Gujarati News

Gujarati News

News of Monday, 20th December 2021

ચીની લોકો પર સૌથી વધુ દેવુઃ પાકિસ્તાનીના પણ બૂરા હાલઃ ભારત કરતા બાંગ્લાદેશની સ્થિતિ સારી : કોરોનાએ વિવિધ દેશોની આર્થિક હાલત બગાડી

દરેક ભારતીય ઉપર ૪૦૭.૧૪ ડોલરનું દેવુઃ જ્યારે પાકિસ્તાની નાગરીકો ઉપર ૧૨૩૦.૫૦ ડોલરનું જંગી દેવુ : દરેક ચીની નાગરીક ૮૯૭૧.૭૪ દેવામાં ડૂબેલોઃ બાંગ્લાદેશના સરેરાશ નાગરીક ઉપર માત્ર ૨૬૪.૭૦ ડોલરનું દેવુ

નવી દિલ્હી, તા. ૨૦ :. કોરોના મહામારીને કારણે દુનિયાભરની અર્થવ્યવસ્થાઓ ખરાબ સમયમાંથી પસાર થઈ રહી છે. જેના કારણે એક તરફ કમાણીમાં ઘટાડો થયો છે તો બીજી તરફ હેલ્થ ઈન્ફ્રા.ને મજબૂત બનાવવામાં ખર્ચ ઝડપથી વધી રહ્યો છે જેણે સરકારો પર બહારનું દેવુ વધારી દીધુ છે.

ભારત અને પાડોશી દેશોની તુલના કરીએ તો ચીન સૌથી વધુ દેવા હેઠળ છે. જ્યારે બાંગ્લાદેશ ઉપર સૌથી ઓછી ઉધારી છે. પહેલાથી જેના હાલ-બેહાલ છે તે પાકિસ્તાન ઉપર દેવાએ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધુ છે.

સ્ટેટ બેન્ક ઓફ પાકિસ્તાનના આંકડા અનુસાર હાલ ઈમરાન સરકારના કાર્યકાળમાં ૨૦.૭ ટ્રીલીયન પાકિસ્તાની રૂપિયાની નવી લોન લેવામાં આવી છે. આનાથી પાકિસ્તાનનું કુલ બહારનું દેવુ વધીને પહેલીવાર ૫૦.૫ ટ્રીલીયન પાકિસ્તાની રૂપિયાના સ્તર પર પહોંચી ગયુ છે. ડોલરમાં આ દેવુ લગભગ ૨૮૩ અબજ ડોલરનું છે. યુનોના વર્લ્ડઓ મીટરના આંકડા અનુસાર પાકિસ્તાનની કુલ વસ્તી હાલ ૨૨૭૧૪૧૫૨૩ છે. આ રીતે પાકિસ્તાનના દરેક નાગરીક ઉપર લગભગ ૧૨૩૦.૫૦ ડોલરની ઉધારી છે એટલે કે દેવુ છે.

ભારતની વાત કરીએ તો કુલ વસ્તી ૧૩૯૯૭૯૧૦૬૮ ઉપર છે. માર્ચ ૨૦૨૧ બાદ ભારત ઉપર બહારનું દેવુ ૫૭૦ અબજ ડોલરનું છે. કોરોનાના કારણે આ દેવુ ૧૧.૬ અબજ ડોલર વધ્યુ છે. આ રીતે દરેક ભારતીય નાગરીકના હિસ્સામાં ૪૦૭.૧૪ ડોલરનું દેવુ બેસે છે.  જીડીપીના આકારના હિસાબથી વિશ્વની બીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા ચીનની હાલત પણ ઠીક નથી. ચીન ઉપર બહારી દેવુ ૧૩૦૦૯.૦૩ અબજ ડોલરના રેકોર્ડ સ્તર પર છે. ચીનની વસ્તી હાલ ૧૪૪૭૪૪૮૨૨૮ લોકોની વસ્તી સાથે વિશ્વની સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ છે. આ રીતે પ્રત્યેક ચીની નાગરીક ઉપર ૮૯૭૧.૭૪ ડોલરનું દેવુ છે.

કુલ દેવાની બાબતમાં બાંગ્લાદેશની સ્થિતિ સારી છે. કુલ વસ્તી ૧૬૬૩૦૩૪૯૮ છે. જ્યારે બહારનું દેવુ ૪૫ અબજ ડોલર છે. કુલ દેવુ અને વસ્તીને જોતા દરેક નાગરીક પર માત્ર ૨૬૪.૭૦ ડોલરનું દેવુ છે જે ચીન અને પાકિસ્તાન કરતા ઓછું છે. એટલુ જ નહિ ભારત કરતા તે અડધુ છે.

(3:56 pm IST)