Gujarati News

Gujarati News

News of Monday, 20th December 2021

ક્રિસમસની ઉજવણી પહેલાં નિયંત્રણો નહીં લદાય તો ઓમિક્રોનના કેસ ૨૦ લાખ સુધી પહોંચી શકે છે

બ્રિટનના સ્વાસ્થ્ય મંત્રી સાજિદ જાવેદે ચેતવણી આપી કે : બ્રિટનમાં ઓમિક્રોન વેરિઅન્ટે હાહાકાર મચાવ્યો : નવા ૧૨,૧૩૩ કેસ નોંધાયા

નવી દિલ્હી : કોરોનાના નવા વેરિઅન્ટ ઓમિક્રોનનું ભયાનક સ્વરૂપ દેખાવા લાગ્યું છે. ઓમિક્રોન વેરિઅન્ટ અત્યાર સુધીમાં ૮૯ દેશોમાં ફેલાઈ ચૂક્યો છે. બ્રિટનમાં કોરોનાના ઓમિક્રોન વેરિઅન્ટે હાહાકાર મચાવ્યો છે. બ્રિટનમાં ઓમિક્રોનથી મરનારા દર્દીઓની સંખ્યા વધીને ૭ થઈ ગઈ છે.

જ્યારે ઓમિક્રોનના દૈનિક ૧૦ હજારથી વધુ કેસ સામે આવી રહ્યા છે. આ સાથે બ્રિટનમાં આજે ઓમિક્રોનના નવા દૈનિક ૧૨૧૩૩ કેસ થયા છે અને કુલ સંખ્યા વધીને ૩૭,૧૦૧ થઈ છે. બ્રિટનના સ્વાસ્થ્ય મંત્રી સાજિદ જાવેદે ચેતવણી આપી છે કે ક્રિસમસની ઊજવણી પહેલાં નિયંત્રણો નહીં લદાય તો ઓમિક્રોનના કેસ ૨૦ લાખ સુધી પહોંચી શકે છે.

બ્રિટનના સ્વાસ્થ્ય મંત્રી સાજિદ વાજિદે કહ્યું કે ઓમિક્રોનનો સામનો કરવા માટે રસીકરણની ગતિ વધારવામાં આવી છે. બ્રિટનમાં શનિવારે એક જ દિવસમાં કોરોના વિરોધી રસીના વિક્રમી ૩ લાખથી વધુ ડોઝ અપાયા હતા, અને ૮,૩૦,૦૦૦ બુસ્ટર ડોઝનો સમાવેશ થાય છે.

બ્રિટનમાં રવિવારે કોરોનાના નવા ૮૨,૮૮૬ કેસ નોંધાયા હતા અને વધુ ૪૫ દર્દીઓનાં મોત થયા હતા. આ સાથે કોરોનાના કુલ કેસ  ૧,૧૩,૬૧,૩૮૭ જ્યારે મૃત્યુઆંક ૧,૪૭,૨૧૮ થયો હતો.

બ્રિટનમાં કોરોનાના વધતા કેસને પગલે યુરોપના દેશોએ પણ ઓમિક્રોનનો -સાર રોકવા માટે પ્રતિબંધો મૂકવાનું શરૂ કર્યું છે. જર્મનીએ બ્રિટનથી પાછા ફરતા લોકોને કવોરન્ટાઈન કરવાના નિર્દેશ આપ્યા છે. એટલું જ નહીં જર્મનીમાં માત્ર કોરોના રિપોર્ટ નેગેટીવ આવ્યા હોય એવા લોકોને જ પ્રવેશ આપવામાં આવશે.

નેધરલેન્ડે યુરોપમાં હાહાકાર મચાવનારા ઓમિક્રોન વેરિઅન્ટ અને કોરોનાની નવી લહેરને રોકવા માટે રાષ્ટ્રવ્યાપી લોકડાઉન લાગુ કર્યુંછે., સ્કૂલો, યુનિવર્સિટીઓ, થીયેટર્સ, કોન્સર્ટ હોલ, અમ્યુઝમેન્ટ પાર્ક, મ્યુઝીયમ અને બધા જ બિન આવશ્યક સ્ટોર્સ, બાર અને રેસ્ટોરાં ૧૪મી જાન્યુઆરી સુધી બંધ રહેશે.

આ સિવાય ફ્રાન્સ, સાયપ્રસ અને ઓસ્ટ્રિયાએ પણ પ્રવાસ નિયંત્રણોને આકરા બનાવ્યા છે. પેરિસે તેની નવા વર્ષની પૂર્વ સંઘ્યાની ફટાકડાની ઊજવણી રદ કરી નાંખી છે.દરમિયાન રશિયામાં પણ કોરોનાએ કેર મચાવ્યો છે. રશિયામાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાથી ૧,૦૨૩ લોકોનાં મોત થયા છે.અમેરિકામાં છેલ્લા કેટલાક દિવસથી કોરોનાનો પ્રકોપ આંશિક હળવો થયો હતો

દુનિયામાં કોરોનાના કુલ કેસ ૨૭.૪૮ કરોડ થયા હતા અને મૃત્યુઆંક ૫૩.૬૯ લાખ થયો છે.

(3:19 pm IST)