરે નવતર પ્રયોગોથી રાજ્યમાં શિક્ષણનો પાયો મજબૂત કરેલો જેના પરિણામે આજે ૩૭% જેટલો ઊંચો સ્કૂલ ડ્રોપઆઉટ રેશિયો ૨-૩ટકા સુધી ઘટ્યો છે. ગુજરાતમાં માત્ર ૨૭ યુનિવર્સિટી હતી, આજે રાજ્યમાં ૧૦૨ યુનિવર્સિટીઓ છે, જેમાં અમુક સ્પેશિયલાઇઝ્ડ યુનિવર્સિટી છે, એવું તેમણે ઉમેર્યું હતું.

મુખ્યમંત્રીશ્રીએ નવી શિક્ષણ નીતિના અમલીકરણનો ઉલ્લેખ કરીને જણાવ્યું કે તાજેતરમાં મધ્યપ્રદેશમાં મેડિકલ શિક્ષણ હિન્દીમાં આપવાની શરૂઆત થઈ, ગુજરાતમાં પણ મેડિકલ અને એન્જિનિયરિંગનું ઉચ્ચ શિક્ષણ માતૃભાષામાં આપવાનું શરૂ થાય તેવા દિવસો દુર નથી. 

સંસ્કૃતિ - સંસ્કારનું જતન કરીને શિક્ષણ કાર્યને વૅજ્ઞાનિક ઢબે આગળ લઇ જવાનું કામ આપણે સૌએ કરવાનું છે, તેવું કહી શિક્ષણ મંત્રી શ્રી જીતુભાઇ વાઘણીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી રાજ્યના મુખ્યમંત્રી હતા,ત્યારે શિક્ષણનો વ્યાપ વધારવા અને જાગૃતિ લાવવા માટે શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો હતો. તેમજ શાળાએઓમાં એસ.એમ.સી.કમિટી ની રચના કરીને વાલીઓને પણ શિક્ષણ કાર્યમાં સાંકળી લીધા છે. 

મંત્રી શ્રી જીતુભાઇ વાઘાણીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના હસ્તે ગુજરાત માટે દેશના સૌથી મોટા સર્વગ્રાહી શાળાકીય શિક્ષણ મિશન સ્કૂલ્સ ઓફ એક્સેલન્સનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમ અંતર્ગત આગામી 4-5 વર્ષમાં સ્પીડ અને સ્કેલ થકી શાળાઓમાં સર્વગ્રાહી પરિવર્તન લાવવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે.       

    મંત્રીશ્રીએ ઉમેર્યુ કે, હાલમાં, કુલ રૂ. ૧,૬૫૦ કરોડના ખર્ચે ૭,૦૦૦ શાળામાં ૮,૦૦૦ વર્ગખંડો અને ૨૦,૦૦૦ અન્ય સુવિધાઓના કાર્યો પ્રગતિ હેઠળ છે. વધુમાં, કુલ રૂ. ૨,૮૮૧ કરોડથી વધુના ખર્ચે ૪,૦૦૦થી વધુ શાળાઓમાં કુલ ૧૩,૫૦૦ વર્ગખંડો તેમજ અન્ય સંકુલો જેમકે છાત્રાલય, જીલ્લા શિક્ષણ તાલીમ ભવન, કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય વગેરે કાર્યોનો આરંભ ટૂંક સમયમાં થશે. ઉપરોક્ત પૈકી, આદિજાતિ વસ્તી ધરાવતા જિલ્લાઓમાં 12,564 વર્ગખંડોના નિર્માણ માટે 3,991 શાળાઓ માટે માળખાકીય સુવિધાઓના કામો હાથ ધરવામાં આવી રહ્યા છે. તેમાંથી 1,386 શાળાઓમાં 4,340 વર્ગખંડોના નિર્માણ માટે રૂ. 700 કરોડના કાર્યો આરંભ કરવામાં આવ્યા છે.

     તેમણે વધુમાં કહ્યુ કે, 23,000 થી વધુ સ્માર્ટ ક્લાસરૂમ સહિત 11,000થી વધુ શાળાઓમાં ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રદાન કરવા માટે રૂ. 286 કરોડના કામો પ્રગતિ હેઠળ છે. વધુમાં, 90,000 થી વધુ કમ્પ્યુટર્સ સાથે 6,000થી વધુ કોમ્પ્યુટર લેબ પ્રદાન કરવા માટે રૂ. 375 કરોડથી વધુના કામો પ્રગતિ હેઠળ છે. તેમજ  15,000 થી વધુ શાળાઓમાં 30,000 સ્માર્ટ ક્લાસરૂમ પ્રદાન કરવા રૂ. 350 કરોડ રૂપિયાથી વધુના કામો પણ ટૂંક સમયમાં આરંભ કરવામાં આવશે.

દેશના સૌથી મોટા શાળાકીય શિક્ષણ મિશન કાર્યક્રમમાં રાજ્ય શિક્ષણ મંત્રી શ્રી કુબેરભાઇ ડિંડોર, મંત્રી શ્રી કિર્તીસિંહ વાધેલા, ધારાસભ્ય શ્રી શંભુજી ઠાકોર, મેયર શ્રી હિતેશભાઇ મકવાણા, ગાંધીનગર જિલ્લા પંચાયત પ્રમુખશ્રી દિલીપભાઈ પટેલ સહિત શિક્ષણ ક્ષેત્ર સાથે સંકળાયેલા વ્યક્તિઓ ઉપસ્થિત રહ્યા હતા. 

(12:00 am IST)