Gujarati News

Gujarati News

News of Monday, 20th December 2021

12 સાંસદોને સસ્પેન્ડ કરવાના મુદ્દે મડાગાંઠ ઉકેલાશે ? : માત્ર ચાર પક્ષોને બેઠકમાં બોલાવતા ઉઠતા પ્રશ્નાર્થ

કોંગ્રેસે માત્ર ચાર પક્ષોને વાતચીત માટે આમંત્રિત કરવાને અયોગ્ય ગણાવ્યું:ટીએમસીએ કહ્યું-તમામ ગતિરોધ છતાં આ મુદ્દે કોંગ્રેસ સાથે સંકલન કરવા તૈયાર

નવી દિલ્હીઃ 12 સાંસદોને સસ્પેન્ડ કરવાના મુદ્દે સંસદમાં મડાગાંઠ ચાલી રહી છે. રાજ્યસભાના અધ્યક્ષ વેંકૈયા નાયડુએ સરકાર અને વિપક્ષી પાર્ટીઓને આ મુદ્દે વાતચીત કરવા કહ્યું છે. જે બાદ આજે સરકાર દ્વારા સસ્પેન્ડેડ સાંસદોના ચાર પક્ષોને વાતચીત માટે બોલાવવામાં આવ્યા છે. પરંતુ, વિપક્ષ આને પોતાની એકતામાં ભાગલા પાડવાના પ્રયાસ તરીકે જોઈ રહ્યો છે.

સંસદમાં ચાલી રહેલી મડાગાંઠને ઉકેલવાની આ કવાયત અધવચ્ચે જ અટકી શકે છે. વિપક્ષી દળોએ સંકેત આપ્યો છે કે તેઓ 12 સસ્પેન્ડેડ સાંસદોને પુનઃસ્થાપિત કરવાની તેમની માંગ પર પાછળ હટશે નહીં. તેમનું કહેવું છે કે આ સાંસદોને ખોટી રીતે સજા આપવામાં આવી હતી.

તે ઉપરાંત કોંગ્રેસે માત્ર ચાર પક્ષોને વાતચીત માટે આમંત્રિત કરવાને અયોગ્ય ગણાવ્યું છે. ટીએમસીએ એ પણ સ્પષ્ટ કર્યું છે કે તમામ ગતિરોધ છતાં તે આ મુદ્દે કોંગ્રેસ સાથે સંકલન કરવા તૈયાર છે. રાજ્યસભામાં તૃણમૂલના સાંસદ ડેરેક ઓ’બ્રાયને સંકેત આપ્યો છે કે મતભેદો હોવા છતાં પાર્ટી આ મુદ્દે કોંગ્રેસની સાથે છે.

શિવસેનાના નેતા સંજય રાઉતે પણ કહ્યું કે તેમને સરકાર દ્વારા બેઠક માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. અને તેમાં ભાગ લેવાનો અંતિમ નિર્ણય વિરોધ પક્ષોની સવારની બેઠક બાદ લેવામાં આવશે.

રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ ચાર વિપક્ષી દળોને મોકલેલા આમંત્રણ અંગે સંસદીય બાબતોના મંત્રીને પત્ર લખ્યો છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતાએ લખ્યું, 12 સાંસદોના સસ્પેન્શન સામે તમામ વિપક્ષી પાર્ટીઓ એક સાથે છે.

તે ઉપરાંત તેમને ખડગેએ લખ્યું છે કે, અમે 29 નવેમ્બરથી રાજ્યસભાના અધ્યક્ષ અથવા ગૃહના નેતા પિયુષ ગોયલને તમામ વિપક્ષી દળો સાથે બેઠક બોલાવવાની વિનંતી કરી રહ્યા છીએ, જેથી ગતિરોધનો અંત લાવી શકાય. પરંતુ આ અંગે કશું કરવામાં આવ્યું ન હતું. આવી સ્થિતિમાં તમામ વિરોધ પક્ષોને બોલાવવાને બદલે ચાર પક્ષોને બોલાવવા એ અન્યાય અને દુર્ભાગ્યપૂર્ણ છે.

(11:50 am IST)