Gujarati News

Gujarati News

News of Thursday, 20th October 2022

સાફ હવામાં શ્વાસ લેવા દો, પૈસા મિઠાઇ પર ખર્ચ કરો:દિલ્હીમાં ફટાકડા ઉપર પ્રતિબંધ વિરૂદ્ધ અરજી પર સુપ્રિમકોર્ટની ટિપ્પણી

દિલ્હીમાં ફટાકડા પરના સંપૂર્ણ પ્રતિબંધને પડકારતી બીજેપી નેતા મનોજ તિવારીની અરજી પર સુપ્રીમ કોર્ટે વહેલી સુનાવણી કરવાનો ઇનકાર કર્યો

નવી દિલ્હી :દિલ્હીમાં ફટાકડા પરના સંપૂર્ણ પ્રતિબંધને પડકારતી બીજેપી નેતા મનોજ તિવારીની અરજી પર સુપ્રીમ કોર્ટે વહેલી સુનાવણી કરવાનો ઇનકાર કર્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે લોકોએ સ્વચ્છ હવામાં શ્વાસ લેવા દો, મીઠાઈઓ પર પૈસા ખર્ચ કરો. મનોજ તિવારીના વકીલ શશાંક શેખર ઝાએ દિવાળી નજીક હોવાને ટાંકીને તાત્કાલિક સુનાવણીની માંગ કરી હતી. તિવારીએ 23 સપ્ટેમ્બરે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી.

 અત્રે ઉલ્લેખનીય છે કે, અરજીમાં કહેવામાં આવ્યું હતું કે જીવનના અધિકારના બહાને ધર્મની સ્વતંત્રતા છીનવી ન શકાય. મનોજ તિવારીએ સરકારને ફટાકડાના વેચાણ, ખરીદી અને ફોડવા અંગે નવી માર્ગદર્શિકા જારી કરવા નિર્દેશ માંગ્યો હતો. તેમણે સામાન્ય પ્રતિબંધ પર સવાલ ઉઠાવ્યા હતા, જ્યારે સુપ્રીમ કોર્ટે પોતે ગ્રીન ફટાકડાના ઉપયોગને મંજૂરી આપી હતી.

બીજેપી સાંસદે તમામ રાજ્યોને આગામી તહેવારોની મોસમ દરમિયાન ફટાકડા વેચતા અથવા તેનો ઉપયોગ કરતા સામાન્ય લોકો સામે એફઆઈઆર નોંધવા જેવી કોઈ શિક્ષાત્મક કાર્યવાહી ન કરવા માટે પણ નિર્દેશ માંગ્યો હતો. ઉલ્લેખનીય છે કે, 2020થી દિલ્હીમાં દિવાળી પર ફટાકડા ફોડવા પર પ્રતિબંધ છે. આ સિવાય હરિયાણાએ ગયા વર્ષે તેના 14 જિલ્લામાં તમામ પ્રકારના ફટાકડાના વેચાણ અને ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો હતો. જોકે, પ્રતિબંધો છતાં દિલ્હી, નોઈડા, ફરીદાબાદ અને ગુરુગ્રામમાં લોકોએ મોડી રાત સુધી ફટાકડા ફોડ્યા હતા.

દિલ્હીમાં દિવાળી પર ફટાકડા ફોડનારને 6 મહિના સુધીની જેલ અને 200 રૂપિયાનો દંડ થઈ શકે છે. બુધવારે આ માહિતી આપતાં દિલ્હીના પર્યાવરણ મંત્રી ગોપાલ રાયે જણાવ્યું હતું કે દિલ્હીમાં ફટાકડાના ઉત્પાદન, સંગ્રહ અને વેચાણ પર 5000 રૂપિયા સુધીનો દંડ અને એક્સપ્લોઝિવ એક્ટની કલમ 9B હેઠળ 3 વર્ષની જેલની સજા થશે. આ સાથે તેમણે લોકોને આ દિવાળી પર ફટાકડા ન ફોડવા અને દીવા પ્રગટાવવાની પણ અપીલ કરી હતી. લોકોને જાગૃત કરવા દિલ્હી સરકાર જનજાગૃતિ ચલાવશે. તે કનોટ પ્લેસના સેન્ટ્રલ પાર્કથી શરૂ થશે. અહીં 51 હજાર દીવા પ્રગટાવવામાં આવશે.

(8:21 pm IST)