Gujarati News

Gujarati News

News of Monday, 20th December 2021

રાજ્યસભાના 12 સસ્પેન્ડેડ સાંસદોની સરકારે બેઠક બોલાવી વિપક્ષી સાંસદો બેઠકમાં સામેલ થશે કે કેમ ?: ઉઠતો સવાલ

સંજય રાઉતે કહ્યું- બેઠકમાં હાજરી આપવા અંગે નિર્ણય લેવા માટે વિરોધ પક્ષો સોમવારે સવારે બેઠક કરશે.

મુંબઈ :  શિવસેનાના સાંસદ સંજય રાઉતે કહ્યું કે કેન્દ્રીય સંસદીય બાબતોના પ્રધાન પ્રહલાદ જોશીએ  તેમને અને કોંગ્રેસ સહિત ચાર રાજકીય પક્ષોને સોમવારે સવારે 10 વાગ્યે બેઠક માટે બોલાવ્યા છે. સંસદ લાયબ્રેરી ભવનમાં યોજાનારી બેઠકમાં તૃણમૂલ કોંગ્રેસ (TMC), CPI(M) અને CPIને પણ બોલાવવામાં આવ્યા છે, જેમના રાજ્યસભાના સભ્યોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

તેમણે કહ્યું કે સરકાર દ્વારા બોલાવવામાં આવેલી બેઠકમાં હાજરી આપવા અંગે નિર્ણય લેવા માટે વિરોધ પક્ષો સોમવારે સવારે બેઠક કરશે.

રાજ્યસભાના સસ્પેન્ડ કરાયેલા 12 સાંસદોમાં શિવસેનાના પણ બે સભ્યો છે. સાંસદોના સસ્પેન્શનને કારણે 29 નવેમ્બરથી શરૂ થયેલા શિયાળુ સત્રથી હજુ પણ મડાગાંઠ ચાલી રહી છે. શેડ્યૂલ મુજબ વર્તમાન શિયાળુ સત્ર 23 ડિસેમ્બરે સમાપ્ત થવાનું છે. શિયાળુ સત્રના પહેલા દિવસે રાજ્યસભામાં કોંગ્રેસ અને તૃણમૂલ કોંગ્રેસ સહિત વિપક્ષી દળોના 12 સભ્યોને બાકીના સત્ર માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

સાંસદોનું સસ્પેન્શન પાછું ખેંચવાની માગણી સાથે, કોંગ્રેસના પૂર્વ પ્રમુખ રાહુલ ગાંધી અને અન્ય ઘણા વિરોધ પક્ષોના નેતાઓએ ગયા અઠવાડિયે એક કૂચ કરી હતી અને સરકાર પર વિપક્ષનો અવાજ દબાવવાનો આરોપ લગાવ્યો. વિપક્ષના નેતાઓએ મહાત્મા ગાંધીની પ્રતિમાથી સંસદ સંકુલમાં વિજય ચોક સુધી રેલી કાઢી હતી.

(12:21 am IST)