Gujarati News

Gujarati News

News of Thursday, 20th October 2022

અધધધ દર વર્ષે ૯૦૦૦ કરોડની કાજુકતરી અને સોનપાપડી વેચાય છે દિવાળીમાં

દેશમાં દર વર્ષે દિવાળી સમયે લગભગ ૨૫-૩૦ હજાર કરોડની મીઠાઈઓનું વેચાણ થાય છે

નવી દિલ્‍હી, તા.૨૦: આપણા તહેવારોની ઉજવણી મીઠાઈ વગર અધૂરી છે અને જ્‍યારે વાત દિવાળીની હોય ત્‍યારે તો મીઠાઈ, સૂકામેવા અને નાસ્‍તા વગર કેમ ચાલે? દિવાળીમાં જો સૌથી વધુ મીઠાઈ કોઈ વેચાતી હોય તો તે છે કાજુકતરી. હવે તો કાજુકતરીની પણ જાત-ભાતની વેરાયટી બજારમાં મળે છે, જે તેને વધુ આકર્ષક બનાવે છે. શું તમે જાણો છો કે દિવાળીમાં અઢળક વેચાતી આ મીઠાઈઓનું માર્કેટ કેટલું મોટું છે? અને એમાં કાજુકતરીનો હિસ્‍સો કેટલો છે?

મીઠાઈના માર્કેટ વિશે વાત કરતાં ફેડરેશન ઑફ સ્‍વીટ્‍સ ઍન્‍ડ નમકીન મેન્‍યુફેક્‍ચરર્સના ડિરેક્‍ટર ફિરોઝ નકવીએ જણાવ્‍યું કે ‘દેશમાં દર વર્ષે દિવાળી સમયે લગભગ ૨૫-૩૦ હજાર કરોડની મીઠાઈઓનું વેચાણ થાય છે, જેમાં પેક્‍ડ સ્‍વીટ્‍સનું પ્રમાણ એકંદરે વધ્‍યું છે. આ વેચાણમાં ૩૦ ટકા હિસ્‍સો કાજુકતરી અને સોનપાપડી છે. લૉ વેલ્‍યૂ ગિફ્‌ટ માટે લોકો સોનપાપડી જ પસંદ કરતાં હોય છે, જ્‍યારે મિડ વેલ્‍યૂ ગિફ્‌ટ માટે કાજુકતરી બેસ્‍ટ ઑપ્‍શન માર્કેટમાં છે.'

જો ૩૦ હજાર કરોડના ૩૦ ટકા પ્રમાણે ગણતરી કરીએ તો આ આંકડો ૯ હજાર કરોડનો થાય છે. એટલે કે દર વર્ષે ૯ હજાર કરોડની કાજુકતરી અને સોનપાપડીનું વેચાણ થાય છે. આ અચંબિત કરનારો આંકડો માત્ર દિવાળી સમયનો જ છે, બાકી આખા વર્ષનો અંદાજ તમે જાતે જ લગાવી શકો છો.

(3:17 pm IST)