Gujarati News

Gujarati News

News of Monday, 20th December 2021

બ્રિટનમાં કોરોના વિસ્ફોટ, ઓમિક્રોનથી સાતના મોત

એક દિવસમાં ૯૦,૪૧૮ કેસ નોંધાયા : રશિયામાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાને કારણે ૧૦૨૩ લોકોના મોત થયા છે, જ્યારે ૨૭૯૬૭ કેસ સામે આવ્યા છે

વોશિંગટન,તા.૧૯ : કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોને પોતાનું રૌદ્ર રૂપ દેખાડવાનું શરૂ કરી દીધું છે. આ વાયરસ અત્યાર સુધી ૮૯ દેશોમાં પહોંચી ચુક્યો છે. સમાચાર એજન્સી પીટીઆઈ પ્રમાણે બ્રિટનમાં ઓમિક્રોનથી મૃત્યુ પામનારની સંખ્યા વધીને ૭ થઈ ગઈ છે, જ્યારે એક દિવસમાં આ વેરિએન્ટના ૧૦,૦૫૯ કેસ સામે આવ્યા છે. આ સાથે બ્રિટનમાં ઓમિક્રોનના સંક્રમિતોનો આંકડો વધીને ૨૪,૯૬૮ થઈ ગયો છે. તો છેલ્લા ૨૪ કલાકમાં કોરોના સંક્રમણના ૯૦,૪૧૮ કેસ સામે આવ્યા છે, જ્યારે મહામારીથી ૧૨૫ લોકોના મૃત્યુ થયા છે.  બ્રિટનના સ્વાસ્થ્ય મંત્રી સાજિદ જાવિદે કહ્યુ કે, ઓમિક્રોનથી મૃત્યુ પામનારની સંખ્યા વધીને ૭ થઈ ગઈ છે. અમે તમામ પગલાં ભર્યા જે જરૂરી છે. અમે આંકડા પર નજર રાખી રહ્યાં છીએ અને પોતાના વૈજ્ઞાનિકો અને સલાહકારો સાથે આ મુદ્દે ચર્ચા કરી રહ્યાં છીએ. અમે મહામારી પર સાવધાનીથી નજર રાખીશું. અમે છેલ્લા કેટલાક દિવસમાં ઓમિક્રોન સંક્રમણમાં એક મોટો ઉછાળો જોયો છે. ઓમિક્રોનનો સામનો કરવા માટે રસીકરણ વધારવામાં આવ્યું છે.  તો રશિયામાં કોરોનાનો કહેર જારી છે.

          સમાચાર એજન્સી રોયટરના રિપોર્ટ પ્રમાણે રશિયામાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાને કારણે ૧૦૨૩ લોકોના મોત થયા છે, જ્યારે ૨૭૯૬૭ કેસ સામે આવ્યા છે. રશિયામાં સંક્રમિતોની કુલ સંખ્યા વધીને  ૧૦,૨૧૪,૭૯૦ થઈ ગઈ છે, જ્યારે મહામારીમાં અત્યાર સુધી ૨૯૭,૨૦૩ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. કોરોનાના નવા વેરિએન્ટના વધતા ખતરાને જોતા જર્મનીએ બ્રિટનથી આવતા લોકોને ક્વોરેન્ટીન કરવાના નિર્દેશ આપ્યા છે. એટલું જ નહીં દેશમાં માત્ર તે લોકોને પ્રવેશની મંજૂરી આપવામાં આવશે જેનો કોવિડ-૧૯નો ટેસ્ટ રિપોર્ટ નેગેટિવ હોય. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનનું કહેવું છે કે કોરોનાના ઓમિક્રોન વેરિએન્ટ ડેલ્ટા સ્ટ્રેનની તુલનામાં ઝડપથી ફેલાય રહ્યો છે. તેના કેસની સંખ્યા ૧.૫થી ૩ દિવસમાં ડબલ થઈ રહી છે. મહત્વનું છે કે વિશ્વ આરોગ્ય સંસ્થાએ ઓમિક્રોન વેરિએન્ટને વેરિએન્ટ ઓફ કન્સર્ન જાહેર કર્યો છે.

(9:11 pm IST)