Gujarati News

Gujarati News

News of Thursday, 20th October 2022

મંગળવારે પશ્ચિમ બંગાળ-બાંગ્લાદેશના કિનારે પહોંચશે ચક્રવાત! :IMD દ્વારા ભારે વરસાદનું એલર્ટ જાહેર કરાયું

----- બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાયું:આગામી ચાર દિવસમાં ચક્રવાતી તોફાનમાં વધુ તીવ્ર બની પરિવર્તિત થાય તેવી શક્યતા

નવી દિલ્હી : ભારતીય હવામાન વિભાગ (આઇએમડી) એ જણાવ્યું હતું કે બંગાળની ખાડી પર બનેલું સંભવિત ચક્રવાત ઓડિશાના દરિયાકાંઠેથી નીકળીને 25 ઓક્ટોબરે પશ્ચિમ બંગાળ-બાંગ્લાદેશના દરિયાકાંઠે ટકરાશે. અઇએમડીએ એક નિવેદન જારી કરીને જણાવ્યું હતું કે ગુરુવારે બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાયું છે અને તે આગામી ચાર દિવસમાં ચક્રવાતી તોફાનમાં વધુ તીવ્ર બની પરિવર્તિત થાય તેવી શક્યતા છે

  આઇએમડી અનુસાર, દક્ષિણપૂર્વ અને પૂર્વ-મધ્ય બંગાળની ખાડી પરનો લો પ્રેશરનો વિસ્તાર 22 ઓક્ટોબર સુધીમાં ડીપ ડિપ્રેશનમાં અને 23 ઓક્ટોબર સુધીમાં ચક્રવાતી વાવાઝોડામાં પરિવર્તિત થઈ શકે છે. આઈએમડીના ડાયરેક્ટર જનરલ મૃત્યુંજય મહાપાત્રાએ જણાવ્યું હતું કે, “24 ઓક્ટોબર સુધીમાં પશ્ચિમ મધ્ય અને બંગાળની પૂર્વ મધ્ય બંગાળની ખાડી પર તે ઉત્તર તરફ વળે અને ચક્રવાતી વાવાઝોડામાં પરિવર્તિત બને તેવી સંભાવના છે.” ત્યારબાદ, તે ધીમે ધીમે ઉત્તર-ઉત્તરપૂર્વ તરફ આગળ વધશે અને ઓડિશાને સિવાયના સેક્ટરમાં 25 ઓક્ટોબરે પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશના દરિયાકાંઠે અથડાશે.

  તેમણે કહ્યું કે આઇએમડી એ હજુ સુધી વાવાઝોડાની તીવ્રતા અને તે સમયગાળા દરમિયાન પવનની ઝડપની આગાહી કરી નથી. મહાપાત્રાએ કહ્યું કે 23 ઓક્ટોબરથી ઓડિશાના દરિયાકાંઠાના વિસ્તારોમાં મુશળધાર વરસાદ પડી શકે છે. ભુવનેશ્વરના પ્રાદેશિક હવામાન કેન્દ્રે જણાવ્યું કે પુરી, કેન્દ્રપારા અને જગતસિંહ જિલ્લામાં 23 ઓક્ટોબરે ભારે વરસાદ પડશે. વહેલી સવારે, આઇએમડીએ કહ્યું હતું કે દક્ષિણપૂર્વ અને પૂર્વ-મધ્ય બંગાળની ખાડી પરનું લો પ્રેશર એરિયા 22 ઓક્ટોબર સુધીમાં ડીપ ડિપ્રેશનમાં અને 24 ઓક્ટોબર સુધીમાં ચક્રવાતી તોફાનમાં પરિવર્તિત થઇ શકે છે.

(9:53 pm IST)