Gujarati News

Gujarati News

News of Monday, 20th December 2021

પનામા પેપર્સ મામલે બચ્ચન પરિવારની મુશ્કેલી વધી

ઐશ્વર્યા રાય બચ્ચનને EDનું સમન્સઃ પૂછપરછ માટે બોલાવવામાં આવી

આ પહેલા ઈડીએ ઐશ્વર્યાના પતિ અને ફિલ્મ અભિનેતા અભિષેક બચ્ચનની પણ પૂછપરછ કરી હતી

નવી દિલ્હી, તા.૨૦: પનામા પેપર્સ લીક   કેસમાં ઐશ્વર્યા રાય બચ્ચનને એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટ (ED) સમક્ષ હાજર થવા માટે સમન્સ પાઠવવામાં આવ્યું છે. તેણે અગાઉ બે વખત હાજર રહેવા માટે સમય માંગ્યો હતો. પનામા પેપર્સ કેસની તપાસ કરી રહેલી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ સમક્ષ સ્થગિત અરજી દાખલ કરવામાં આવી હતી.

ઈડીએ ઐશ્વર્યાને ફેમા કેસમાં સમન્સ પાઠવ્યું હતું. આ સમન્સ ૯જ્રાક નવેમ્બરે 'પ્રતીક્ષા' એટલે કે બચ્ચન પરિવારના નિવાસસ્થાને મોકલવામાં આવ્યું હતું. તેનો જવાબ ૧૫ દિવસમાં માંગવામાં આવ્યો હતો. ઐશ્વર્યાએ ઈમેલ દ્વારા ઈડીને જવાબ આપ્યો. કેસની તપાસ કરી રહેલી એસઆઈટીમાં ઈડી, ઈન્કમટેકસ અને અન્ય એજન્સીઓનો સમાવેશ થાય છે.

આ પહેલા ઈડીએ ઐશ્વર્યાના પતિ અને ફિલ્મ અભિનેતા અભિષેક બચ્ચનની પણ પૂછપરછ કરી હતી. કેટલાક મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સૂત્રોએ કહ્યું છે કે આ મામલે ટૂંક સમયમાં અમિતાભ બચ્ચનની પણ પૂછપરછ કરવામાં આવી શકે છે. પનામા પેપર્સ કેસમાં ઈડીની પૂછપરછથી અમિતાભ બચ્ચન પરિવારની મુશ્કેલીઓ વધી શકે છે. ફિલ્મ અભિનેત્રી ઐશ્વર્યા રાયની દિલ્હીમાં પૂછપરછ થઈ શકે છે.

પનામા પેપર્સ કૌભાંડ ૩ એપ્રિલ, ૨૦૧૬ ના રોજ શરૂ થયું હતું, જયારે કંપનીના ડિજિટલ આર્કાઇવ્સમાંથી લગભગ ૧.૧૫ કરોડ ફાઇલો લીક થઈ હતી. આ પેપર્સ લીક   કૌભાંડે અન્ય દ્યણી મોટી હસ્તીઓની પ્રતિષ્ઠા બગાડી હતી. જયારે બે દેશોના સરકારના વડાઓને પદ છોડવાની ફરજ પડી હતી. લીક થયેલી ફાઈલો જર્મન અખબાર એસઝેડને મળી હતી, જેણે પાછળથી ઈન્ટરનેશનલ કોન્સોર્ટિયમ ઓફ ઈન્વેસ્ટિગેટિવ જર્નાલિસ્ટને સોંપી દીધી હતી.

ઉલ્લેખનીય છે કે, પનામા પેપર્સ કેસમાં ભારતના લગભગ ૫૦૦ લોકો સામેલ હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. જેમાં દેશના ઘણા નેતાઓ, અભિનેતાઓ, ઉદ્યોગપતિઓ સહિત ઘણા જાણીતા લોકો સામેલ છે.

(3:01 pm IST)