Gujarati News

Gujarati News

News of Friday, 20th November 2020

મહામારીના સમયમાં સૌએ હકારાત્મકતા અપનાવવી જોઈએઃ પૂ.બ્રહ્મવિહારી સ્વામી

દુબઈના ચાંગા સ્થિત ચારૂસેટ હોસ્પિટલમાં ઓપીડીનું ઈ- લોકાર્પણઃ પી.ડી.પટેલ પરિવાર દ્વારા ૧૫ કરોડનું દાન : વેકસીન- દવા ઈમ્યુનિટીને બળવાન બનાવે છે પણ આપણે મનનું હકારાત્મક વલણ રાખવું જોઈએ, તમે બીજાને જેટલું સુખ આપશો તેટલું સુખ તમને પ્રાપ્ત થશે

રાજકોટઃ આજના સમાજ જીવનમાં હકારાત્મકતા મહત્વની બાબત છે, જયારે નકારાત્મકતા અધઃ પતન તરફ દોરે છે. હાલની કોવિડ -૧૯થી ઉભી થયેલી પરિસ્થિતિમાં સૌએ હકારાત્મકતા અપનાવવી જોઈએ. એમ દુબઈથી બીએપીએસના સંત પરમ પૂજય બ્રહ્મવિહારી સ્વામીએ ચાંગા સ્થિત ચારૂસેટ હોસ્પિટલમાં લલિતાબેન પી.ડી. પટેલ ઓપીડી સર્વિસિસના ઈ- લોકાર્પણ પ્રસંગે જણાવ્યું હતું. આ પ્રસંગે બ્રહ્મવિહારી સ્વામીએ વેબકાસ્ટિંગના માધ્યમથી આશીવર્ચન પાઠવ્યા હતા. દાતા પી.ડી. પટેલ પરિવાર તરફથી ચારૂસેટને રૂ.૧૫ કરોડનું દાન આપવામાં આવ્યું છે.

પરમ પૂજય બ્રહ્મવિહારી સ્વામીએ જણાવ્યું કે, પી.ડી. પટેલ પરિવાર પર ભગવાન સ્વામિનારાયણ, પ્રમુખ સ્વામી અને મહંત સ્વામીના આશીર્વાદ છે. દુબઈ આવવાનું થાય એટલે પી.ડી. પટેલ પરિવારને સત્સંગનો લાભ મળતો હતો. હાલમાં કોવિડ ૧૯થી ઉભી થયેલી પરિસ્થિતિમાં સામાજિક સિસ્ટમ બદલાઈ છે. ત્યારે હકારાત્મકતા રાખ્યા વગર છૂટકો જ નથી. મનમાં હકારાત્મકતા રાખ્યા વગર છૂટકો જ નથી. મનમાં હકારાત્મકતા રાખી કાર્ય કરવાથી સફળતા મળે છે. અત્યારે આપણી ડીકશનરીમાં ઈમ્યુનિટી શબ્દ ઉમેરાયો છે જે આપણે ફૂડ હેબિટલિવિંગ હેબિટ, કસરતથી મજબૂત કરી શકાય છે.

વેકિસન- દવા ઈમ્યુનિટીને બળવાન બનાવે છે પણ આપણે મનનું હકારાત્મક વલણ રાખવું પડશે. પી.ડી.પટેલ પરિવારે દુબઈ આવી શૂન્યમાંથી સર્જન કર્યું છે. તેમના જીવનની સિદ્ધાંત હતો કે હકારાત્મકતા રાખવી જોઈએ. તમે બીજાને જેટલું સુખ આપશો તેટલું સુખ તમને પ્રાપ્ત થશે.

ચારૂસેટ હોસ્પિ.માં લાભપાંચમે આણંદ બીએપીએસ મંદિરના કોઠારી ભગવતચરણસ્વામીના હસ્તે લલિતાબેન પી.ડી. પટેલ ઓપીડી સર્વિસિસનું ઈ- લોકાર્પણ કરાયું હતું. ચારૂસેટ હોસ્પિ.માં દાતા પી.ડી.પટેલ, તેમના પુત્ર મનુભાઈ, રોહિતભાઈ અને પરિવાજનો તરફથી રૂ.૧૫ કરોડનું દાન પ્રાપ્ત થયું છે.

આ પ્રસંગે ભગવતચરણસ્વામીએ જણાવ્યું કે, ચારૂસેટ યુનિવર્સિટી અને ચારૂસેટ હોસ્પિટલને ભગવાન સ્વામીનારાયણ, વંદનીય પ્રમુખ સ્વામી અને વંદનીય મહંત સ્વામીના આશીર્વાદ પ્રાપ્ત થયેલા છે.

આ પ્રસંગે કેળવણી મંડળના ઉપપ્રમુખ સી.એ.પટેલ, ડો.પંકજ જોશી અને અશોકભાઈ પટેલ, જોઈન્ટ સેક્રેટરી મધુબેન પટેલ, ખજાનચી ગિરીશભાઈ પટેલ, માતૃસંસ્થાના ટ્રસ્ટી ચંદ્રકાંત પટેલ, ઉપપ્રમુખ વી.એમ.પટેલ, ખજાનચી આર.વી.પટેલ, ઉપપ્રમુખ નવનીતભાઈ પટેલ, એડવાઈઝર ડો.બી.જી. પટેલ, જોઈન્ટ સેક્રેટરી દિલીપભાઈ પટેલ સહિત પદાધિકારીઓ, કારોબારી સભ્યો, દાતાઓ હાજર રહ્યા હતા.

(3:37 pm IST)