Gujarati News

Gujarati News

News of Monday, 20th December 2021

મહારાષ્ટ્રના મંત્રીનું વિવાદાસ્પદ નિવેદન : રાજ્ય મહિલા આયોગ નારાજ : માફી માંગવાની માંગ કરી

મંત્રી અને શિવસેનાના નેતા ગુલાબરાવ પાટીલે પોતાના મત વિસ્તારની સડકની તુલના હેમા માલિનીના ગાલ સાથે કરીને નવો વિવાદ સર્જ્યો

મુંબઈ : મહારાષ્ટ્ર સરકારના મંત્રી અને શિવસેનાના નેતા ગુલાબરાવ પાટીલે પોતાના મત વિસ્તારની સડકની તુલના હેમા માલિનીના ગાલ સાથે કરીને નવો વિવાદ સર્જ્યો છે. પાટીલ દ્વારા આ ટિપ્પણી કરવાનો વીડિયો વાયરલ થયા બાદ રાજ્ય મહિલા આયોગે તેમના નિવેદન પર નારાજગી વ્યક્ત કરી છે અને તેમની પાસેથી માફી માંગવાની માંગ કરી છે.

જલગાંવ જિલ્લાના વિધાનસભ્ય પાટીલે ભૂતકાળમાં અહીં બોધવાડમાં નગર પંચાયત ચૂંટણી માટે ચૂંટણી સભાને સંબોધિત કરતી વખતે આ વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. વાયરલ થયેલા વીડિયોમાં, પાટીલ તેમના મતવિસ્તારમાં રસ્તાઓની ઉત્તમ ગુણવત્તા જોવા માટે વિપક્ષી પાર્ટીઓને અહીં આવવાનું આમંત્રણ આપતા જોવા મળે છે.

રાજ્ય સરકારમાં પાણી પુરવઠા અને સ્વચ્છતા મંત્રી ગુવાબરાવ પાટીલે વીડિયોમાં કહ્યું, ‘જેઓ 30 વર્ષથી ધારાસભ્ય છે તેઓ મારા વિધાનસભા ક્ષેત્રમાં આવે અને રસ્તાઓ જોવે. જો તેઓ (રસ્તા) હેમા માલિનીના ગાલ જેવા ન હોય તો હું રાજીનામું આપી દઈશ.

મહારાષ્ટ્ર રાજ્ય મહિલા આયોગના અધ્યક્ષ રૂપાલી ચકાંકરે પાટીલના નિવેદનની નોંધ લીધી છે. ચકાંકરે પાટીલને આ મામલે જાહેરમાં માફી માંગવા કહ્યું છે. તેમણે કહ્યું કે જો ગુલાબરાવ પાટીલ જાહેરમાં માફી નહીં માંગે તો તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

(12:00 am IST)