Gujarati News

Gujarati News

News of Thursday, 20th October 2022

કાશ્મીર ખીણમાં ૬૦૦થી વધુ હાઈબ્રિડ આતંકવાદી સક્રિય

કાશ્મીર ખીણમાં ટાર્ગેટ કિલિંગ પર મોટો ખુલાસો : ખીણમાં સક્રિય હાઈબ્રિડ આતંકવાદીઓ અને વિદેશી આતંકવાદીઓની વચ્ચેનું કનેક્શન સામે આવ્યું

શ્રીનગર, તા.૨૦  : કાશ્મીર ખીણમાં પ્રવાસી મજૂરો અને કાશ્મીરી પંડિતોના ટાર્ગેટ કિલિંગને લઈને મોટો ખુલાસો થયો છે. કાશ્મીર ખીણમાં સક્રિય હાઈબ્રિડ આતંકવાદીઓ અને વિદેશી આતંકવાદીઓ વચ્ચેનું કનેક્શન સામે આવ્યું છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે કાશ્મીર ખીણમાં હાલમાં ૬૦૦થી પણ વધુ હાઈબ્રિડ આતંકવાદીઓ સક્રિય છે. વિદેશી આતંકવાદીઓ આ હાઈબ્રિડ આતંકવાદીઓની મદદ કરી રહ્યા છે. તેમનો ઉદ્દેશ્ય પરપ્રાંતિય મજૂરો અને પંડિતોને ટાર્ગેટ કરીને ખીણમાં દહેશત ફેલાવી રહ્યા છે. સુરક્ષા દળો અને કાશ્મીર પોલીસ સતત આતંકવાદીઓની યોજનાને નિષ્ફળ બનાવવાનો પ્રયાસ કરી રહી છે. હાઈબ્રિડ આતંકવાદીઓની આ ભૂમિકા છેલ્લા ૧૦ મહિનામાં ઉજાગર થઈ છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે જે પહેલા ઓવરગ્રાઉન્ડ વર્કર હતા જે સક્રિય આતંકવાદીઓની મદદ કરતા હતા. હવે તેઓ સીધી રીતે આતંકવાદી ગતિવિધિઓને અંજામ આપી રહ્યા છે. આ બધા વિદેશી અને હાઈબ્રિડ આતંકવાદીઓનું જોડાણ બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે. છેલ્લા બે વર્ષમાં એક ડઝન પ્રોક્સી આતંકવાદી સંગઠનો બન્યા છે. આ તમામ સંગઠન વિદેશી આતંકવાદીઓને સતત મદદ કરી રહ્યા છે. આ દ્વારા તેઓ ન માત્ર આતંકવાદી ગતિવિધિઓ ચલાવી રહ્યા છે પરંતુ તેઓ ષડયંત્ર પણ રચી રહ્યા છે.

હાઈબ્રિડ આતંકવાદીઓની સક્રિયતા જોતા ગુપ્ત એજન્સી અને પોલીસ ફોર્સ પણ સક્રિય બની છે. ગુપ્ત અને સુરક્ષા એજન્સીઓ હવે આ હાઈબ્રિડ આતંકવાદીઓનું લિસ્ટ તૈયાર કરી રહ્યા છે. શોપિયામાં પરપ્રાંતિય મજૂરોની હત્યા મામલે હાઈબ્રિડ આતંકવાદીઓના નાપાક કૃત્યનો પર્દાફાશ થયો છે. ત્યારબાદથી એજન્સીઓ સક્રિય થઈ ગઈ છે.

ગુપ્ત અને સુરક્ષા એજન્સીઓ સક્રિય આતંકવાદીઓની જેમ હાઈબ્રિડ આતંકવાદીઓનું પણ લિસ્ટ તૈયાર કરી રહી છે. શોપિયામાં થયેલા પરપ્રાંતિય મજૂરોની હત્યા મામલે એવા હાઈબ્રિડ આતંકવાદીઓના નાપાક કૃત્યોનો પર્દાફાશ થયો છે. ખીણમાં સક્રિય ૮૪ વિદેશી આતંકવાદીઓ આ હાઈબ્રિડ આતંકવાદીઓને સતત મદદ કરી રહ્યા છે. છેલ્લા કેટલાક વર્ષોમાં પ્રથમ વખત એવું બન્યું છે જ્યારે સક્રિય આતંકવાદીઓમાં વિદેશી આતંકવાદીઓની સંખ્યા આટલી વધારે છે. આ ઉપરાંત કાશ્મીરમાં ૫૪ સ્થાનિક આતંકવાદીઓ પણ સક્રિય છે.

(8:29 pm IST)