Gujarati News

Gujarati News

News of Monday, 20th December 2021

બ્રિટનમાં ઓમિક્રોન વેરિઅન્ટે હાહાકાર મચાવ્યો : નવા 12,133 કેસ નોંધાયા

બ્રિટનના સ્વાસ્થ્ય મંત્રી સાજિદ જાવેદે ચેતવણી આપી કે ક્રિસમસની ઊજવણી પહેલાં નિયંત્રણો નહીં લદાય તો ઓમિક્રોનના કેસ 20 લાખ સુધી પહોંચી શકે

નવી દિલ્હી : કોરોનાના નવા વેરિઅન્ટ ઓમિક્રોનનું ભયાનક સ્વરૂપ દેખાવા લાગ્યું છે. ઓમિક્રોન વેરિઅન્ટ અત્યાર સુધીમાં 89 દેશોમાં ફેલાઈ ચૂક્યો છે. બ્રિટનમાં કોરોનાના ઓમિક્રોન વેરિઅન્ટે હાહાકાર મચાવ્યો છે. બ્રિટનમાં ઓમિક્રોનથી મરનારા દર્દીઓની સંખ્યા વધીને 7 થઈ ગઈ છે.

જ્યારે ઓમિક્રોનના દૈનિક 10 હજારથી વધુ કેસ સામે આવી રહ્યા છે. આ સાથે બ્રિટનમાં ઓમિક્રોનના નવા દૈનિક 12,133 કેસ થયા છે અને કુલ સંખ્યા વધીને 37.101 થઈ છે. બ્રિટનના સ્વાસ્થ્ય મંત્રી સાજિદ જાવેદે ચેતવણી આપી છે કે ક્રિસમસની ઊજવણી પહેલાં નિયંત્રણો નહીં લદાય તો ઓમિક્રોનના કેસ 20 લાખ સુધી પહોંચી શકે છે.

બ્રિટનના સ્વાસ્થ્ય મંત્રી સાજિદ વાજિદે કહ્યું કે ઓમિક્રોનથી મૃતકોની સંખ્યા વધીને સાત થઈ ગઈ છે. અહીં ગયા સપ્તાહે ઓમિક્રોનથી પહેલું મોત થયું હતું. ઓમિક્રોનનો સામનો કરવા માટે રસીકરણની ગતિ વધારવામાં આવી છે. બ્રિટનમાં શનિવારે એક જ દિવસમાં કોરોના વિરોધી રસીના વિક્રમી 3,06,665 ડોઝ અપાયા હતા, જેમાં 8,30,000 બુસ્ટર ડોઝનો સમાવેશ થાય છે.

બ્રિટનમાં રવિવારે કોરોનાના નવા 82,886 કેસ નોંધાયા હતા અને વધુ 45 દર્દીઓનાં મોત થયા હતા. આ સાથે કોરોનાના કુલ કેસ 1,13,61,387 જ્યારે મૃત્યુઆંક 1,47,218 થયો હતો.

બ્રિટનમાં કોરોનાના વધતા કેસને પગલે યુરોપના દેશોએ પણ ઓમિક્રોનનો પ્રસાર રોકવા માટે પ્રતિબંધો મૂકવાનું શરૂ કર્યું છે. જર્મનીએ બ્રિટનથી પાછા ફરતા લોકોને ક્વોરન્ટાઈન કરવાના નિર્દેશ આપ્યા છે. એટલું જ નહીં જર્મનીમાં માત્ર કોરોના રિપોર્ટ નેગેટીવ આવ્યા હોય એવા લોકોને જ પ્રવેશ આપવામાં આવશે.

નેધરલેન્ડે યુરોપમાં હાહાકાર મચાવનારા ઓમિક્રોન વેરિઅન્ટ અને કોરોનાની નવી લહેરને રોકવા માટે રાષ્ટ્રવ્યાપી લોકડાઉન લાગુ કર્યું છે. નેધરલેન્ડના કાર્યપાલક વડાપ્રધાન માર્ક રુટ્ટેએ જણાવ્યું હતું કે, સ્કૂલો, યુનિવર્સિટીઓ, થીયેટર્સ, કોન્સર્ટ હોલ, અમ્યુઝમેન્ટ પાર્ક, મ્યુઝીયમ અને બધા જ બિન આવશ્યક સ્ટોર્સ, બાર અને રેસ્ટોરાં 14મી જાન્યુઆરી સુધી બંધ રહેશે.

ક્રિસમસ અને નવા વર્ષની ઊજવણી સિવાય માત્ર બે લોકોને સાથે ફરવાની છૂટ અપાશે. રુટે જણાવ્યું કે નેધરલેન્ડમાં રવિવારથી ફરી એક વખત લોકડાઉન લાગુ કરવામાં આવે છે. આ સિવાય ફ્રાન્સ, સાયપ્રસ અને ઓસ્ટ્રિયાએ પણ પ્રવાસ નિયંત્રણોને આકરા બનાવ્યા છે. પેરિસે તેની નવા વર્ષની પૂર્વ સંઘ્યાની ફટાકડાની ઊજવણી રદ કરી નાંખી છે.

દરમિયાન રશિયામાં પણ કોરોનાએ કેર મચાવ્યો છે. રશિયામાં છેલ્લા 24 કલાકમાં કોરોનાથી 1,023 લોકોનાં મોત થયા છે જ્યારે નવા 27,967 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે રશિયામાં કોરોનાના કુલ કેસ 1,02,14,790, જ્યારે મૃત્યુઆંક 2,97,203 થયો છે. વિશ્વ આરોગ્ય સંસ્થાએ જણાવ્યું હતું કે, કોરોનાનો ઓમિક્રોન વેરિઅન્ટ ડેલ્ટા સ્ટ્રેનની સરખામણીમાં અત્યંત ઝડપથી ફેલાઈ રહ્યો છે.

ઓમિક્રોનના કેસની સંખ્યા 1.5થી 3 દિવસમાં બમણી થઈ ગઈ છે. અમેરિકામાં છેલ્લા કેટલાક દિવસથી કોરોનાનો પ્રકોપ આંશિક હળવો થયો હતો અને કોરોનાના દૈનિક કેસ દોઢ લાખથી ઘટીને 85,924 થયા હતા જ્યારે વધુ 487નાં મોત નીપજ્યાં હતા. આ સાથે અમેરિકામાં કોરોનાના કુલ કેસ 5,16,96,205 થયા હતા જ્યારે મૃત્યુઆંક 8,27,206 થયો હતો. દુનિયામાં કોરોનાના કુલ કેસ 27,48,02,318 થયા હતા અને મૃત્યુઆંક 53,69,349 થયો હતો.

(11:44 am IST)