Gujarati News

Gujarati News

News of Thursday, 20th October 2022

મધ્યપ્રદેશના મુરેનામાં એક ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ: ચાર લોકોના મોત : સાત લોકોને ઇજા

વિસ્ફોટ એટલો જોરદાર હતો કે આખું ઘર ધરાશાયી થઈ ગયું :ફટાકડાની ફેક્ટરીમાં દિવાળીના તહેવારને લઈ કામકાજ ચાલી રહ્યું હતુ

મધ્યપ્રદેશના મુરેનામાં એક ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ થયો છે, જેમાં ચાર લોકોના મોત થયા છે. બ્લાસ્ટથી આખા ઘરની છતને નુકસાન થયું હતું. ફટાકડાની ફેક્ટરીમાં દિવાળીના તહેવારને લઈ કામકાજ ચાલી રહ્યું હતુ. બાનમોર પોલીસ સ્ટેશન વિસ્તારના જેતપુર રોડનો આ સમગ્ર મામલો છે. બચાવ કામગીરી હાલમાં ચાલુ છે. આ પછી આખી ઈમારત ધરાશાયી થઈ ગઈ. વેરહાઉસના માલિક બનમૌરના રહેવાસી બિઝનેસમેન નિર્મલ જૈન છે. આ મકાનમાં ભાડૂઆતો પણ રહેતા હતા.

વિસ્ફોટ એટલો જોરદાર હતો કે આખું ઘર ધરાશાયી થઈ ગયું અને ચાર લોકોના મોત થયા. સાથે જ 6 લોકો કાટમાળ નીચે દટાયા હોવાની આશંકા છે. ઘટનાની માહિતી મળતા જ પોલીસ અને વહીવટી અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને બચાવ કાર્ય શરૂ કર્યું હતું. હાલ ઘાયલોને બહાર કાઢવાની કામગીરી ચાલી રહી છે. મળતી માહિતી મુજબ વિસ્ફોટ સવારે 11.30 વાગ્યે થયો હતો. વિસ્ફોટ એટલો જોરદાર હતો કે સમગ્ર વિસ્તાર હચમચી ગયો હતો.

વિસ્ફોટની માહિતી મળતાં જ પોલીસ-પ્રશાસનની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. વહીવટીતંત્ર સ્થાનિક લોકોની મદદથી કાટમાળ નીચે ફસાયેલા લોકોને બહાર કાઢવાના પ્રયાસો શરૂ કર્યા છે.

મોરેના કલેક્ટર બી કાર્તિકેયને જણાવ્યું કે આ વિસ્ફોટમાં ચારના મોત થયા છે અને સાત ઇજા પામ્યા છે. હાલ બચાવકાર્ય ચાલુ છે. કલેક્ટરના જણાવ્યા અનુસાર વિસ્ફોટ કયા કારણોસર થયો તે હજુ સુધી જાણી શકાયું નથી. અત્યારે અનુમાન લગાવી શકાય છે કે કદાચ આ વિસ્ફોટ ફટાકડાના કારણે થયો હશે અથવા ગેસ સિલિન્ડરના વિસ્ફોટને કારણે થયો હશે. એફએસએલના રિપોર્ટ બાદ જ સ્થિતિ સ્પષ્ટ થશે તેમ જણાવ્યું હતું.

(7:15 pm IST)