Gujarati News

Gujarati News

News of Monday, 20th December 2021

ભારતીય ગણિતશાસ્ત્રી નીના ગુપ્તા જીત્યાં રામાનુજન એવોર્ડ : પ્રતિષ્ઠિત એવોર્ડ જીતનાર વિશ્વના ત્રીજા મહિલા

નીના ગુપ્તાને એફાઇન અલ્જેબ્રિક જીઓમેટ્રી એન્ડ કોમ્યુલેટિવ અલ્જેબ્રા ખાસ કરીને ઝારિસ્કી કેન્સલેશન સમસ્યાના ઉકેલ માટે તેમણે કરેલા અદ્વિતીય કાર્ય બદલ એવોર્ડથી સન્માનિત કરાયાં

નવી દિલ્હીઃ  કોલકાતા સ્થિત રિસર્ચર નીના ગુપ્તાએ આ વર્ષે યુવા ગણિતશાસ્ત્રી તરીકે રામાનુજન એવોર્ડ જીતીને દેશનું નામ ઉજાળ્યું છે. તેઓ શિક્ષણના ક્ષેત્રે અપાતા આ પ્રતિષ્ઠિત એવોર્ડ વિજેતા માત્ર ચોથા ભારતીય છે. કોલકાતા સ્થિત ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટના પ્રાધ્યાપક નીના ગુપ્તાને એફાઇન અલ્જેબ્રિક જીઓમેટ્રી એન્ડ કોમ્યુલેટિવ અલ્જેબ્રા ખાસ કરીને ઝારિસ્કી કેન્સલેશન સમસ્યાના ઉકેલ માટે તેમણે કરેલા અદ્વિતીય કાર્ય બદલ આ એવોર્ડથી સન્માનિત કરાયાં છે. પોતાને પ્રાપ્ત થયેલા સન્માનથી ખુશ નીનાએ કહ્યું હતું કે મારે ઘણું કામ કરવાની જરૂર છે. ઝેરિસ્કી કેન્સલેશન સમસ્યાના ક્ષેત્રે કામગીરી બદલ પ્રો. ગુપ્તાને ૨૦૧૪માં ઇન્ડિયન નેશનલ સાયન્સ એકેડમી દ્વારા યુવા વિજ્ઞાનીના એવોર્ડથી સન્માનિત કરાયાં હતાં.

નીનાએ કહ્યું હતું કે એક સંશોધક તરીકે, મારું માનવું છે કે હજુ પણ ગણિતને લગતી ઘણીબધી સમસ્યાઓ છે જેમનું સમાધાન શોધવાનું છે. કોઇ કામ બદલ તમને સન્માનિત કરાય છે તે નિશ્ચિત રીતે જ અનુસંધાનના ક્ષેત્રે વધુ સખત મહેનત કરવા માટે પ્રેરિત કરે તેવી બાબત છે. નીના ગુપ્તા આ પ્રતિષ્ઠિત એવોર્ડ જીતનારા વિશ્વના ત્રીજા મહિલા છે જ્યારે ભારતના ચોથા સંશોધક છે.

 વર્ષ ૨૦૦૫માં રામાનુજન એવોર્ડની શરૂઆત થઇ હતી. તે વિકાસશીલ દેશોના ૪૫ વર્ષથી ઓછી વયના ગણિતના ક્ષેત્રે કામ કરતા સંશોધકોને પ્રદાન કરાય છે. ભારતીય ગણિતશાસ્ત્રી શ્રીનિવાસ રામાનુજનના નામે આ પારિતોષિકનો પ્રારંભ કરાયો છે.

(12:33 pm IST)