Gujarati News

Gujarati News

News of Thursday, 20th October 2022

પીએમ મોદી શનિવારે ૭૫૦૦૦ યુવાનોને આપશે નોકરીની ભેટ

દેશના બેરોજગાર યુવાનોને મળશે દિવાળીની ગીફટ : પીએમ સોંપશે જોબ સર્ટીફીકેટ : કેન્‍દ્ર સરકારે ડિસેમ્‍બર ૨૦૨૩ સુધીમાં ૧૦ લાખ લોકોને નોકરી આપવાનું વચન આપ્‍યું છે

નવી દિલ્‍હી તા. ૨૦ : આગામી ચૂંટણીઓને લઇને વિવિધ પક્ષો લોકોને અલગ-અલગ પ્રકારની ગીફટ - વચન - આશ્વાસન આપતા હોય છે. આ ક્રમમાં ભાજપ સરકાર યુવાનોને એક મોટી ભેટ આપવા જઇ રહી છે. પીએમ મોદી દિવાળીના બે દિવસ પહેલા દેશના ૭૫૦૦૦ યુવાનોને નોકરીની ભેટ આપવા જઇ રહ્યા છે. વડાપ્રધાન શનિવારે દેશભરના ૭૫૦૦૦ યુવાનોને જોબ સર્ટીફીકેટ આપશે. અત્રે એ નોંધનીય છે કે તેમણે જુનમાં કહ્યું હતું કે, આવતા ડિસેમ્‍બર સુધીમાં ૧૦ લાખ નોકરી આપવામાં આવશે.  દિવાળીનો તહેવાર રોજગારની શોધમાં હોય તેવા યુવાનો માટે ખુશીઓ લઈને આવશે. કારણ કે આ વખતે દિવાળી રોજગારલક્ષી બનવાની છે. એવા અહેવાલ છે કે, વડાપ્રધાન નરેન્‍દ્ર મોદી દેશભરમાં હજારો નોકરીઓની જાહેરાત કરશે. ખાસ વાત એ છે કે, તેમણે જૂનમાં જ કહ્યું હતું કે, આવતા વર્ષે ડિસેમ્‍બરના અંત સુધીમાં ૧૦ લાખ નોકરીઓનું સર્જન થશે.

મીડિયા રિપોર્ટ્‍સ અનુસાર PM ૨૨ ઓક્‍ટોબરે એટલે કે, દિવાળીના બે દિવસ પહેલા વીડિયો કોન્‍ફરન્‍સિંગ દ્વારા યુવાનો સાથે વાતચીત કરશે. આ દરમિયાન તેઓ ૭૫ હજાર યુવાનોને રોજગારની ‘ગિફટ' પણ આપશે. વિવિધ મંત્રાલયો અને સરકારી વિભાગોમાં ૭૫ હજાર યુવાનોને નિમણૂક પત્ર આપવામાં આવશે.

આ દરમિયાન સંરક્ષણ મંત્રાલય, રેલ્‍વે મંત્રાલય, પોસ્‍ટ વિભાગ, ગૃહ મંત્રાલય, શ્રમ અનેરોજગારમંત્રાલય, CISF, CBI, કસ્‍ટમ, બેંકિંગ સહિત અન્‍ય ઘણા ક્ષેત્રોમાં યુવાનોને નોકરીની જાહેરાત કરવામાં આવશે. આ કાર્યક્રમમાં દેશના અનેક કેન્‍દ્રીય મંત્રીઓ પણ ભાગ લેશે.

સૂત્રોએ જણાવ્‍યું હતું કે, આ કાર્યક્રમમાં ઓડિશાથી શિક્ષણ પ્રધાન ધર્મેન્‍દ્ર પ્રધાન, ગુજરાતથી આરોગ્‍ય પ્રધાન મનસુખ માંડવિયા, ચંદીગઢથી માહિતી અને પ્રસારણ પ્રધાન અનુરાગ ઠાકુર, મહારાષ્ટ્રથી પીયૂષ ગોયલ, રાજસ્‍થાનથી રેલવે પ્રધાન અશ્વિની વૈષ્‍ણવ, તમિલનાડુથી નાણા પ્રધાન નિર્મલા સીતારમણ, ઉત્તરપ્રદેશથી ભારે ઉદ્યોગ પ્રધાન મહેન્‍દ્ર પાંડે, ઝારખંડમાંથી આદિજાતિ બાબતોના પ્રધાન અર્જુન મુંડા અને બિહારમાંથી પંચાયતી રાજ પ્રધાન ગિરિરાજ સિંહ સામેલ થશે.

(3:22 pm IST)