Gujarati News

Gujarati News

News of Monday, 20th December 2021

ધાર્મિક સ્થળો પર સુરક્ષા માટે કેન્દ્રની રાજ્યને તાકીદ

પંજાબમાં બે દિવસમાં બે લોકોનાં મોબ લિન્ચિંગ : ગૃહ મંત્રાલયને શંકા છે કે, દેશ વિરોધી તત્વો દ્વારા પંજાબમાં ધાર્મિક લાગણીઓ ભડકાવવાના પ્રયત્નો થઈ રહ્યા છે

ચંદીગઢ, તા.૨૦ : પંજાબમાં બેઅદબીના મામલામાં બે દિવસમાં બે લોકોનુ મોબ લિન્ચિંગ કરવામાં આવ્યું છે ત્યારે હવે કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલયે પંજાબ સરકારને એલર્ટ આપ્યો છે.

સૂત્રોનુ કહેવુ છે કે, કેન્દ્ર સરકારે પંજાબ સરકારને તમામ ધાર્મિક સ્થળો પર સુરક્ષા વધારવા માટે સલાહ આપી છે.કારણકે ગૃહ મંત્રાલયને શંકા છે કે, દેશ વિરોધી તત્વો દ્વારા પંજાબમાં ધાર્મિક લાગણીઓ ભડકાવવા માટે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.

કેન્દ્રના ઈનપુટ બાદ પંજાબ સરકારે તમામ ધાર્મિક સ્થળો પર સુરક્ષા વધારી દીધી છે.મંદિરોથી લઈને ગુરુદ્વારામાં સીસીટીવી લગાવવાનુ શરુ કરાયુ છે.દરેક ગામમાં સરપંચને પણ સર્તક રહેવા કહેવાઈ રહ્યુ છે.સરકારે કહ્યુ છે કે, ગામની આજુબાજુ કોઈ શંકાસ્પદ વ્યક્તિ દેખાય તો તરત પોલીસને સૂચના આપવી.

દરમિયાન પંજાબ સીએમ ચન્નીએ પણ કહ્યુ હતુ કે, વિધાનસભા ચૂંટણીને જોતા બેઅદબીની ઘટનાઓમાં કોઈ ષડયંત્ર પણ હોઈ શકે છે.દરમિયાન સુવર્ણ મંદિરમાં ગુરુ ગ્રંથ સાહેબના અપમાનના થયેલા પ્રયત્નના મામલામાં વિશેષ તપાસ ટીમ બનાવવામાં આવી છે.અહીંયા એક યુવકનુ મોબ લિન્ચિંગ થયુ હતુ.

બીજી તરફ કપુરથલામાં પણ ગુરુદ્વારામાં નિશાન સાહેબ એટલે કે ધાર્મિક ધ્વજના અપમાનની આશંકાથી એક યુવકની લોકોએ હત્યા કરી નાંખી હતી.

(8:57 pm IST)